ડેન્જર ઝોનમાં પ્રવેશેલા આર્થિક તંત્રને સત્તાધારીઓ ભૂલી ગયા



હાશ..અંતે ચૂંટણીઓ પુરી થઇ છે. જાહેરનામું બહાર પડયું અને છેલ્લા તબક્કાનું મતદાન થયું ત્યાં સુધીની આખી પ્રોસેસ થકવી નાખે એવી તેમજ કેટલીકવાર નિરાશા તરફ ખેંચી જનાર હતી. નીતિ વિષયક ચર્ચાઓ સિવાયના અનેક મુદ્દે અતિરેક જોવા મળ્યો હતો. રાજકીય પક્ષો,ઉમેદવારો,રેલીઓ, રોડ શો વગેરેમાં અતિરેક જોવા મળતો હતો. ઇવીએમ-વીવીપેટ્સ સામે થયેલી ફરીયાદોનો વિવાદ એને ચૂંટણી પંચે આપેલી ક્લીન ચીટ જેવા અનેક મુદ્દે વિવાદ થયો હતો.

ચૂંટણી પંચની ભૂમિકા એવરેજ કહી શકાય એવી છે. મારા માટે રસપ્રદ વાત એ હતી કે દરેક રાજ્ય માટે જુદા નિયમો રાખવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે તમિળનાડુમાં રોડ શોના રસાલામાં કાર કે હોર્ડીંગ્સ પર પ્રતિબંધ હતો. જ્યારે બીજી તરફ દિલ્હી અને અન્ય રાજ્યોમાં રોડ-શો દરમ્યાન સાથે ગાડીઓનો મોટો કાફલો રહેતો હતો. મોદી જે ખર્ચો કરતા હતા તે ઉડીને આંખે વળગે એવા હતા. પરંતુ તેના પર નજર રાખનાર કોઇ દેખાતું નહોતું. મને આશ્ચર્ય એ વાતનું છે કે શા માટે ચૂંટણી પંચે આવી ભેદભાવ ભરેલી સિસ્ટમ ઉભી કરી હશે?

સમાચાર માધ્યમો..
પ્રિન્ટ અને ટીવી માધ્યમોએ એક સાઇડ પકડી રાખી હતી. મોટા ભાગના માધ્યમો સરકાર તરફી રહ્યા હતા. તેમનામાં ક્યાં તો સરકાર તરફી પ્રેમ હતો કે ડર હતો. મોટા ભાગે આ લોકો ડરના માર્યા સરકારની ફેવર કરતા હતા. કેટલાક માધ્યમો તો ભાજપના પોતાના માધ્યમો હોય એમ વર્તતા હતા. કોઇએ આ વાત યાદ રાખવાની દરકાર નહોતી કરી કે આ લોકસભાની રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી છે અને તેમાં ગત સરકારની પાંચ વર્ષની કામગીરીની સમિક્ષા કરવી જોઇએ.

કેટલાક અખબારો અને કેટલીક ચેનલોએ ભાજપ સરકારની કામગીરીના દાવાની ટીકા કરવાની હિંમત કરી હતી. ઓનલાઇન સમાચાર માધ્યમો અને સોશ્યલ મિડીયાનો આભાર માનવો જોઇએ કે તેમણે દેશના પ્રશ્નોની ચર્ચામાં ભાગ લીધો હતો. વાઇબ્રન્ટ ડીબેટ થાય તો તેમાં અંડર કરંટ શું ચાલી રહ્યું છે તેની ખબર પડી શકે છે અને તેના પરથી ચૂંટણીના પરિણામો શું આવશે તે પણ જાણી શકાય છે.એક સિવાયના તમામ ચૂંટણી ઢંઢેરાને ધ્યાનમાં નહોતા લેવાયા. વડાપ્રધાને ક્યારેય પોતાના પક્ષના ઢંઢેરા અંગે ચર્ચા નથી કરી પણ રાહુલ ગાંધીએ વારંવાર તે અંગે ખાસ કરીને ન્યાય, કિસાનોના મુદ્દે , બેરાજગારીના મુદ્દે ચર્ચા કરી છે.

આર્થિક બાબતો બાજુ પર મૂકાઇ
ભાજપે શરુઆતથી જ પોતાની દિશા નક્કી કરી નાખી હતી. ભાજપે ક્યારેય અચ્છે દિનવાળો મુદ્દો ચર્ચ્યો નહોતો. ૨૦૧૪નું આ પ્રોમીસ વારંવાર ભાજપને મુશ્કેલીમાં મુકતું હતું. નરેન્દ્ર મોદી હંમેશા સર્જીકલ સ્ટ્રાઇક અને પુલવામા-બાલાકોટ તેમજ રાષ્ટ્રવાદના મુદ્દા પકડી રાખતા હતા. સર્જીકલ સ્ટ્રાઈક એ બોર્ડર ક્રોસ કરીને કરાયેલી સ્ટ્રાઈક હતી જોકે તેનાથી પાકિસ્તાન પર કોઇ અસર થઇ નહોતી.

જ્યારે પુલવામાં એ ગુપ્તચર ખાતાની મોટી ભૂલ સાબિત થઇ હતી. બાલાકોટનો હુમલો એ હજુ રહસ્યમય રહ્યો છે. મોદી જે રાષ્ટ્રવાદની વાત કરે છે તેનાથી બે મુદ્દા ચર્ચાતા થયા છે કે તમે મારી સાથે છો કે નથી? જો તમે તેમની સાથે ના હોવ તો તરતજ તમને રાષ્ટ્ર વિરોધી ગણવામાં આવે છે. આ રીતે જોવા જઇએ તો ૨૦૧૯માં જે લોકો ભાજપ વિરોધી મતદાન કરશે તે બધાને રાષ્ટ્ર વિરોધી કહેવામાં આવશે અને પછી એન્ટી નેશનલ કહેવામાં આવશે.

આખા પ્રચાર દરમ્યાન આર્થિક તંત્રને બધા ભૂલી ગયા છે. ડેટા એવું બતાવે છે કે આર્થિક તંત્ર સાવ ખાડે ગયું છે. વડાપ્રધાન પ્રચારમાં હોય છે અને નાણાપ્રધાન બ્લેાગ લખવામાં વ્યસ્ત હોય છે. આર્થિક નિષ્ણાતો કહે છે કે સ્થિતિ ડેન્ઝર ઝોનમાં પ્રવેશી છે. ગયા એઠવાડીયે વધુ ખરાબ સમાચાર હતા કે મેન્યુફેક્ચરીંગ ગ્રોથ નેગેટીવ જઇ રહ્યો છે. સેન્સેક્સ પણ નબળાઈ બતાવી રહ્યો છે. ડોલર સામે રુપિયો નબળો પડીને ૭૦.૨૬ પર પહોંચ્યો છે.  અખબારોમાં સ્વચ્છ ભારત અને ઉજ્વલા અંગેના લેખો અતિશયોક્તિ ભર્યા આવે છે. 

અમેરિકાએ ઇરાનનું નાક દબાવતાં ભારતને ઓઇલ મેળવવામાં મુશ્કેલી પડશે તે તો ઠીક પણ ઓઇલના ભાવો પણ વધી ગયા છે. અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડવોરના કારણે ભારતના વિદેશ વેપારને મોટું નુકશાન થવાનો સંભવ છે. ચૂંટણી દરમ્યાન અનેક આક્ષેપો થયા છે તે વાતને નકારી શકાય નહીં પણ મોદીએ અનેક વાતોને પોતાના માથા ઉપર લઇ લીધી હતી. જેમકે મહાભારતના પાત્રનો ઉલ્લેખ થાય પણ તે પોતાના માથે બંધ બેસતી પાઘડીની જેમ પહેરી લેતા હતા. તે સાચી વસ્તુ ને સાઇડમાં રાખીને ભ્રમણાને આગળ વધાર્યા કરતા હતા.

મોદીના અનેક ચહેરાં..
જેમ જેમ ચૂંટણી તેના અંતિમ ચરણ પર આવતી હતી તેમ તેમ મોદીના નિવેદનો રમૂજી બનતા જતા હતા. આ રમૂજ માટે આપણે વડાપ્રધાનને અભિનંદન આપવા જોઇએ. પ્રચાર દરમ્યાન તેમણે પોતાને સાયન્સ અને ટેકનોલોજી બાબતે કેટલું જ્ઞાાન છે તે દર્શાવવાનું ભારે પડી ગયું હતું.

પ્રથમ તેમણે બાલાકોટ પરની એર સ્ટ્રાઇક વખતે ખરાબ હવામાનના ઉપયોગની વાત કરી હતી. અને એલ કે અડવાણીનો કલર ફોટો ૧૯૮૭-૮૮માં તેમણે દિલ્હી મોકલ્યો હતો મોદીનું સાયન્સ અંગેનું જ્ઞાાનએ ભગવાનની મહેરબાની હોઇ શકે છે. ખરેખર ભગવાન પણ ભારતની  ચૂંટણીઓ જોઇ રહ્યા હોય એમ લાગે છે..



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YCgUaA
via Latest Gujarati News

Post a Comment

0 Comments