પી-નોટસ મારફતનો રોકાણ આંક એપ્રિલના અંતે વધીને રૂ. 81220 કરોડની સપાટીએ

નવી દિલ્હી, તા. 30  મે, 2019, ગુરૂવાર

પાર્ટિસિપેટરી નોટસ (પી-નોટસ) મારફત ઘરેલું મૂડી બજારમાં રોકાણ આંક એપ્રિલના અંતે વધીને રૂપિયા ૮૧૨૨૦ કરોડ પર પહોંચ્યો છે. ઈક્વિટી બજારની  કામગીરી સારી રહેવાની અપેક્ષાએ આ રુટ મારફતના રોકાણમાં વધારો થયો છે. 

ભારતમાં રજિસ્ટર્ડ થયા ન હોય તેવા વિદેશી રોકાણકારો ભારતીય મૂડી બજારમાં એવા વિદેશી સંસ્થાકીય રોકાણકારો મારફત રોકાણ કરે છે જે અહીં સત્તાવાર રીતે રજિસ્ટર્ડ થયેલા હોય. 

ઘરેલું મૂડી બજાર - ઈક્વિટી, ઋણ તથા ડેરિવેટિવ્સ-માં પી-નોટસ ઈન્વેસ્ટમેન્ટનું કુલ મૂલ્ય એપ્રિલના અંતે વધીને રૂપિયા ૮૧૨૨૦ કરોડ પર પહોંચ્યું છે એમ સેબીના આંકડા જણાવે છે. એપ્રિલના અંત સુધીમાં થયેલા કુલ રોકાણમાંથી રૂપિયા ૫૮૮૨૦ કરોડ ઈક્વિટીઝ સેગમેન્ટમાં, રૂપિયા ૨૧૫૪૨ કરોડ ઋણ સાધનમાં  તથા રૂપિયા ૮૫૮ કરોડ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં રોકાણ કરાયેલ છે.

માર્ચના અંતે પી-નોટસ મારફતનું રોકાણ રૂપિયા ૭૮૧૧૦ કરોડ રહ્યું હતું તેમાં ૩.૯૮ ટકાનો વધારો થયો છે. દેશમાં ફરી એક વખત સ્થિર સરકાર સ્થપાવાની આશાએ એપ્રિલમાં  ઈક્વિટીઝમાં પી-નોટસ મારફતનું રોકાણ વધ્યું હતું, જેને કારણે એકંદર રોકાણમાં વધારો જોવા મળ્યો છે. 

સેબીના વિવિધ પરિપત્રકો તથા નિયમનોને કારણે એપ્રિલ-૨૦૧૭થી પી-નોટસ મારફતના ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડો જોવા મળતો હતો. જ્યારે આજ સમયગાળામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના રજિસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થયો હતો.

રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા સરળ બનતા સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો એમ સેબીના સુત્રોએ જણાવ્યું હતું. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HJXWcp
via Latest Gujarati News

Post a Comment

0 Comments