
મુંબઇ, તા.17 મે 2019, શુક્રવાર
ભારતીય હવામાન ખાતાએ વર્ષા ઋતુના આગમનનો વરતારો જાહેર કરી દીધો છે ત્યારે મુંબઇ મહાનગરપાલિકા પણ સાબદી થઇ ગઇ છે. ગયા બે વરસની ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુંબઇ મહાનગરપાલિકાએ હવામાન ખાતા સાથે મુંબઇ શહેર માટે ભારે વરસાદની આગાહી શક્ય છે કે કેમ તે વિશે ચર્ચા કરી છે.
મહાનગરપાલિકાના અને હવામાન ખાતાના અધિકારીઓ વચ્ચે ગયા મંગળવારે આ વિષયમાં બેઠકનું આયોજન પણ થયું હોવાનું જાણવા મળે છે.બેઠકમાં પાલિકાના નવા કમિશનર પ્રવીણ પરદેશી પણ હાજર રહ્યા હતા.
મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં ૨૯,ઓગસ્ટે મુંબઇમાં ધોધમાર વર્ષા થઇ હતી.તે મુશળધાર વરસાદમાં શહેરના એક ડોક્ટર ગટરના મોટા-ખુલ્લા મેનહોલમાં પડી જઇને મૃત્યુ પામ્યા હતા.ત્યારબાદ ૩૦,ઓગસ્ટે હવામાન ખાતાએ ઉત્તર કોંકણમાં મુશળધાર વરસાદની કરી હતી.ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જાહેર રજાની જાહેરાત પણ કરવામાં આવી હતી.આમ છતાં તે દિવસે ભારે વરસાદને બદલે ફક્ત હળવી વર્ષા થઇ હતી.જ્યારે નજીકના પાલઘરમાં ભારે વર્ષા થઇ હતી.
મહાનગરપાલિકાના આ અધિકારીએ એમ પણ કહ્યું હતું કે ફક્ત મુંબઇ માટે વરસાદની આગાહી થઇ શકે તો અમે બચાવ કામગીરીની આગોતરી અને મજબૂત વ્યવસ્થા કરી શકીએ.સમુદ્રકાંઠા પર લાઇફગાર્ડ્ઝ,ફાયરબ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વગેરેની વ્યવસ્થા કરી શકીએ.
બીજીબાજુ હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે એવી માહિતી આપી હતી કે અમે પાલિકાના કમિશનર અને અન્ય અધિકારીઓ સાથે તમામ પાસાં વિશે ચર્ચા કરી હતી. હાલ અમે આખા ઉત્તર કોંકણ માટે ત્રણ દિવસ પહેલાં વરસાદની આગાહી કરી શકીએ છીએ.આમ છતાંં અમે ભારે વરસાદી આગાહી કે ચેતવણી કેટલી વહેલી કરી શકીએ તે બાબત પાલિકાએ સમજવાની જરૂર છે.હાલની પરિસ્થિતિમાં ભારે વરસાદની ચેતવણી ૪૮ કલાક પહેલાં થઇ શકે છે.વળી,આવી ચેતવણી વિવિધ પ્રસારમાધ્યમો દ્વારા તમામ સરકારી યંત્રણાને મળે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jtgzng
via Latest Gujarati News
0 Comments