આરબીઆઇ મોટા લોન ડિફોલ્ટર્સના નામ જાહેર કરે : સીઆઇસીનો આદેશ


બેંકોની કુલ એનપીએ પૈકી 25 ટકા એનપીએ તો 12 મોટા લોન ડિફોલ્ટર્સની જ છે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર

કેન્દ્રીય માહિતી પંચ(સીઆઇસી)એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મોટા લોન ડિફોલ્ટર્સના નામ જાહેર કરવાના નિર્દેશ આપ્યા છે.  લખનઉ સ્થિત કાર્યકર નુતન ઠાકુરે આરટીઆઇ હેઠળ કરેલી અરજીના સંદર્ભમાં સીઆઇસીએ આરબીઆઇને આ નિર્દેશ આપ્યો છે. 

સીઆઇસીએ મધ્યસ્થ બેંકને નિર્દેશ આપ્યા છે કે તે એવા લોન ડિફોલ્ટર્સના નામ જાહેર કરે જેમાં   ફસાયેલા નાણાં પરત મેળવવા માટે બેંકો આરબીઆઇની પાસે ગઇ છે. 

આરટીઆઇ કાર્યકર્તાએ માહિતી અધિકાર કાયદા હેઠળ આ માહિતી માગી હતી. તેમણે પોતાની આરટીઆઇ અરજીમાં મીડિયાના એ અહેવાલોનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યના ૨૦૧૭ના એક લેક્ચરના સંદર્ભથી જણાવવામાં આવ્યું હતું કે કેટલાક લોન ડિફોલ્ટર્સના ખાતાઓને નિરાકરણ માટે બેંકો પાસે મોકલવામાં આવ્યા છે. 

આચાર્યે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક શરૂઆતમાં મોટી રકમના દેવામાં ફસાયેલી સંપત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે. તેમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકમાં તેના જ અનુરૂપ બેંકોને ૧૨ મોટા ખાતાની વિરુદ્ધ નાદારીની અરજી કરવા કહ્યું હતું. બેંકોની કુલ એનપીએ પૈકી ૨૫ ટકા એનપીએ તો આ ૧૨ મોટા ખાતાઓની જ છે. અરજકર્તાએ પોતાની અરજીમાં આચાર્યના લેકચરમાં જે યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે યાદી અંગેની માહિતી માગી છે.

તેમણે આ ખાતાઓ સાથે સંબધિત નોટ શીટ અને પત્ર વ્યવહારની પણ માહિતી માગી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેમને આ માહિતી આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે આ ગુપ્ત માહિતી છે. ત્યારબાદ ઠાકુરે સીઆઇસીમાં અપીલ કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wnuliH
via Latest Gujarati News

Post a Comment

0 Comments