
મુંબઈ,તા.14 મે 2019, મંગળવાર
સર્વોચ્ચ અદાલતે થાણે વન વિસ્તારમાં આવેલા તુંગારેશ્વર વન્યજીવ અભયારણ્ય સ્થિત એક આશ્રમને પર્યાવરણના કાયદાઓનું કથિત ઉલ્લંઘન કરવા બદલ આઠ અઠવાડિયામાં તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
ન્યાયાધીશ અરૂણ મિશ્રા અને દીપક ગુપ્તાની ખંડપીઠે આ આદેશ આપતાં કહ્યું હતું કે રાજ્ય સરકાર કાયદાને આધીન રહીને બાલયોગી શ્રી સદાનંદ મહારાજ આશ્રમ તોડી પાડવાના પગલાં લે અને આગામી સુનાવણી વખતે કોર્ટને તેના વિશે જાણકારી આપે. ખંડપીઠે આગામી સુનાવણી ૨૨મી જુલાઈએ નિશ્ચિત કરી હતી.
સર્વોચ્ચ અદાલતે 'કન્ઝર્વેશન એક્શન ટ્રસ્ટ' દ્વારા આ વર્ષે કરવામાં આવેલી એક અરજીના સંદર્ભમાં સંબંધિત તોડકામનો આદેશ આપ્યો હતો. ધારાશાસ્ત્રી વંશજા શુકલાએ દિલ્હીની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી (સીઈસી)ના એક દશક અગાઉના આશ્રમને અન્યત્ર ખસેડવાના આદેશને ધ્યાનમાં રાખીને આ અરજી સંબંધિત સ્વયંસેવી સંસ્થા વતી કરી હતી.
સમિતિએ વર્ષ૨૦૦૮-૦૯માં આપેલા પોતાના રિપોર્ટમાં આશ્રમને અન્યત્ર ખેસડવાની ભલામણ કરતાં કહ્યું હતું કે આ આશ્રમ 'ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ' (વન્ય કુદરતી પર્યાવરણની સાચવણી અને સંરક્ષણ) તેમજ 'વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ' (વન્યજીવ સંરક્ષણ કાનૂન)નું બેશરમીભર્યું ઉલ્લંઘન છે. એટલું જ નહીં, આ અભ્યારણ્યમાં માત્ર કિલ્લેબંધી જ કરવામાં નથી આવી, બલ્કે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટનું ઉલ્લંઘન કરીને શ્રેણીબદ્ધ અનધિકૃત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.
ગોેએન્કાએ જણાવ્યું હતું કે આશ્રમને વનની જમીન ભાડાપટ્ટે આપવામાં આવીહતી. પરંતુ છેલ્લા ૩૦ વર્ષમાં આશ્રમે વનની જમીન પર અનધિકૃત રીતે અતિક્રમણ કર્યું છે અને સીઈસીના રિપોર્ટ પછી પણ અન્યત્ર સ્થળાંતર નથી કર્યું.
કન્ઝર્વેશન એક્ટ ટ્રસ્ટે જણાવ્યા મુજબ આશ્રમ વન્યજીવ અભયારણ્યની અડધા હેક્ટર જેટલી જમીન પર ફેલાયેલું છે. તેમને પરવાનગી આપવામાં આવી હતી તેના કરતાં વધુ વિસ્તારમાં બાંધકામ કરવા ઉપરાંત આશ્રમ સુધી સીધા પહોંચી શકાય એટલા માટે તુંગારેશ્વરના આરક્ષિત વનમાં અનધકિ-ત રીતે રોડ પણ પહોળો કર્યો છે. અને આ મુદ્દે જ સંબંધિત સ્વયંસેવી સંસ્થાએ સર્વોચ્ચ અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ૭મી મેએ મહારાષ્ટ્ર સરકારના સલાહકારનિશાંત કાણેશ્વરે આશ્રમનું તોડકામ કરવા જરૂરી આદેશોની માગ કરતું સોગંદનામું દાખલ કર્યું હતું. તેમણે તેમાં જણાવ્યું હતું કે રાજ્ય બોર્ડની વન્યજીવન વિષયક બેઠકની કાર્યનોંધમાં સંબંધિત આશ્રમને અનધિકૃત દર્શાવીને તેને તોડી પાડવું જરૂરી છે એમ જણાવવામાં આવ્યું છે.
જોકે આશ્રમના ધારાશાસ્ત્રીએ તોડકામના આદેશને સ્થગિત કરવાની માગ કરી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે તેમની માગસ્વીકારી નહોતી.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તળમજલા ઉપરાંત બે માળના આશ્રમમાં ભોજનાલય, દવાની દુકાન, પંડાલ અને મંદિર આવેલા છે. સીઈસીએ તેના રિપોર્ટમાં એમ પણ જણાવ્યું હતું કે અભયારણ્યની સુરક્ષાની જવાબદારી વન વિભાગના અધિકારીઓની છે. પરંતુ તેમણે આશ્રમને સમયાંતરે માત્ર નોટિસો મોકલીને સંતોષ માની લીધો હતો અને પોતાની નજર સામે તુંગારેશ્વરનો નાશ જોઈ રહ્યા હતાં.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vV46zY
via Latest Gujarati News
0 Comments