સોના-ચાંદીમાં ઝડપી કડાકો: રૂપિયા સામે ડોલર ઉંચકાયો જ્યારે પાઉન્ડ તથા યુરોમાં ઘટાડો

(ગુજરાત સમાચાર કાર્યાલય)    મુંબઈ, તા. 18 મે, 2019, શુક્રવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવ જીએસટી વગર ગબડી કિલોના રૂ.૩૭ હજારની અંદર જતા રહ્યા હતા જ્યારે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના રૂ.૩૨ હજારની અંદર ઉતર્યા હતા. વિશ્વ બજારમાં  કિંમતી ધાતુઓ તૂટયાના સમાચાર હતા.  ઘરઆંગણે કરન્સી બજારમાં આજે  રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી  ફરી વધી આવ્યા હતા. ડોલરના ભાવ રૂ.૭૦.૦૩ વાળા આજે  ૭૦.૨૭ થઈ રૂ.૭૦.૨૩ બંધ હતા. 

ડોલરના ભાવ ૨૧ પૈસા વધ્યા હતા. જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૮ પૈસાના ઘટાડા વચ્ચે  રૂ.૮૯.૫૬થી ૮૯.૫૭ તથા યુરોના ભાવ ૮ પૈસા ઘટી રૂ.૭૮.૪૦થી ૭૮.૪૧ રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં  ડોલર ઉંચકાતાં  કિંમતી ધાતુઓમાં ફંડવાળાની  વેચવાલી વધ્યાના સમાચાર હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ગબડી નીચામાં  ૧૨૮૭.૫૦થી ૧૨૮૩.૬૦ ડોેલર થઈ સાંજે  ભાવ ૧૨૮૪.૪૦થી ૧૨૮૪.૫૦  ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૨૦૬૮ વાળા રૂ.૩૧૯૪૧ તથા ૯૯.૯૦ના રૂ.૩૨૧૯૭ વાલા રૂ.૩૨૦૬૯ બંધ હતા. જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા હતા.

અમેરિકામાં જોબલેસ કલેઈમ્સ ૧૬ હજાર ઘટીને ૨ લાખ ૧૨ હજાર આવ્યાના  સમાચાર હતા. આવા બેરોજગારીના દાવાઓ ત્યાં ૨ લાખ ૧૭ હજાર આવવાની  અપેક્ષા  હતી તેના બદલે  હકીકતમાં આવા દાવાઓ  ૨ લાખ ૧૨ હજાર આવતાં ત્યાં જોબ માર્કેટ મજબૂત રહ્યાના સંકેત વચ્ચે વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઉંચો ગયો હતો સામે સોના-ચાંદીના ભાવ ઝડપથી નીચા આવ્યાના નિર્દેશો મળ્યા હતા.


મુંબઈ બજારમાં  આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૦૪૦ વાળા રૂ.૩૬૪૧૦ બંધ રહ્યા પછી  સાંજે ભાવ રૂ.૩૬૩૦૦થી ૩૬૩૫૦  તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૨૦૦થી ૧૩૦૦ ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઝડપી ગબડી નીચામાં   ઔંશના સાંજે  ૧૪.૪૩થી ૧૪.૪૪ ડોલર હતા. પ્લેટીનમના ભાવ ઘટી સાંજે  ઔંશના ૮૨૩.૪૦થી ૮૨૩.૫૦ ઘટી સાંજે  ૧૩૨૩થી ૧૩૨૩.૧૦ ડોલર રહ્યા હતા.
ચીનથી મળતા સમાચાર મુજબ ત્યાંની સરકાર હવે  અમેરિકા સાથે વાતચીતમાં  ઓછો રસ બતાવતી થઈ છે અને તેના બદલે ત્યાં ઘરઆંગણે અર્થતંત્ર તથા ઉદ્યોગને પીઠબળ આપવા વધુ સ્ટીમ્યુલસ આપવા ગંભીર વિચારણા ચીનની  સરકાર કરી રહી છે. અમેરિકાએ ટ્રેડ વોર વધારતાં  ચીનની ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ પર પણ કરડી નજર કર્યાના સમાચાર હતા.  

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઘટાડા પર રહેતાં તેની અસર પણ સોનાના ભાવ પર દેખાઈ હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના વધી ઉંચામાં  ૭૩ ડોલરને  વટાવી ગયા પછી  સાંજે ભાવ  ૭૨.૭૫થી ૭૨.૮૦ ડોલર હતા.  ન્યુયોર્કના ભાવ સાંજે ૬૩.૩૦ ડોલર હતા.


દરમિયાન ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ સાંજે ૦.૩૫થી ૦.૪૦ ટકા નરમ બોલાયા હતા. લંડન એક્સ.માં કોપરના ભાવ ટનના ૩ મહિનાના વાયદાના  ફરી ૬૧૦૦ ડોલરની અંદર ઉતરી ૬૦૪૫થી ૬૦૫૦ ડોલર હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LSsGwd
via Latest Gujarati News

Post a Comment

0 Comments