લોકસભામાં પરાજય બાદ હવે કોંગ્રેસમાં મોટાપાયે પરિવર્તન આવશે : સુરજેવાલા


નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર

રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપવા મક્કમ હોવાના મીડિયાના અહેવાલોને ફગાવી દેતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા સુરજેવાલાએ અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે કોંગ્રેસમાં ટૂંક સમયમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવશે.

સુરજેવાલાએ જણાવ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આપેલું રાજીનામું નામંજૂર કરવામાં આવ્યું છે. તેમની સાથે કેટલાક પ્રદેશ અધ્યક્ષોએ પણ રાજીનામા આપ્યા છે પણ તે અંગે હજુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણીમાં હાર પછી પાર્ટીમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવશે જેથી લોકોમાં સંદેશ જઇ શકે કે સૌથી જૂનો પક્ષ પણ જરૂરિયાત પડવા પર સમયાંતરે ફેરફાર કરવા સક્ષમ છે. 

સુરજેવાલાએ ૨૫ મે રોજ મળેલી કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક અંગે મીડિયામાં ચાલી રહેલી અટકળોને ફગાવી દીધી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ દરેકને કોંગ્રેસ કારોબારી બેઠકની પવિત્રતાનું સન્માન કરવાની અને મીડિયાને આ અંગે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે. 

સૂરજેવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે કોંગ્રેસ કારોબારી સમિતિ કોંગ્રેસમાં નિર્ણય લેનારી ઉચ્ચ સંસ્થા છે. આ એક લોકતાંત્રિક મંચ છે જેમાં વિચારોનું આદાન પ્રદાન થાય છે. નીતિ ઘડવામાં આવે છે. સુધારા માટે પગલા ભરવામાં આવે છે. 

કોંગ્રેસ પાર્ટી લોકસભામાં થયેલી હારને સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાની તક સ્વરૂપે જુએ છે. પક્ષે આ કાર્યની જવાબદારી રાહુલ ગાંધીને સોંપી છે. સુરજેવાલાએ વધુમાં જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી આશા રાખે છ કે તમામ લોકો ખાસ કરીને મીડિયા પણ સીડબ્લ્યુસીની બંધ બારણે મળેલી બેઠકનું સન્માન કરે. આ બેઠક અંગે અનેક અટકળો ચાલી રહી છે અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે જે યોગ્ય નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MmnYam
via Latest Gujarati News

Post a Comment

0 Comments