બ્લેક મની પર કાબુ મેળવવા બેન્કિંગ કેશ ટ્રાન્ઝકશન ટેકસ ફરી લાગુ કરવા હિલચાલ

નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર

 કેન્દ્રમાં સત્તા ગ્રહણ કરનાર ભાજપની આગેવાની હેઠળની સરકાર પોતાની બીજી વેળાની મુદતમાં બ્લેક મની પર વધુ સખતાઈ લાવવા વિવિધ પગલાં લેવા યોજના ધરાવે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, બેન્કોમાં રોકડ વ્યવહારનું કદ ઘટાડવા બેન્કિંગ કેશ ટ્રાન્ઝકશન ટેકસ (બીસીટીટી) ફરી દાખલ કરવા નીતિવિષયકોએ ચર્ચા શરૂ કરી છે. 

આ ઉપરાંત વેરા મારફતની આવક વધારવા વારસાગત પ્રોપર્ટી પર એસ્ટેટ ટેકસ લાદવા પણ વેરા સત્તાવાળાઓ ઈરાદો ધરાવે છે. 

કેશ ટ્રાન્ઝકશન્સ પર ટેકસ લાગુ કરવા અમને સૂચનો મળી રહ્યા છે. સંબંધિત વિભાગ આના પર અભ્યાસ કરી રહ્યો છે અને ટેકસ કેટલો અસરકારક બની શકે છે તે ચકાસાઈ રહ્યું છે એમ  સરકારી સુત્રોએ જણાવ્યું હતું. આવક વધારવા માટે નહીં પરંતુ બ્લેક મનીને અંકૂશમાં લાવવાના હેતુ સાથે આ ટેકસ લાગુ કરાશે.

વેરા સત્તાવાળાની બજેટ પૂર્વેની ચર્ચાવિચારણા તથા નવી સરકાર અને તેના નાણાં પ્રધાનની નિમણૂંક થઈ જવા બાદ જ તેને યોગ્ય સ્વરૂપ અપાશે એમ સુત્રોએ જણાવ્યું હતું. આ ટેકસની પદ્ધતિ અગાઉ કરતા અલગ હશે એમ સુત્રોએ ઉમેર્યું હતું. 

આ અગાઉ ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે ૨૦૦૫ની ૧લી જુને આવા પ્રકારનો ટેકસ લાગુ કર્યો હતો અને ૨૦૦૯ના એપ્રિલમાં તે પાછો ખેંચી લીધો હતો, કારણ કે બ્લેક મનીને પકડી પાડવા બીજા અન્ય સાધનો ઉપલબ્ધ હતા. સેવિંગ ખાતા સિવાય અન્ય ખાતામાંથી ચોક્કસ સંખ્યાની રકમ કરતા વધુ રકમ ઉપાડવા પર ટેકસ વસૂલવામાં આવતો હતો. દેશમાં ડિજિટલ પેમેન્ટસને પ્રોત્સાહન આપવા ૨૦૧૭માં એક સમિતિએ આ ટેકસને ફરી દાખલ કરવા સૂચન કર્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. 

લોકો વધુને વધુ ડિજિટલ વ્યવહાર તરફ વળે એમ સરકાર ઈચ્છી રહી છે. આવક વેરા તથા અન્ય વેરા ગુપચાવવાના હેતુ સાથે ટ્રેડરો તથા વેપારીઓ પાસેથી ડીમાન્ડ ડ્રાફટ ડીસ્કાઉન્ટમાં ખરીદવાના અનેક કૌભાંડો ચાલતા હોવાનું જોવા મળે છે. વારસામાં મળતી પ્રોપર્ટી પર ટેકસ લાગુ કરવાની શકયતા અને તેની અસર પર વેરા સત્તાવાળા અભ્યાસ કરી રહ્યા છે.  



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VRQaRV
via Latest Gujarati News

Post a Comment

0 Comments