50 ટકા ઇવીએમ સાથે વીવીપીએટી સ્લીપ સરખાવવાની 21 પક્ષોની માગ સુપ્રીમે ફગાવી


દરેક વિધાનસભા મત વિસ્તારમાં પાંચ મતદાન મથકોના ઇવીએમને વીવીપીએટી સાથે સરખાવવાનો આદેશ સુપ્રીમે યથાવત રાખ્યો 

પાંચમાંથી કોઇ એક ઈવીએમમાં પણ ચૂંટણી પંચે ગેરરીતિ પકડી તો આગળ શું તેની કોઇ ગાઇડલાઇન જ નથી : સિંઘવી

નવી દિલ્હી, તા. 7 મે, 2019, મંગળવાર

ઇવીએમમાં છેડછાડ થઇ રહી હોવાની ફરિયાદો વિપક્ષ કરી રહ્યો છે. જેને પગલે વીવીપીએટી અને ઇવીએમ બન્નેને સરખાવીને મતની ચકાસણી કરવામાં આવે તેવી માગણી વિપક્ષ કરી રહ્યો છે. આ માટે વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી હતી તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી જે બાદ આશરે ૨૧ જેટલા વિપક્ષોએ મળીને સુપ્રીમ કોર્ટમાં અગાઉના ચુકાદાને લઇને રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી જેને પણ મંગળવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

 મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાનીમાં ગઠીત સુપ્રીમ કોર્ટની બેંચે સ્પષ્ટતા કરી હતી કે અમે અમારા અગાઉના આદેશમાં કોઇ જ ફેરફાર કરવા નથી માગતા.  સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ સહીતની આશરે ૨૧ જેટલી પાર્ટીઓએ અરજી કરી હતી જેમાં તેમણે એવી માગણી કરી હતી કે સુપ્રીમ કોર્ટે જે અગાઉ ચુકાદો આપ્યો છે તે અંગે ફેર વિચારણા કરવામાં આવે અને ઇવીએમ તેમજ વીવીપીએટી બન્નેને મેળવીને મત ગણતરી કરવામાં આવે જેથી એ સ્પષ્ટતા થઇ જાય કે ખરેખર મતદાનમાં કોઇ ગેરરીતી નથી થઇ. વિપક્ષો વતી વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી. જેમાં તેમણે એવી માગણી કરી હતી કે હાલ માત્ર બે ટકા ઇવીએમ મશીને જ વીવીપીએટી સાથે મેળવીને ગણતરી થાય છે, જ્યારે આ સંખ્યા વધારીને ૨૫ ટકા કરવી જોઇએ. સિંઘવીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે એકમાંથી પાંચ સુધી કરી હતી, જ્યારે અમે ૫૦ ટકા સુધીની માગણી કરી હતી. તેમ છતા જો આ સંખ્યા ૩૩ કે ૨૫ ટકા રાખે તો પણ અમને કોઇ જ વાંધો નથી. 

સિંઘવીએ જણાવ્યું હતું કે કદાચ આ પાંચમાંથી કોઇ એક ઇવીએમમાં ખરાબી સામે આવી તો ? પછી ચૂંટણી પંચ શું કરશે તેની કોઇ જ ગાઇડલાઇન પણ નથી. બાદમાં સુપ્રીમ કોર્ટમાં હાજર અન્ય એક વરીષ્ઠ વકીલ કપીલ સિબ્બલ પણ દલિલોમાં જોડાયા હતા, તેમણે કહ્યું હતું કે અગાઉ ચૂંટણી પંચે આ જ મુદ્દે સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે બાદમાં કહ્યું હતું કે આ રિવ્યૂ પિટિશન છે અને અમે તમને આ ઓપન કોર્ટમાં નહીં સાંભળીએ. જ્યારે કોર્ટમાં દલીલો ચાલી રહી હતી ત્યારે ચંદ્રાબાબુ નાયડુ, ફારુક અબ્દુલ્લા, સીપીઆઇના ડી રાજા પણ હાજર હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YasMQX
via Latest Gujarati News

Post a Comment

0 Comments