રમઝાન અને ગરમીને પગલે મતદાન સવારે પાંચ વાગે શરૃ કરવા ચૂંટણી પંચ નિર્ણય લે ઃ સુપ્રીમ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨

પવિત્ર રમઝાન મહિના અને અસહ્ય ગરમીને કારણે લોકસભાની ચૂંટણીના બાકી રહેલા ત્રણ તબક્કામાં મતદાનનો સમય સવારે સાતને બદલે પાંચ વાગ્યાથી શરૃ કરવાની માગ કરતી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ અંગે નિર્ણય લેવા જણાવ્યું છે. 

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ સમક્ષ આ અરજી તાત્કાલિક સુનાવણી માટે રજૂ કરવામાં આવી હતી.રંજન ગોગોઇ ઉપરાંત ન્યાયમૂતિદ્દિપક ગુપ્તા અને સંજીવ ખન્નાની ખંડપીઠે આ અરજીને બોર્ડ પર લેતા જણાવ્યું હતું કે આ સંદર્ભમાં જરૃરી આદેશ જારી કરવા ચૂંટણી પંચને નિર્દેશ આપવામાં આવ્યા છે. 

એડવોકેટ મોહંમદ નિઝામુદ્દીન પાશા અને અસદ હયાત દ્વારા મતદાનના સમયમાં ફેરફાર કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી. 

અરજદારોએ આ અરજીમાં માગ કરી છે કે ચૂંટણીના બાકી રહેલા તબક્કામાં મતદાન બે કે અઢી કલાક વહેલું શરૃ કરવામાં આવે એટલે કે સવારે સાતને બદલે ૪.૩૦ કે ૫.૦૦ વાગ્યે શરૃ કરવામાં આવે. 

અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે અસહ્ય ગરમી અને રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને ૬ મે, ૧૨ મે અને ૧૯ મેના રોજ થનારી અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા તબકકાની ચૂંટણીમાં મતદાન બે કે અઢી કલાક વહેલુ શરૃ કરવામાં આવે. 

રમઝાન મહિનાની શરૃઆત ૬ મેથી થવાની શક્યતા છે. રમઝાન મહિનામાં મુસલમાનો વહેલી સવારથી લઇને સૂર્યાસ્ત સુધી પાણી સહિતની કોઇ પણ વસ્તુ ખાતા નથી. અરજકર્તાઓએ જણાવ્યું હતું કે તેમણે આ સંદર્ભમાં ચૂંટણી પંચને પણ અરજી કરી હતી પણ પંચે કોઇ જવાબ આપ્યો નથી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GSipKD
via Latest Gujarati News

Post a Comment

0 Comments