
મુંબઇ તા.17 મે 2019, શુક્રવાર
હજી હમણાંજ ઓડિશાને ધમરોળી નાખનારા 'ફેની' વાવાઝોડાની સચોટ- આગોતરી આગાહી ઇન્સેટ-૩ડી, ઇન્સેટ-૩ -ડીઆર, સ્કેટસેટ-૧, ઓશનસેટ-૨ અને મેઘા ટ્રોપિક્સ નામના આધુનિક સેટેલાઇટ્સે આખ હત : ઇસરોની આવી રાષ્ટ્રસેવાથી ૧૧ લાખ માનવ જિંદગી ઉગરી ગઇ હતી : તો વળી આ સેટેલાઇટ્સ ભૂગર્ભમાંની સોનું, ચાંદી, લોખંડ, કોલસો અને જળપ્રવાહરૂપી સંપત્તિનું સંશોધન પણ કરે છે.
સામાન્ય જનતાના મનમાં એવો સહજ સવાલ થાય કે હવામાનની આગાહી એટલે કે વરસાદ, પવન, વાવાઝોડું, ઠંડી અને ગરમી તથા બરફનો વરસાદ (સ્નો ફોલ) વગેરેની આગાહીમાં વળી સાયન્સ અને ટેકનોલોજી કઇ રીતે ઉપયોગી બને ? અદ્ધર આકાશમાં તરતા કૃત્રિમ ઉપગ્રહો (સેટેલાઇટ્સ) હવામાનની વિવિધ પ્રકારની આગાહી કરવામાં કઇ રીતે ઉપયોગી બને ?
સાચી વાત છે. આ સમગ્ર બાબતને બહુ સરળ રીતે સમજીએ તો હવામાનને આકાશ સાથે સીધો સંબંધ સંપર્ક હોય છે. આકાશના વાતાવરણના જુદા જુદા પટ્ટા હોય છે અને તે પટ્ટાનું ઉષ્ણતામાન પણ જુદુ જુદુ હોય છે.
ઉદાહરણરૂપે શૂન્યથી (ઝીરોથી) ૧૫ કિલોમીટર સુધીના વાતાવરણના પટ્ટાને ખગોળ વિજ્ઞાાનની ભાષામાં ટ્રોપોસ્ફિચર (Troposphere) કહેવાય છે. આ ટ્રોપોસ્ફિયર હિસ્સાનું તાપમાન માઇનસ ૫૦ થી ૬૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે.
૧૫ થી ૫૦ કિલોમીટરના વાતાવરણના પટ્ટાને સ્ટ્રેટોસ્ફિયર (Stratosphere) કહેવાય છે અને આ પટ્ટામાં ઉષ્ણતામાન પ્લસ ૮૦ ડિગ્રી સેલ્સિયસ જેટલુ ધગધગતું ઉકળતું હોય છે. ત્યાર બાદ ૫૦ થી ૧૧૦ કિલોમીટરના વાતાવરણના હિસ્સાને મેઝોસ્ફિયર (Mesosphere) કહેવાય છે અને આ હિસ્સાનું ટેમ્પરેચર માઇનસ ૭૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડુગાર હોય છે.
છેલ્લે ૧૧૦ થી ૫૦૦ કિલોમીટરના વાતાવરણના હિસ્સાને ખગોળ શાસ્ત્રીની ભાષામાં થર્મોસ્ફિયર (Thermosphere) કહેવાય છે અને આ પટ્ટાનું તાપમાન અતિ અતિ અસહ્ય, કલ્પનાતીત એટલે કે ૧૦૦૦ થી ૧૩,૦૦૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું અ...ધ...ધ હોય છે.
હવે મૂળ અને મહત્વની વાત કરીએ તો ભારતીય હવામાન ખાતાએ છેલ્લા થોડાક દાયકાથી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) સાથે સહ્યોગ સાધીને હવામાન વિશે વિવિધ પ્રકારની અને ઉપયોગી માહિતી આપવાનું શરૂ કર્યું છે. ઉદાહરણરૂપે ઇસરોએ પૃથ્વીથી ૬૦૦ થી ૧૦૦૦ કિ.મી.ના અંતરે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ તરતા મૂક્યા છે.
બીજી ભાષામાં કહીએ તો આ પ્રકારના સેટેલાઇટ્સને ખાસ હવામાન વિશેની આગાહી માટેના (Meteorological Satellites) ઉપગ્રહ કહેવાય છે. હવામાનની આગાહી માટેના આવા કૃત્રિમ ઉપગ્રહો તરતા મૂકવાની શરૂઆત અમેરિકા અને જૂના સોવિયેત સંઘે કરી હતી.
ઇસરોએ અત્યાર સુધીમાં ઘણા રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ આકાશમાં તરતા મૂક્યા છે. આમ તો આવા રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સની મૂળ-મહત્વની કામગીરી અર્થ ઓબ્ઝર્વેશનની એટલે કે પૃથ્વીની સપાટી પર અને તેના ભૂગર્ભમાં થતી હિલચાલનું નિરીક્ષણ કરવાની હોય છે. આમ છતાં આ પ્રકારના સેટેલાઇટ્સમાં અત્યાધુનિક અને ખાસ પ્રકારના કેમેરા ગોઠવીને હવામાનની આગાહી પણ કરી શકાય છે. ઉપરાંત તેમાં અત્યાધુનિક પ્રકારના રડાર્સ પણ ગોઠવ્યાં હોવાથી પૃથ્વીની નીચી સપાટીએ એટલે કે વાતાવરણમાં ફરતાં કાળાંડિબાંગ અને ઘટ્ટ વાદળોને વીંધીને પણ સ્વચ્છ ઇમેજિસ (તસવીરો) લઇ શકાય છે.
હવામાનની આગાહી માટેના રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સમાં સ્કેનર્સ અને સેન્સર્સ સહિત ઇન્ફ્રારેડ, ઓપ્ટિકલ અને વિડિયો કેમેરા હોય છે. જે ચારેય દિશામાં ગોઠવાયા હોય છે, જેથી બહોળો વ્યાપ આવરી લઇ શકાય. આવા વિશિષ્ટ- અત્યાધુનિક કેમેરાની મદદથી વાદળોનું બંધારણ, તેની ઉંચાઇ, વાદળાં કેટલાં પાણીદાર છે અને કેટલાં નથી પવનની ગતિ અને દિશાથી લઇને હવામાં ભેજનું પ્રમાણ તથા જમીન પરનું તાપમાન વગેરે મહત્વની અને ઉપયોગી માહિતી મેળવી શકાય છે.
ઇસરોએ હવામાનની આગાહી માટેનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ૧૦, એપ્રિલ, ૧૯૮૨માં ઇન્ડિયન સેટેલાઇન-૧ A (ઇન્સેટ-૧A) તરતો મૂક્યો હતો. જોકે આ ઇન્સેટ ૧A અમેરિકાની મદદથી તરતો મૂકાયો હતો, અને તેની કામગીરી ફક્ત છ મહિના પૂરતી જ રહી હતી. આ જ હેતુ માટેનો બીજો ઇન્સેટ- ૨ ઈ , એપ્રિલ, ૧૯૯૯માં તરતો મૂક્યો હતો અને તેમાં પણ અમેરિકાની મદદ લેવાઇ હતી. જોકે ત્યાર બાદ ઇસરોએ હવામાનની આગાહી માટેનો સંપૂર્ણ સ્વદેશી કૃત્રિમ ઉપગ્ર કલ્પના-૧, ૧૨, સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ આપણા જ પોલાર સ્પેસ લોન્ચ વેહિકલ (પી.એસ.એલ.વી.)ની મદદથી તરતો મૂક્યો છે. કલ્પના-૧નું નામ ખરેખર તો મેટસેટ (સ્ીાજચા) હતું પરંતુ ભારતીય મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા, અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા 'નાસા'એ અવકાશ સંશોધન માટે મોકલેલા સ્પેસ શટલ 'કોલંબિયા'ની ટુકડી સાથે પૃથ્વી પર પાછા ફરતાં ભયાનક દુર્ઘટનામાં મૃત્યુ પામી એટલે કલ્પનાની સ્મૃતિમાં આ સેટેલાઇટનું નામ બદલીને 'કલ્પના-૧' રાખવામાં આવ્યું છે.
ત્યાર બાદ ઇસરોએ ૨૩, સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ 'ઓશન સેટ-૨' સેટેલાઇટ પણ સંપૂર્ણ સ્વદેશી ટેકનોલિજી સાથે તરતો મૂક્યો. જોકે ઓશનસેટ-૨ની કામગીરી સમુદ્રની , દરિયાની કાંઠા વિસ્તારની, અને વાતાવરણમાં થતાં ફેરફાર વિશોની છે, કારણ કે વરસાદને અને સાગરની ગતિવિધિને સીધો સંબંધ છે. ઘણીવાર ચોમાસામાં ભારે વરસાદ સાથે સમુદ્રી તોફાન પણ થાય છે. આવી કુદરતી આપત્તિ વખતે ફક્ત સામાન્ય જનતાને જ નહીં, દરિયાકાંઠે વસતા લોકો, દરિયામાં માછીમારી માટે જતા માછીમારો અને ખેડૂતોને પણ જરૂરી અને સમયસર આગાહી આપવામાં આવે છે. વળી આ પ્રકારની આગાહીથી સરકાર પણ લોકોની સલામતી માટે આગોતરી કાર્યવાહી કરી શકે છે.
મજેદાર માહિતી તો એ છે કે હવામાનની સચોટ અને ઉપયોગી આગાહી માટે ભારત અને ફ્રાંસ વચ્ચે સહ્યોગ થયો છે. આજે ઇસરોની ઉજળી, સફળ અને ઉપયોગી કામગીરીથી સમગ્ર વિશ્વ વાકેફ છે. એટલે તેનો લાભ ફ્રાંસ જેવી મહાસત્તા પણલે તે બાબત આપણા માટે ગૌરવરૂપ ગણાય, ફોડ પાડીને કહીએ તો ભારત અને ફ્રાંસની અવકાશ સંશોધન સંસ્થાઓએ સહ્યોગી કરીને ૧૨, ઓકટોબર ૨૦૧૧ના રોજ આપણા જ પોલાર સ્પેસ લોન્ચ વેહિકલ-સી-૧૮ (પી.એસ.એસ.વી.-સી-૧૮)ની મદદથી 'મેઘા ટ્રોપિકસ' નામનો વિશિષ્ટ ટેકનોલોજી ધરાવતો કૃત્રિમ ઉપગ્રહ તરતો મૂક્યો છે. 'આ મેઘા ટ્રોપિકસ' ખરેખર તો એક સાથે ચાર સેટેલાઇટ્સનું ઝૂમખું છે. આમાંનો એક સેટેલાઇટ હવામાનમાં થતા તમામ પ્રકારના ફેરફારો પર બાજ નજર રાખશે. સાથો સાથ તે વિશેની આહગાહી પણ સમયસર આપશે.
અને છેલ્લે ઇસરોએ ૨૬, એપ્રિલ ૨૦૧૨ના રોજ અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતો રડાર ઇમેજિંગ સેટેલાઇટ-૧ (રિસેટ-૧) પણ આકાશમાં ૬૦૦ કિ.મી.ના અંતરે સફળતાપૂર્વક તરતો મૂકીને બહુ મોટી અને ઉજળી સિદ્ધિ હાંસલ કરી છે. આ રિસેટ-૧ની મદદથી હવામાનની આગાહી ઉપરાંત ખેતીવાડી વિષયક ઉપયોગી માહિતી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધી ાગાહી પણ થઇ શકે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JNGG7C
via Latest Gujarati News
0 Comments