
અમદાવાદ, 18 મે 2019, શનિવાર
આપણા શાસ્ત્રોમાં જીવન જીવવા માટેની કેટલીક ખાસ વાતો વર્ણવી છે. આજના સમયમાં પણ આ વાતોને ધ્યાનમા રાખી જીવન જીવવામાં આવે તો આપણે ફાયદામાં રહી શકીએ. આ વાતોનું પાલન કરવાથી વ્યક્તિ ક્યારેય કોઈ સમસ્યામાં મુકાતો નથી. હિંદૂ દર્શન અનુસાર દરેક વ્યક્તિએ પોતાના જીવનની કેટલીક વાતોને હંમેશા ગોપનીય રાખવી જોઈએ. આ વાતો જે વ્યક્તિ પોતાના સુધી રાખે છે તે ખુશ અને ચિંતા મુક્ત રહે છે અને જે વ્યક્તિ આ વાતોની ચર્ચા બધા સાથે કરે છે તેના માથે સમસ્યા આવી પડે છે.
ઘર, પરીવારની ચર્ચા
લોકો ભાવુક થઈ અને પોતાના મિત્રોને ઘર, પરીવારની વાતો કરતાં હોય છે. આ ભુલ ક્યારેય કરવી નહીં કારણ કે આવી વાતોથી સંબંધોમાં તિરાડ પડી શકે છે અને પરીવારમાં ક્લેશ પણ થાય છે. એટલે ઘરની વાત હંમેશા ઘરમાં જ રાખવી જોઈએ. આમ કરવાથી જીવન સુખમય રહે છે. પરીવારની વાતો હંમેશા બહારના લોકોથી ગુપ્ત રાખવી જોઈએ.
ઘરના સીક્રેટ
ઘરમાં શું ચાલે છે, ઘરની સ્થિતી કેવી છે તે કોઈ જ વાત બહારના વ્યક્તિને કરવી નહીં. આ ઉપરાંત ઘરમાં મિત્રો કે મહેમાન આવે તો તેને પણ ઘરની દરેક જગ્યાએ જવાની પરવાનગી ન આપો. ઘરના સીક્રેટસ હંમેશા ગુપ્ત જ રહેવા જોઈએ. તેમાં પણ જો તમે સંયુક્ત પરીવારમાં રહેતા હોય તો પરીવારના અન્ય સભ્યોને ખલેલ પહોંચે તે રીતે તમારા મિત્રોને ઘરમાં ન બોલાવો.
ઘરની આવક
આજના હરિફાઈના યુગમાં દરેક વ્યક્તિ બીજાની આવક જાણવા ઈચ્છુક જ હોય છે. પરંતુ આ વાત મિત્રોને જણાવવી જોઈએ નહીં. ઘરમાં થતી ધનની આવક, ઘરના વ્યવહારો વિશે સંબંધીઓ કે મિત્રો સાથે ચર્ચા ન કરવી. આમ કરવાથી તમને જ નુકસાન થશે.
પોતાની યોજના વિશે ચર્ચા
મિત્ર કેટલો પણ ખાસ કેમ ન હોય તેને પોતાની યોજના વિશે જાણકારી આપવી જોઈએ નહીં. તમે ભવિષ્યમાં શું કરવાના છો, વેકેશનનું શું પ્લાનિંગ છે વગેરે જેવી બાબતો નક્કી થાય તે પહેલા તેની ચર્ચાઓ ગૃપમાં ન કરવી.
નબળાઈ
કોઈપણ મિત્ર કે સંબંધીને પોતાની નબળાઈ કે અયોગ્યતા વિશે જણાવવું જોઈએ નહીં. શક્ય છે કે તમારી નબળાઈ વિશે જાણી બહારના લોકો તેનો લાભ લેતા થઈ જાય અને તમારી સાથે ખરાબ વર્તન કરે અથવા તો અન્યની સામે તમને નીચું જોવું પડે.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WU3XZm
via Latest Gujarati News
0 Comments