
કાપડ બજારમાં એક પછી એક કારણોના લીધે ઘરાકી ઓછી ચાલી રહેલ છે. કાપડ બજારમાં ઉત્પાદન વધુ અને ડીમાન્ડ ઓછી જોવા મળી રહેલ છે. કાપડમાં ઉત્પાદન યુનિટોની મુશ્કેલી વધવા પામેલ છે. કપાસના ભાવ વધીને રૂ. ૪૬૦૦૦થી રૂ. ૪૬૫૦૦ થઇ જવા પામેલ છે. તેની સાથે કોટન યાર્નના ભાવોમાં વધારો થવા પામેલ છે. વધુમાં પ્રોસેસમાં કલર કેમીકલ્સના ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થવા પામેલ છે. કાપડ બનાવવાના કોસ્ટિંગ ઉંચા ગયેલ છે. તેની સામે ફીનીશ કાપડના ભાવો વધી શક્તા નથી. અને આમ કાપડમાં ઉત્પાદન ક્ષેત્રે રીવર્સ સાયકલ ચાલી રહેલ છે.
તો બીજી બાજુ કાપડના ધંધામાં રોકાયેલ હોલસેઇલ તેમજ રીટેલ ક્ષેત્રે ઘરાકી નથી. અને કાપડમાં રોકાણ મોટા પ્રમાણમાં કરવું પડતું હોય છે. આટલા મોટા રોકાણ સામે કાપડના ધંધામાં મળતર ઓછુ છે. વધુમાં કાપડના ધંધામાં પેમેન્ટમાં પણ ઉધારી થઇ ગયેલ છે. કહેવા પુરતું જ કેશ પેમેન્ટ છે. પેમેન્ટો ૧૦૦ દિવસ થઇ ગયેલ છે અને ઉધારીમાં તો ૫થી ૬ મહિના પહેલા પેમેન્ટ આવતા નથી. રોકાણ વધતુ જાય છે. અને જોખમો વધતા જાય છે.
દીલ્હી બાજુ તાજેતરમાં બે પાર્ટીઓ ઢીલી પડવાની હવા છે. આ પાર્ટીઓમાં ૪૦ કરોડ રૂપિયા બ્લોક થઇ ગયેલ છે. આ પાર્ટીઓ સુટીંગ્સ સાથે ધંધામાં રોકાયેલ છે. કાપડ બજારમાં પાર્ટીઓ ઢીલી પડતા બજારના કરોડો રૂપિયા આમા બ્લોક થતા જોવા મળી રહેલ છે. આવા કપરા સમયમાં બેંકો પણ ધિરાણ આપતા બે વખત વિચાર કરી રહેલ છે. કોઓપરેટીવ બેંકો આ પહેલા વેપારીઓની શાખ અને ગુડવીલ ઉપર ધિરાણ આપતા હતા.
પરંતુ છેલ્લા થોડા વખત બેંકો સજાગ થઇ ગયેલ છે. અને ધિરાણ સામે પ્રોપર્ટીના કાગળો લઇ લે છે. જેથી પાછળથી મુશ્કેલી ના સર્જાય. મસ્કતી મહાજન થુ્ર વારંવાર વેપારીઓને લાંબી ઉધારીમાં માલ નહિ વેચવાની સુચના આપવામાં આવે છે. વધુમાં મહાજન તરફથી ગૌરાંગભાઇ તથા નરેશ શર્માના મતે જે દલાલો થુ્ર માલો વેચો તે માટે ડબલ ખાત્રી કરવી જરૂરી છે. તાજેતરમાં મુંબઇમાં એક ગુજરાતી દલાલે ૪૦ કરોડના માલો ધિરાણ કરીને પેમેન્ટ માટે વાયદા કરી રહેલ છે.
રૂ નો પાકનો અંદાજ ઘટીને ૩૧૫ લાખ ગાંસડી આવતા રૂ અને કોટન યાર્નના ભાવો વધવા પામેલ છે. કાપડમાં કોસ્ટિંગ ઉંચા ગયેલ છે. વેપારી વર્ગ ગ્રે કાપડના ભાવો વધવા માટે કોશિશ કરી રહેલ છે. પરંતુ બજાર સાવ નહિ આવતા ગ્રે કે ફીનીશ કાપડના ભાવો વધી શક્તા નથી. કાપડ બજાર બાયર્સ મારકીટ થઇ ગયેલ છે. બાયર્સ મારકીટના લીધે ધારેલા પેમેન્ટ આવતા નથી. કાપડ બજારમાં આમ તો અત્યારે ભરસીઝન ગણી શકાય.
પરંતુ ભરસિઝનમાં પણ ઘરાકી ઓછી થવાના લીધે કાપડનો વેપારી વર્ગ મુંઝવણ અનુભવી રહેલ છે. રમઝાન મહિનાની શરૂઆત થયેલ છે. રમઝાન મહિનામાં ખાસ કરીને વ્હાઇટ માલો વધુ વેચાતા હોય છે. હોલસેઇલ લેવલે રમઝાનની સીઝન પતી ગયેલ છે. લગ્નસરાની ઘરાકી માટે ભારે માલોની ડીમાન્ડ જોવા મળી રહેલ છે. જો કે અત્યારે બજારમાં લોકસભાની ચૂંટણી માટેની જ વાતો જોવા મળી રહેલ છે.
તા. ૨૩મેના રોજ લોકસભાની ચૂંટણીનું પીકચર ક્લીન થઇ જશે. તા. ૨૩ પછી જ કાપડમાં ઘરાકી ચાલવાના સંજોગો જોવા મળી રહેલ છે. બાકી અત્યારે ચૂંટણીના આચારસંહિતાના લીધે કેશના વ્યવહાર અટકી જવા પામેલ છે. વધુમાં ઉત્પાદન ક્ષેત્રે કારીગરો ઓછા છે અને મોટા ભાગના કારીગરો કાંતો લગ્ન કે ચૂંટણીના લીધે પોતાના ગામ જતા કાપડના ઉત્પાદનને અસર થવા પામેલ છે. પછી જુનમાં ચોમાસાની શરૂઆત થશે.
કેરાલા અને સાઉથમાં જૂનમાં મોનસુન ચાલુ થતા આ વિસ્તારની ઘરાકી ઓછી થઇ જશે. બાકી આ વખતે મેટ ડીપાર્ટમેન્ટે ચોમાસા માટે સારી આગાહી કરેલ છે જે કાપડ માટે સારા સમાચાર છે.
કાપડના ભાવ ઃ કાપડ બનાવવામાં વપરાતા રો-મટીરીયલ્સના ભાવો વધ્યા છે પરંતુ ગ્રે કે ફીનીશ કાપડના ભાવો વધતા નથી. કલર કેમીકલ્સના ભાવો વધતા પ્રોસેસના કારખાના પણ ભાવો વધારવા માટે વાતચીત કરી રહેલ છે. પરંતુ પ્રોસેસીંગ કોસ્ટિંગના ઉંચા ગયેલ ભાવ છતા પ્રોસેસના ભાવ વધતા નથી. આના લીધે પ્રોસેસના કારખાના પણ મુશ્કેલી અનુભવી રહેલ છે. નરેશ શર્માના મતે પ્રોસેસીંગ ખર્ચમાં ૧૦ થી ૧૫ ટકા વધી ગયેલ છે. પ્રોસેસના કારખાના પણ અઠવાડીયે ૨ દિવસ બંધ રહે છે.
કોટન પોપલીન એરજેટ લુમના ૬૩ પનો ૬૦/૬૦ ૧૩૨/૧૦૮ ક્વોલીટી ગ્રે રૂ ૮૨માં વેચાય છે અને ફીનીશ થયા પછી ૫૮ પનો રૂ ૧૧૦માં વેચાણ થાય છે. બ્લાઉઝ મટીરીયલ્સમાં મીટર દીઠ ભાવ રૂ. ૭૦ થી ૯૫ છે. ટુ બાય ટુ રૂબિયા ભાવ રૂ ૮૦ અને ટુ બાય વન રૂબિયા રૂ ૬૦ અને ટેરી રૂબિયા રૂ ૪૫માં વેચાય છે.
ડેનિમ ૩૦/૧૫૦ (સીલ્કી ડેનિમ) ૫૮ પનામાં રૂ ૧૦૦ ભાવથી માલો મલે છે. લીનનમાં વ્હાઇટની સામે ડાઇડ લીનન પણ સારી ડીમાન્ડમાં છે. પ્યોર લીનન ૫૮ પનો રૂ ૪૦૦ની આસપાસ વેચાય છે. એરજેટ લૂમના ૪૦/૪૦ ૬૩ પનો ૧૩૨/૭૨ કોમ્પેક્ટ રૂ ૬૭માં સોદા થયેલ છે. ૪૦/૪૦ ૧૨૦/૧૦૦ ૬૩ ૫નો ગ્રે રૂ ૮૨માં સોદો થયેલ છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HhJbxA
via Latest Gujarati News
0 Comments