
સંસદમાં 66 વિરદ્ધ 27 મતથી પ્રસ્તાવ પાસ થયો
તાઈપેઈ, તા.17 મે, 2019, શુક્રવાર
તાઈવાનની સંસદે સમલૈંગિક લગ્નને માન્યતા આપતું બિલ પસાર કર્યું હતું, તે સાથે જ સમલૈંગિક લગ્નને માન્યતા આપનારો તાઈવાન એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે. સર્વોચ્ચ અદાલતના સૂચન પછી સંસદે આ કાર્યવાહી હાથ ધરી હતી.
તાઈવાનની સંસદમાં સમલૈંગિક દંપતીને લગ્ન કરવાની માન્યતા આપવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. પ્રસ્તાવની તરફેણમાં ૬૬ મતો પડયા હતા અને પ્રસ્તાવના વિરોધમાં ૨૭ સાંસદોએ મત આપ્યો હતો.
બહુમતિ સાંસદોએ સમલૈંગિક લગ્નની માન્યતા મળે તેની તરફેણમાં મત આપ્યો હતો એટલે હવે તાઈવાન સરકારના સત્તાવાર દસ્તાવેજોમાં સજાતીય લગ્નને માન્યતા મળશે. સત્તાવાર રજિસ્ટરમાં સજાતીય દંપતી તેના લગ્ન નોંધાવી શકશે.
સજાતીય લગ્નને માન્યતા આપનારો તાઈવાન એશિયાનો પ્રથમ દેશ બન્યો છે. આ બિલ પસાર થયું પછી લેસ્બિયન, ગે, બાયોસેક્યુઅલ અને ટ્રાન્સજેન્ડર (એલજીબીટી) સમુદાયે તાઈવાનમાં ઠેર-ઠેર ઉજવણી કરી હતી ને સંસદના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
રૃઢિવાદી સાંસદોએ આનો વિરોધ કર્યો હતો અને બિલ પસાર થયા પછી પણ સામાજિક ઢાંચાને આ વ્યવસ્થાથી નુકસાન થશે એવું કહ્યું હતું. બીજી તરફ ઉદારમતવાદી સાંસદોએ કહ્યું હતું કે આ કાયદાથી સજાતીય સંબંધો ધરાવતા દંપતીને સામાજિક સ્વીકૃતિ મળતી થશે.
સાંસદોના સમુહે એક નિવેદનમાં કહ્યું હતું કે જાતીય સંબંધો તે માણસની અંગત સ્વતંત્રતા અને પસંદગીનો મુદ્દો છે એટલે તેને માણસના મૂળભૂત અધિકારો સાથે જ સાંકળીને નિર્ણય કરવો પડે.
તાઈવાનની સર્વોચ્ચ અદાલતે એક અરજીના સંદર્ભમાં ચુકાદો આપતા તાઈવાન સંસદને એવો નિર્દેશ કર્યો હતો કે સજાતીય દંપતીના લગ્નને માન્યતા મળે તે દિશામાં સંસદે વિચારવું જોઈએ. કારણ કે તેના સંબંધોને માન્યતા ન આપવી તે બંધારણીય સ્વતંત્રતાની વિરોધમાં છે. આખરે સંસદમાં પણ એ બિલ પસાર થયું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JP7lAT
via Latest Gujarati News
0 Comments