સુખથી છલોછલ જીવનમાં ક્યારેય દુઃખ ડોકિયું કરી જાય ત્યારે આપણે વિહવળ બની જઇએ છીએ પરંતુ અમુક લોકો દુઃખના દરિયામાં સુખ શોધી લેતા હોય છે. એમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો સમાવેશ કરી શકાય. જેઓ હસતા મોંઢે સતત પેઇનફૂલ લાઇફ જીવી રહ્યાં છે. જેમાંની એક જાનકી પ્રજાપતિ છે. તે બીજા બાળકોની જેમ સાઇકલિંગ કરી શકી નહીં. તેમની સાથે સતત રમી શકી નહીં. તેનો વસવસો આજે ૨૨ વર્ષની થઇ હોવા છતાં રહી ગયો છે. ગાંધીનગરમાં સોફ્ટવેર બનાવતી પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી જાનકી કહે છે, 'હું સમજણી થઇ ત્યારે અમારા ઘણા સંબંધીઓને મારા મમ્મી પપ્પાની સામે એવું કહેતાં સાંભળ્યા છે કે, આ તો છોકરી છે તેને લોહી ચડાવવાની ક્યાં જરૃર છે. આજ નહીં તો કાલે મરવાની જ છે ને.' લોકોના મોંઢે આવું સાંભળું ત્યારે મને બહુ દુઃખ થતું હતું પણ મમ્મી-પપ્પાએ મારા ઉછેરમાં કોઇ કચાશ બાકી રાખી નથી. થેલેસેમિયાના બાળકનો પૂરતો ગ્રોથ થતો નથી. તેથી મારી હાઇટ ઓછી છે તેની ફરિયાદ હંમેશા ડૉક્ટરને કરતી રહું છું.'
જાનકી કહે છે, 'હું જ્યારે સોળ-સત્તર વર્ષની હતી ત્યારે કમરમાં ઇન્ફેક્શન થઇ ગયું હતું. હું બેસી શકું નહીં, સૂઇ શકું નહીં, ચાલી શકું નહીં અને મારાથી ઊભા પણ ન રહેવાય. અનેક ડૉક્ટરને બતાવ્યું, સવારે રિપોર્ટ અને દવા ડૉક્ટર આપે અને સાંજે સ્થિતિ એટલી ખરાબ થઇ જાય કે ડૉક્ટર પાસે મને ઊંચકીને દોડવું પડે. અમુક વખત લોહી ખરાબ આવી જાય ત્યારે પણ સ્થિતિ બગડી જાય. અમારી જિંદગીનો કોઇ ભરોસો નથી ક્યારે શું થઇ જાય એ કંઇ કહેવાય નહીં આજે છું અને કલાક પછી દુનિયામાં ન પણ હોવ. તેથી જેટલું જીવાય એટલું મન ભરીને જીવી લેવામાં માનું છું.'
સતત પોઝિટિવ થિકિંગ કરતી જાનકી તેના જેવા બીજા બાળકો દુનિયામાં ન આવે એ માટે કોલેજોમાં જઇને થેલેસેમિયા અંગે અવેરનેસ ફેલાવવાનું કામ કરે છે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hif4oz
via Latest Gujarati News
0 Comments