આ સપ્તાહમાં જે કોઈ પક્ષની સરકાર રચાશે તેને વારસામાં અનેક પડકારો મળશે



ચૂંટણીમાં બહુ મોટી ઉથલપાથલ ન થઈ હોય તો આ ગુરુ-શુક્રએ દેશના વડા પ્રધાન અંગેનો અંતિમ ફેંસલો થઈ જશે. ચૂંટણીનો ઉન્માદ, અટકળોનો દૌરનો અંત આવશે.  રાજકીય ભાખરી શેકાઈ જશે અને સહુનું ધ્યાન અર્થતંત્ર તરફ ફંટાશેજે પણ કોઈ પક્ષની  સરકારની  દિલ્હીમાં  તાજપોષી થાય, પણ એ સરકારે ખરા અર્થમાં  કાંટાળો તાજ પહેરવાની  તૈયારી રાખવી પડશે. કોઈક પ્રશ્ન લાંબા સમયથી  નિવારણની પ્રતિક્ષામાં છે તો કોઈક તાજેતરની  સમસ્યાઓ છે. 

વર્તમાન  સરકારે ક્રાંતિકારી સુધારા કર્યા, જે એને નડયા પણ, ખાસ કરીને આઈબીસી અને રાષ્ટ્રવ્યાપી જીએસટી-નોટબંધી એક નિર્ણય હતો. રીફોર્મ નહીં એ તો હવે સહુ સ્વીકારે છે  તો અમુક આકરા નિર્ણય લેવાથી  સરકાર ડરી પણ. કારણ, રાજકીય અર્થતંત્રના  સંદર્ભમાં આ નિર્ણયો  આકરા હતા. જોકે  અમુક  સોંધા અને સરળ વિકલ્પોની  અવગણના  કરવાની હિંમત  કેન્દ્ર સરકારે દાખવી હતી. જો દેશમાં  ખાનગી અને વિદેશી રોકાણ લાવવું હોય તો હવે કેન્દ્રમાં  જે પણ પક્ષ (પક્ષો)ની સરકાર આવે, એમણે કંઈક અંશે ગંભીર બનવું પડશે. 

 અચોક્કસ અને ઘૂંઘળું ચિત્ર, ધીમો વિકાસ દર,  અસ્થિરતા અને નબળી નાણાકીય સ્થિતિ નવી સરકારને વારસામાં મળશે. પછી એ વિરોધ પક્ષની સરકાર હોય કે પછી વર્તમાન સરકાર પોતાને જ આ વારસો આપવા માંગે.

નવી સરકારને સૌથી મોટી ચિન્તા જે નડવાની છે એ કથળેલી ફાઈનાન્શિયલ સિસ્ટમની. બન્ને ખાનગી અને સરકારી બેન્કની  સિસ્ટમ ખોરવાયેલી છે.  અપવાદરૂપ ખાનગી બેન્કોએ ઉજળો હિસાબ આપ્યો છે એ  વાત જુદી  છે. જાહેર ક્ષેત્રની બેન્કો બેડ લોનની સમસ્યાથી  પીડાય છે. આ જૂનું ખરજવું છે જે નાણાકીય સિસ્ટમે ખણી ખણીને વધુ વકરાવ્યું છે. મોટા મોટા માથાઓ અબજો રૂપિયા ચાઉં કરીને વિદેશ  ભાગી ગયા છે. અમુક કાયદાના ગાળિયામાં  છે તો અમુક હજી છૂટા ફરે છે. પરંતુ નોન પરર્ફોમિંગ એસેટનો ઈસ્યુ યથાવત્ છે.

બેન્કિંગ ક્ષેત્રના સુધારાની વાત લાંબા સમયથી હવામાં છે. આગામી સરકાર માટે આ પ્રશ્ન અકળાવનારો હશે. કહેવાની જરૂર નથી કે હવે દિલ્હીમાં જે સરકાર ગાદીનશીન થશે એમણે કડક પ્રાઈવેટ ાઈઝેશનો રુટ લેવો કે નરમ વધુ નાણા ઠાલવવાનો માર્ગ અપનાવો એ નિર્ણય લેવાનો થશે. બેન્કોનુંં  ખાનગીકરણ કરવાથી યુનિયનો નારાજ થશે, કેન્દ્ર સરકાર અળખામણી બનશે, પણ એકંદરે કેન્દ્ર સરકાર નાણાં ઠાલવવાની માથાકૂટમાંથી ઉગરી જશે. દેશની તિજોરી પર પડતો આર્થિક બોજ ઓછો થશે.

અન્યથા, કેન્દ્ર સરકારે નાયક સમિતિની ભલામણ અનુસાર બેન્કોના ગવર્નન્સને કમ્પલિટલી  ઓવરહોલ કરવું પડશે. જો કે છેલ્લા બે વરસમાં ગવર્નન્સ અને ડિસ્કલોઝરના ઈસ્યુ પ્રાઈવેટ બેન્કમાંથી પણ બહાર આપ્યા છે. બેન્કિંગ ક્ષેત્ર સામે જે  જોખમ હોય છે એ દૂષણ-જોખમ છેલ્લા એક વરસમાં  નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ ક્ષેત્રને પણ ગ્રસી ગયા છે. ગયા ઓકટોબરમાં આઈએલ એન્ડ એફએસના ડીફોલ્ટનો રેલો હવે એમના ઓડિટર સુધી પહોંચ્યો છે.

નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ ક્ષેત્રના ડીફોલ્ટનું  જોખમ હવે હાઈએસ્ટ સ્તરે પહોંચ્યું  છે. આખા ક્ષેત્રનું ડાઉનગ્રેડિંગ થયું હોય એવા સંજોગો છે. પાવર ક્ષેત્રમાં પણ કોઈ સુધારો નથી. ઉર્જા ક્ષેત્રને સુધારવા માટે ગાઈવગાડીને ઉદય સ્કીમને લોન્ચ કરવામાં આવી હતી. પણ, જમીની સ્તરે વીજળીની સમસ્યા, કિંમતો તથા પર્યાપ્તતા યથાવત્ રહી.

એક આઈડીયા સૂઝે, અમલ કરો-નિષ્ફળ જાય તો બીજો આઈડીયા વિચારો. પાવર ક્ષેત્રની ૩૦ જુદી જુદી કંપનીઓમાં ૧.૫ ટ્રિલીયનથી અધિક રૂપિયા ફસાયેલા છે. ૩૯,૦૦૦ મેગાવોટ વીજળીની ક્ષમતા દેવા નીચે ડૂબેલી છે. આ સરકારે આ ભાર પણ આગામી સરકાર પર નાખી દીધો છે. જોકે મોડે મોડે સરકારે મિલકત અને જવબાદારીના મિસમેચને સરખું કરવા નિયંત્રણો લાદયા છે પણ એનો ખામિયાજો તો દિલ્હીમાં નવી સરકારે જ ભોગવવો પડશે. આ સરકાર રીપિટ થાય તો પણ.

નોન ફાઈનાન્શિયલ કોર્પોરેટ સેક્ટરમાં પણ હવે નિષ્ફળતા અને ડીફોલ્ટનો રેલો પહોંચ્યો છે. એવિએશન અને ટેલીકોમ ક્ષેત્ર સતત સંઘર્ષ કરે છે. જેટમાં સ્ટેટ બેન્ક સહિત અનેક સરકારી બેન્કોના કરોડો રૂપિયા સલવાણા છે. 

વારંવારની મંત્રણા અને વાટાઘાટોના દૌર છતાં જેટની સમસ્યા  હજી  યથાવત્ છે. એકાદ-બે વરસ પહેલા સરકારે એર ઈન્ડિયાને વેચવાની કોશિષ કરી જોઈ હતી પરંતુ ખાનગી પાર્ટીઓએ રસ દાખવ્યો નહિં. હવે જેટ એરવેઝ બંધ થતા એરલાઈન ઉદ્યોગ ''મેડે-મેડે'' કરે છે પણ ઈમરજન્સી લેન્ડિંગ આસાન નહિં હોય. હાલમાં તો થશે કે નહિં એ પણ કળાતું નથી. ફૂડ સબસિડી પર થતો ખર્ચ વધતો જાય છે. ટેક્સની આવક ઓછી થઈ છે અને નોન ટેક્સની આવક નહિંવત્. એક વાર પરિણામ ઘોષિત થાય, વિજ્યનો ઉન્માદ શમે પછી નવી સરકારે ઘણા પડકારો ઝીલવાના છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HrzCfB
via Latest Gujarati News

Post a Comment

0 Comments