
અમેરિકા અને ચીન વચ્ચે વધુ વકરેલા ટ્રેડ વોરની અસર ભારતીય બજારો ઉપર વર્તાઇ રહી છે. બંને દેશો વચ્ચે થયેલી ચર્ચા વિમર્સમાં ચીને અસહમતી દર્શાવી હકારાત્મક પ્રતિભાવ નહિ આપતાં અમેરિકાએ બંને દેશો વચ્ચે થઇ રહેલા ટ્રેડ ઉપર આકરાં પગલાં લેવાની જાહેરાત કરી છે. જેમાં ચીનમાંથી આયાત થતાં માલસામાન ઉપર અમેરિકાએ આયાત ડયુટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરી દેતાં ટ્રેડ વોર વધુ સંવેદનશીલ બની ગયું છે.
જેની અસર કાચુ તેલ, સોનું, મેટલ જેવી કોમોડિટી ઉપર દેખાઇ રહી છે. કાચા તેલમાં મંદીને કારણે બજાર ઘટાડા તરફી જઈ રહી છે. મેટલ ચીજો પણ નીચે આવી રહી છે. જ્યારે સોનામાં તેજી થતાં ભાવો ઉછળી રહ્યા છે. ટ્રેડ વોર ઉપર પણ અસર થતાં ગ્લોબલ માર્કેટમાં સોયાબીન બજાર છેલ્લા ૧૦ વર્ષના નીચેના સ્તરે છે. કપાસ છેલ્લા બે મહિનાના નીચેના સ્તરે છે. મસાલામાં છેલ્લા કેટલાક સમયથી ૪૦ ટકા ગ્રોથ ધરાવતી ઇલાયચીમાં તેજીને બ્રેક વાગી છે.
જીરા બજારમાં પણ લોકલ તથા ફોરેન ઘરાકીને પગલે બજારો સુસ્ત છે. અનાજમાં હાલમાં સૌથી વધુ વેપાર ધરાવતા ઘઉંમાં બજારો ૧૦ ટકા ઉંચા ચાલી રહ્યા છે. ઘઉંની બજાર ટેકાના ભાવો પ્રતિ કિવન્ટલે રૂપિયા ૧૮૪૦ની સપાટી કરતાં પણ ઉંચી છે. જ્યારે ઘઉંની વધુ ખરીદી કરનાર સરકારી એજન્સી FCI એ ઘઉં માટે ૨૦૮૦ની બેસ્ટ પ્રાઇઝ જાહેર કરી છે. સરકારે ઘઉંની આયાત ઉપર ૪૦ ટકા આયાત ડયુટી કરી હોવાથી વિદેશથી આવતા ઘઉં ઉપર બ્રેક વાગી છે.
હાલમાં દક્ષિણ ભારતમાંથી ઘઉંની માંગ સવિશેષ રહેતાં બજારમાં તેજીના માહોલને સપોર્ટ મળી રહ્યો છે. જેને લઇને સ્ટોકિસ્ટો ઘઉંનો માલ કબજે કરવા મેદાને પડયા છે. માર્ચ પછી ઘઉંના ભાવોમાં ૧૦ ટકા જેટલો વધારો થયો છે. વાયદા બજારમાં ઘઉંનો વેપાર ઓછો છે પણ હાજર બજારોમાં સૌથી વધારે વેપાર ઘઉંનો થઇ રહ્યો છે. વ્યાજબી ભાવે મધ્યમ- ગરીબ વર્ગમાં ઘઉંનું વિતરણ કરનાર FCI આ વર્ષે એક કરોડ ટન ઘઉંના વેચાણનું લક્ષ્ય રાખેલ છે.
અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વોરની અસરથી ભારત-ચીન વચ્ચે વેપાર વધવાની શકયતા જોવાઈ રહી છે. ભારત માટે ચીનમાં લગભગ ૧૧ અબજ ડોલરનું નવું બજાર મળી શકે એમ છે. જેની પુષ્ટી ચીનના પ્રતિષ્ઠિત અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં પણ કરવામાં આવી છે. અમેરિકા તરફથી આર્થિક માર ખાધા બાદ ચીનની નજર હવે ભારતીય બજારો ઉપર પડી છે. ખાધ ચીજો ઉપરાંત મોબાઇલો સહિત અનેક ચીનની ચીજોનું મુખ્ય બજાર ભારત બની રહ્યું છે.
ભારતમાંથી સોયાબીન, જીરૂ સહિત અનેક ચીજોનો ચીનમાં બહોળો વેપાર છે. હાલની પરિસ્થિતિને કારણે સોયાબીન બજારમાં તેજી છવાઇ છે. ભારતીય સોયામીલની નિકાસને પણ વેગ મળે તેમ છે. સોયાબીન બજાર આગામી સમયમાં પ્રતિ કિવન્ટલે રૂ. ૩૮૦૦ની સપાટી કુદાવી શકે છે. જો કે ભારતમાં આ વર્ષે સોયાબીનના ઉત્પાદનમાં વધારો થઇ રહ્યો છે.
ગત વર્ષે ભારતમાં લગભગ ૮૩.૬ ટન ઉત્પાદનની સામે આ વર્ષે ભારતમાં ૧.૧૪૮ ટન સોયાબીનનું ઉત્પાદન થવાની ગણત્રી છે. સોયાબીનના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પાંચમા ક્રમે છે. સરકારે સોયાબીનના ટેકાના ભાવો પ્રતિ કિવન્ટલે ૩૪૦૦ની આસપાસ છે. જેની સાપેક્ષે સોયાબીન બજાર હાલમાં ઉચી રહેતાં ખેડૂતો માટે ફાયદાકારક પાક બની ગયો છે. સોયાબીનનું સૌથી વધુ ઉત્પાદન મધ્ય પ્રદેશમાં થાય છે.
બીજી તરફ દાળોનું ઉત્પાદન આ વર્ષે ભારતમાં નોંધપાત્ર ઓછુ થવાથી માલોની શોર્ટેજ છતાં ભાવો તુટી રહ્યા છે. હાલમાં ખેડૂતોની હાજર બજારોમાં લેવાલીનું પ્રમાણ વધુ હોવાને કારણે બજાર નીચી જઈ રહી હોવાની આશંકા છે. ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન ઓછુ છે. દાળોની સરકારી ખરીદીમાં પણ ઘટાડો થયો છે.
ચણામાં ૧૫ ટકા, મસુર દાળમાં ૪૦ થી ૪૫ ટકા તથા તુવેર દાળમાં પણ ૩૫ ટકાનો ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મોટાભાગની દાળોની બજાર ટેકાના ભાવો કરતાં નીચી ચાલી રહી છે. સરકારે દાળોની આયાત ડયુટી ઉંચી લાદતાં દાળોની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેમ કે ચણાની આયાત ઉપર સરકારે ૬૦ ટકા ડયુટી લગાવતાં ગત વર્ષે ચણાની કુલ આયાત ૯.૫૮ લાખ ટનની આપલેે આ વર્ષે ઘટીને માંડ ૧.૪૩ લાખ ટનની આસપાસ આયાત થઇ છે.
દરમ્યાન વૈશ્વિક પરિબળોને કારણે ગ્લોબલ માર્કેટમાં સોનામાં ફરીથી ભાવો ઉંચા જઈ રહ્યા છે. છેલ્લા દશેક વર્ષમાં સોનાના ભાવોમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે. સોનું સુરક્ષિત રોકાણના વિકલ્પમાં શ્રેષ્ઠ પુરવાર થતું હોવાથી સોનાની માંગ ઉંચા ભાવો છતાં વધારે રહે છે.
આ વર્ષે અખાત્રીજે સોનાના ભાવો પ્રમાણમાં ઓછા રૂ. ૩૧૬૦૦ની આસપાસ રહેતાં વેપારમાં ૨૫ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. સોનાના ઘરેણાંની સાથે સાથે સોનાના સિક્કાનું ચલણ પણ આ વર્ષે વધુ રહ્યું છે. ટ્રેડ વોરની અસરથી સોના બજારમાં ઉછાળો થતાં ભાવો ૩૧૯૦૦ સુધી જવાની સંભાવના વેપારી વર્ગમાં છે.
ટૂંકમાં આજકાલ ટ્રેડ વોરની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર ઉપર પડી રહી છે. આયાત-નિકાસનું પ્રમાણ પણ વૈશ્વિક પરિબળો ઉપર આધારિત બની ગયું છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yonvp6
via Latest Gujarati News
0 Comments