'મારી હત્યા માટેનું ષડયંત્ર હતું' : મીડિયાકર્મી સાથેની મારપીટ મુદ્દે તેજ પ્રતાપનો દાવો


(પીટીઆઈ) પટના, તા.19 મે, 2019, રવિવાર

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા વખતે રવિવારે બિહારની પટના બેઠકમાં લાલુ પ્રસાદ યાદવના બળવાખોર પુત્ર તેજ પ્રતાપના સુરક્ષા કર્મીઓએ વીડિયો જર્નાલિસ્ટ સાથે મારપીટ કરી હતી. જો કે તેજ પ્રતાપે પોતાના સુરક્ષા કર્મીઓએ પત્રકાર સાથે મારપીટ કરી હોવાની વાતને નકારીને સમગ્ર ઘટનાને પોતાની હત્યા માટેનું ષડયંત્ર ગણાવી હતી. 

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ સાથે બે-ત્રણ સુરક્ષા કર્મીઓ મારપીટ કરતા જોઈ શકાય છે. તેજ પ્રતાપ જ્યારે મતદાન માટે બૂથ પર પહોંચે છે તે સમયે કથિતરુપે એક પત્રકાર તેમની ગાડીનો આગળનો કાચ તોડી દે છે. 

આ બનાવ અંગે સ્પષ્ટતા કરતા તેજ પ્રતાપે જણાવ્યું કે, તેઓ જ્યારે મત આપીને નીકળી રહ્યા હતા તે સમયે ફોટોગ્રાફરે તેમની ગાડીનો કાચ તોડી નાંખ્યો હતો અને તેમના સુરક્ષા કર્મીઓએ કશું નથી કર્યું.

આ ઉપરાંત પ્રતાપે આ ઘટનાને પોતાની હત્યા માટેનું ષડયંત્ર ગણાવીને એફઆઈઆર પણ નોંધાવી છે. વીડિયોમાં પોલીસ સુરક્ષા કર્મીઓને વીડિયો જર્નાલિસ્ટને મારતા અટકાવી રહ્યા હોવાનું જોઈ શકાય છે. 

બિહારમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવના મોટા ભાઈ તેજ પ્રતાપ લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવારોની પસંદગી મામલે પોતાની માંગ ન સંતોષાતા રોષે ભરાયેલા છે.

તેમણે પોતાના માતા-પિતાના નામ પરથી 'લાલુ-રાબડી મોરચા' નામનો નવો પક્ષ રચ્યો છે અને લોકસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારવાની ધમકી પણ આપી હતી. તાજેતરમાં જ એક રેલી દરમિયાન તેમણે પોતાને બિહારના બીજા લાલુ યાદવ ગણાવીને પિતાના રાજકીય વારસા પર દાવો માંડયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HBcXfu
via Latest Gujarati News

Post a Comment

0 Comments