
(પીટીઆઈ) રાતોડેરો, તા.17 મે, 2019, શુક્રવાર
દક્ષિણી પાકિસ્તાનના એક ગામમાં સેંકડો લોકો કથિતરુપે એચઆઈવી એઈડ્સનો ભોગ બન્યા છે. તે વિસ્તારના એક ડોક્ટર દ્વારા સંક્રમિત સિરીંજનો ઉપયોગ કરવાના કારણે બાળકો સહિત અનેક લોકો આ બીમારીનો ભોગ બન્યા છે.
આ મામલો સિંધ પ્રાંતના લરકાના વિસ્તારનો છે. ગત મહિને પ્રશાસનને શહેરની બહારના વિસ્તારમાં ૧૮ બાળકો એચઆઈવી પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું જેથી વ્યાપક સ્તરે તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે તે વિસ્તારના ૫૦૦થી વધારે લોકો એચઆઈવી પોઝિટિવ હોવાની જાણ થઈ છે અને તેમાંથી મોટા ભાગના બાળકો છે.
વિશેષજ્ઞાોના મતે એચઆઈવી ગ્રસ્તોનો આંકડો વધવાની શક્યતા જણાઈ રહી છે અને આ બનાવથી ગામડાના ગરીબ લોકો ખૂબ જ ડરેલા અને ગુસ્સામાં છે. સ્થાનિક ચિકિત્સક મુજફ્ફર ગાંધરોએ એપ્રિલ મહિનાની શરુઆતમાં દર્દીઓને સંક્રમિત કર્યા હતા અને ત્યાર બાદ લરકાનામાં એચઆઈવી ફેલાયો હતો જેનો ભોગ એક વર્ષની ઉંમરના બાળકો પણ બન્યા છે.
સિંધ પ્રાંતના એઈડ્સ નિયંત્રણ કાર્યક્રમના પ્રમુખે જણાવ્યું કે અધિકારીઓએ લરકાનાના ૧૩,૮૦૦ લોકોની તપાસ કરી જેમાં ૪૧૦ બાળકો અને ૧૦૦ વયસ્કો એચઆઈવી પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક બાળ રોગ ચિકિત્સકના કારણે એચઆઈવી એઈડ્સ ફેલાયો છે અને દવાખાનાઓમાં ઈલાજ માટે મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન એશિયાનો બીજા નંબરનો દેશ છે જ્યાં એચઆઈવી દરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
૨૦૧૭ની સાલમાં પાકિસ્તાનમાં એચઆઈવીના ૨૦,૦૦૦ કેસ નોંધાયેલા હતા. સરકારી રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં છ લાખ જેટલા બોગસ ડોક્ટર્સ છે જે પૈકીના ૨.૭ લાખ સિંધ પ્રાંતમાં જ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2w3Mulr
via Latest Gujarati News
0 Comments