અમારા પ્રેમની સામે થેલેસેમિયા ઘૂંટણીયે પડયો

શાહીબાગ વિસ્તારમાં એક જ સોસાયટીમાં રહેતા નવીન અને કિંજલ વચ્ચે મિત્રતા હતી. રોજ સાંજે સાથે બેડમિન્ટન રમતા નવીનને કિંજલ સાથે ક્યારે પ્રેમ થઇ ગયો તેની કોઇ જાણ ન રહી. પાંચ વર્ષ પહેલા ફ્રેન્ડશિપ ડેના દિવસે નવીને કિંજલને ફોન કરીને પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો. એ સમયે કિંજલે કોઇ જવાબ ન આપતા તેને મળીને વાત કરવા કહ્યું, કિંજલે મળીને કહ્યું કે, તું મારા વિશે જાણે છે જ શું, ત્યારે નવીને કહ્યું કે મને ખબર છે તને બ્લડ કેન્સર છે છતાં પણ લગ્ન તો હું તારી સાથે જ કરીશ. કિંજલે તેને સમજાવતા કહ્યું કે, મને કોઇ નાની બિમારી નથી કે સમય જતાં હું તેમાંથી બહાર નીકળી જઇશ. મને થેલેસેમિયા મેજર છે, હું તારી સાથે તો શું હું કોઇની પણ સાથે લગ્ન કરી શકું તેમ નથી. તું અહીંથી જ સમજી જા. પણ, પાછા ફરે એ બીજા. નવીને કિંજલને સમજાવી સારું તું લગ્ન ન કરતી બસ પણ મારી સાથે તો રહીશને.. આ પછી નવીન દર પંદર દિવસે કિંજલ સાથે હોસ્પિટલ જતો અને બ્લડ ચડતું હોય ત્યારે સાથે ઊભો રહેતો.

કિંજલ અને નવીનના સંબંધની જાણ થતા કિંજલના પિતા સંજિવ શાહે નવીનને ખૂબ સમજાવ્યો હતો. જ્યારે નવીનના માતા-પિતાને આ અંગે જાણ કરવા કહ્યું.

ડૉક્ટર જેના આયુષ્યની ગેરંટી આપવા તૈયાર નથી તેવી કિંજલના પ્રેમમાં નવીન એવો પડયો કે, ખુદ તેના પરિવારનું ન માન્યો. માતા-પિતા સાથે એક વર્ષના અબોલા અને એક મહિનો ઘરની બહાર કાઢી નાખવાની સજા ભોગવી અને અંતે તેણે કિંજલ સાથે જ મેરેજ કર્યા.


સૌથી મોટો બોમ્બ તો ત્યારે ફાટયો જ્યારે નવીને તેના માતા-પિતાને થેલેસેમિયા મેજર છોકરી સાથે લગ્ન કરવાની પરવાનગી માગી. માતા-પિતાએ ઘસીને ના પાડી દીધી નવીનના બહુ ધમપછાડા પછી માતા-પિતાએ એક વર્ષના અબોલા લીધા અને એક મહિનો તો ઘરની બહાર જ કાઢી મૂક્યો. મહામહેનતે નવીને માતા પિતાને આ લગ્ન માટે રાજી કર્યા. ડૉક્ટરે પણ નવીનને ચોખ્ખું કહી દીધું હતું કે આની જિંદગીનું કોઇ ઠેકાણું નથી, કઇ પણ થઇ શકે છે. દર ૧૫ દિવસે કરવી પડતી આની ટ્રિટમેન્ટ પણ ખૂબ ખર્ચાળ છે દરેક બાજુથી જાણી લે અને જો તું આ બધી જ સમસ્યા સામે લડવા તૈયાર હોય તો જ આગળ વધજે. કેબિનની બહાર આવી નવીને કિંજલના માતા- પિતાને કહ્યું કે,'કંઇ પણ થાય લગ્ન તો કિંજલ સાથે જ કરીશ' અને બસ પછી ઘર આંગણે માંડવો બંધાયો અને ધામધૂમથી કિંજલ અને નવીનના લગ્ન લેવાયા. આજે લગ્નને ત્રણ વર્ષ થયા છે. હાલ કિંજલ અને નવીન થેલેસેમિયાના બાળકો માટે કામ કરી રહ્યા છે.



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VptnkP
via Latest Gujarati News

Post a Comment

0 Comments