રસાયણોથી પકવેલી કેરી વેચનારને રૂા. 5 લાખ સુધીનો દંડ કરાશે


મુંબઈ, તા.17 મે 2019, શુક્રવાર

કોઈપણ વ્યક્તિ રસાયણો દ્વારા પકવેલી કેરી વેચતાં પકડારો તો તેને રૂા. પાંચ લાખ સુધીનો દંડ કરવામાં આવશે અને આવી કેરી આરોગ્ય માટે હાનિકારક છે એવું પરીક્ષણમાં પુરવાર થયું તે તે વ્યક્તિને કદાચ જેલની સજા પણ કરવામાં આવે એવો આદેશ મહારાષ્ટ્રના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ જારી કર્યો છે.

આ ઉનાળામાં લોકો કેરીનો આસ્વાદ માણે તે પ્રમાણમાં રસાયણ મુક્ત હોય તે એફડીએનો ઉદ્દેશ છે. આ સરકારી એજન્સી કેરીને કેલ્સિઅમ ક્લોરાઈડનો ઉપયોગ કરી કૃત્રિમ રીતે પકવતા વેપારીઓ અને એજન્ટો સામે કાર્યવાહી કરશે. આ અંગેની ફરિયાદ તેની વેબસાઈટ પર નોંધાવવાનો અનુરોધ પણ તેણે લોકોને કર્યો છે.

એફડીએના સંયુક્ત કમિશનર (ફૂડ) શૈલેશ અઢવે કહ્યું હતું કે કેલ્શિઅમ કાર્બાઈડ તથા એસિટિલીન ગેસ દ્વારા પકવેલાં ફળ માનવ શરીર માટે નુકસાનકર્તા છે. આથી વિવિધ ફળોને કેલ્શિઅમ કાર્બાઈડનો ઉપયોગ કરી પકવવા પર ફૂડ સિક્યૂરિટિ એન્ડ સ્ટાન્ડર્ડઝ એક્ટ, ૨૦૧૧ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કેરી કુદરતી રીતે આપ મેળે જ પાકે તે યોગ્ય છે. એફડીએના અધિકારીઓ વેપારીઓ અને એજન્ટો દ્વારા વેચાતાં ફળની અડસટ્ટે ચકાસણી કરશે અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલશે. વિક્રેતાઓ ફળ પકવવા વિશેના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું જણાશે તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. અમે આવાં ઉલ્લંઘન બદલ રૂા.પાંચ લાખ સુધીનો દંડ કરી શકીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું. 

કેરીને કૃત્રિમ રીતે પકવવામાં આવી છ ેકે નહીં તેની ખબર કેવી રીતે પડે તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે કેરીના રંગ, સ્વાદ અને તેના રસ પરથી કેરી કઈ રીતે પકવવામાં આવી છે તે જાણવા માટેની માર્ગદર્શિકા એફડીએએ જારી કરી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JtfXxJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments