એર ઈન્ડિયામાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી તેને ઉગારી લેવા સરકાર નવેસરથી પ્રયાસ કરે તેવી વકી

નવી દિલ્હી,તા. 27 મે, 2019, સોમવાર

એર ઈન્ડિયાનું વ્યૂહાત્મક વેચાણ કરવાની દરખાસ્ત ફરી એક વખત એજન્ડા પર આવી છે. ગયા વર્ષે સરકારે એર ઈન્ડિયાના વેચાણ માટે કરેલા પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. એર ઈન્ડિયામાં રહેલા પોતાના પૂરેપૂરા ૧૦૦ ટકા હિસ્સાનું વેચાણ કરવા સરકાર વિચાર કરે તેવી શકયતા વ્યકત કરાઈ રહી છે. 

એર ઈન્ડિયામાં કોને કોને રસ રહેલો છે તે જાણવા માટે મોટો વેપાર ગૃહોનો ફરી સંપર્ક સધાઈ રહ્યો છે. ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ થવા સાથે તેમાં બિડ કરવા વેપાર ગૃહોને સમજાવાઈ રહ્યા છે. 

મુલકી ઉડ્ડયન મંત્રાલય તથા ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ  આ સંદર્ભમાં સલાહમસલત કરી રહ્યા છે. મુલકી ઉડ્ડયન સચિવે એર ઈન્ડિયાને લખેલા એક પત્રમાં  તેના નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના ફાઈનાન્સિઅલ એકાઉન્ટસને જુનના અંત સુધીમાં અંતિમ રૂપ આપવા સૂચના આપી દીધી છે. 

એર ઈન્ડિયા અને તેની સબસિડીઅરીઓના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાને ઝડપી બનાવવા નિર્ણય લેવાયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. એર ઈન્ડિયાના રૂપિયા ૨૭૦૦૦ કરોડના દેવાબોજને  પહોંચી વળવા એર ઈન્ડિયાના વેચાણ પહેલા તેની સબસિડીઅરીઓના વેચાણ કરવા અંગે પણ સરકાર વિચારી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. 

દેવાના ડુંગર હેઠળની એર ઈન્ડિયા માટે નવેસરથી બિડસ મંગાવવા એક મહિનાની અંદર ઈરાદા પત્ર જાહેર કરાશે. ગયા વર્ષે કરાયેલા પ્રયાસમાં મળેલી નિષ્ફળતાને ધ્યાનમાં રાખી સરકાર એર ઈન્ડિયામાં હવે પોતાનો કોઈપણ હિસ્સો રાખવા માગતી નથી. 

ગયા વર્ષના ઓકશનમાં સરકારે એર ઈન્ડિયામાં ૨૪ ટકા હિસ્સો જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો, આને કારણે દ કદાચ તેના વેચાણને સફળતા મળી નહોતી. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HFbkyC
via Latest Gujarati News

Post a Comment

0 Comments