તાલિબાનો વિરૂધ્ધની અમેરિકન એરસ્ટ્રાઈકમાં ભૂલથી અફઘાની સૈનિકો માર્યા ગયા


કંદહાર, તા.17 મે, 2019, શુક્રવાર

અમેરિકાએ તાલિબાની આતંકવાદીઓ વિરૃદ્ધ અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હતી, તેમાં ભૂલથી અફઘાનિસ્તાનના સૈનિકો માર્યા ગયા હતા. આ અંગે અમેરિકન લશ્કરના સંવાદદાતાએ સ્પષ્ટતા કરી હતી. લગભગ ૧૭ અધિકારીઓનો આ એર સ્ટ્રાઈકમાં ભોગ લેવાયો હતો.

અફઘાનિસ્તાનના દક્ષિણના પ્રાંત હેલમંડમાં તાલિબાની આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે અમેરિકન વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી હતી. તેમાં આતંકવાદીઓને મારવામાં તો સફળતા મળી હતી, પણ સરવાળે આ એરસ્ટ્રાઈક અફઘાનિસ્તાનને મોંઘી પડી હતી. એ એરસ્ટ્રાઈકમાં અફઘાનના ૧૭ અધિકારીઓ માર્યા ગયા હતા.

અમેરિકન વાયુસેનાના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે હેલમંડમાં અફઘાનિસ્તાનના લશ્કરે અમેરિકાના હવાઈ સહકાર માગ્યો હતો, પણ એ પછી અફઘાન સૈનિકોએ એ વિસ્તાર છોડયો ન હતો. અમેરિકાએ હવાઈ હુમલો કર્યો ત્યારે એ જ વિસ્તારમાં અફઘાનિસ્તાનના સૈનિકો પણ હતા એટલે ભૂલથી એ સૈનિકો માર્યા ગયા હતા.

અમેરિકાની એર સ્ટ્રાઈકમાં કેટલા સૈનિકો માર્યા ગયા એ અંગેનો સત્તાવાર આંકડો જાહેર કરાયો ન હતો, પરંતુ શરૃઆતમાં આઠ પોલીસ જવાનો માર્યા ગયાનો દાવો થયો હતો. જોકે, એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા સૈનિકોનો આંકડો ૧૭ સુધી પહોંચ્યો હોવાનો દાવો પણ થયો હતો. અન્ય ૧૪ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હેલમંડના ગવર્નરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ એર સ્ટ્રાઈકની તપાસનો આદેશ થયો છે. તપાસ થયા પછી વધુ વિગતો જાહેર કરાશે. તાલિબાની આતંકવાદીઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકાના એરસ્ટ્રાઈકમાં મોટી સંખ્યામાં અફઘાની સૈનિકો માર્યા ગયા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hy3hCC
via Latest Gujarati News

Post a Comment

0 Comments