નવી દિલ્હી, તા. 18. મે. 2019 શનિવાર
ચૂંટણી પંચ બાદ હવે ભારતની નૌસેનાના બે ટોચના અધિકારીઓ વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા છે.
ભારતના નવા નેવી ચીફ તરીકે વાઈસ એડમિરલ કરમબીર સિંહની નિમણૂંકને વાઈસ એડમિરલ બિમલ વર્માએ પડકારી છે. આ મામલે તેમણે સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવીને રક્ષા મંત્રાલય સમક્ષ પિટિશન કરી હતી. જોકે રક્ષા મંત્રાલયે આ પિટિશન ફગાવી દીધી છે.
વાઈસ એડમિરલ બિમલ વર્માએ કહ્યુ હતુ કે, હું સિનિયર હોવા છતાં કરમબીર સિંહને નૌસેના ચીફ બનાવવામાં આવ્યા છે. જેનો જવાબ આપતા રક્ષા મંત્રાલયે કહ્યુ છે કે, નૌસેનાના વડાની નિમણૂંક કરવામાં સિનિયોરિટી એક મહત્વનુ ધારા ધોરણ છે પણ આ એક માત્ર ધારા ધોરણ નથી. ભૂતકાળમાં પણ આ નિયમમાં છુટ આપીને નેવી ચીફની નિમણૂંક કરાઈ છે. સરકારે પિટિશન પર ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે પણ તેમની પિટિશન યોગ્ય નથી. આથી તેને ફગાવી દેવાઈ છે.
આ પહેલા પણ વાઈસ એડમિરલ બિમલ વર્માએ સશસ્ત્ર બળ ટ્રિબ્યુનલમાં પોતાને નૌસેના અધ્યક્ષ નહીં બનાવવા બદલ અરજી કરી હતી અને પાછળથી અરજી પાછી ખેંચી હતી.
એડમિરલ કરમબીર સિંહ હાલના નેવી ચીફ એડમિરલ સુનીલ લાંબાનુ સ્થાન લેશે. જે મે મહિનાના અંત સુધીમાં નિવૃત્ત થઈ રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WSfVCL
via Latest Gujarati News
0 Comments