અમેરિકાના બાલ્ટિમોરની કોમ્પ્યુટર સિસ્ટમ હેક : હેકર્સે 76 હજાર ડોલર માગ્યાં


બાલ્ટિમોર, તા. 27 મે, 2019, સોમવાર

અમેરિકાના બાલ્ટિમોરને હેકર્સે નિશાન બનાવ્યું હતું. રોબિનહૂડ નામના રેનસમવેરની મદદથી હેકર્સે આખા શહેરની સિસ્ટમ હેક કરી દીધી હતી અને તેના બદલામાં ૭૬ હજાર ડોલરની માગણી કરી હતી. અમેરિકાના બાલ્ટિમોરની ઈન્ટરનેટ સેવા, પેમેન્ટ ગેટ-વે સર્વિસ વગેરે ઠપ કરીને હેકર્સે હાહાકાર મચાવ્યો હતો. એન્ટરબ્લુ નામના ટૂલથી આ હેકર્સે આખા શહેરના કમ્પ્યુટર્સ અને મોબાઈલને નિશાન બનાવ્યા હતા. કમ્પ્યુટર કે મોબાઈલમાં પેમેન્ટ ગેટ-વે વગેરેની સર્વિસ ચાલુ થાય કે તરત જ રોબિનહૂડ નામનો રેનસમવેર જોવા મળતો હતો. હેકર્સે સરકારના સાઈબર સુરક્ષા વિભાગ સમક્ષ આખા શહેરને વાયરસ મુક્ત કરવાના બદલામાં ૭૬ હજાર ડોલરની માગણી કરી હતી. તમામ સર્વિસ બંધ રહેતા નાગરિકો પરેેશાન થઈ ગયા હતા. રોજિંદી કામગીરી ખોરવાઈ ગઈ હતી. શહેરને વાયરસ મુક્ત કરવા માટે સરકારી તંત્ર ધંધે લાગ્યું હતું.

શહેરના સાઈબર સુરક્ષા વિભાગે હેકર્સનું પગેરું મેળવવાની કોશિશ કરી હતી, પણ આ બ્લેક હેટ હેકર્સ સુધી પહોંચવામાં સફળતા મળી ન હતી. ૨૦૧૭માં શેડોબ્રોકર નામના હેકર્સના ગુ્રપે આ પદ્ધતિથી સિસ્ટમ હેક કરી હતી એટલે અટકળ બાંધવામાં આવી હતી કે ફરીથી આ ગુ્રપનું જ કારસ્તાન હશે.

નાગરિકોએ સરકારીતંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે શહેરમાં છેક ગત ૭મી મેથી જ સાઈબર હુમલાના બનાવો શરૂ થયા હતા, પણ સરકારના સાઈબર ક્રાઈમ વિભાગે તુરંત પગલાં ન ભર્યા એટલે આખા શહેરને નિશાન બનાવવામાં હેકર્સ કામિયાબ થયા હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JGLf4r
via Latest Gujarati News

Post a Comment

0 Comments