ચૂંટણી પરિણામોની જાહેરાત થાય તે પહેલા જ પૂર્ણ બજેટની તૈયારીઓ શરૂ



ગઇ કાલે રવિવારે લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતા હવે સહુ કોઇની નજર ચૂંટણીના પરિણામો તરફ મંડાયેલી છે. તો આ મુદ્દાની બીજી તરફ એટલે કે ચૂંટણીના પરિણામો જાહેર થાય તે અગાઉ જ ગત સપ્તાહથી જ નાણાં મંત્રાલય દ્વારા બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી બાદ જે નવી સરકાર રચાશે તે આગામી જુલાઈ માસ દરમિયાન પૂર્ણ બજેટની રજૂઆત કરશે.

જે વર્ષે લોકસભાની ચૂંટણી હોય છે તે વર્ષે રૂટીન સમયે ઇન્ટરીમ એટલે કે વચગાળાનું રજૂ થતું હોય છે. ત્યારબાદ, ચૂંટણી પછી જે નવી સરકાર રચાય તે જૂલાઈ માસમાં પૂર્ણ બજેટ રજૂ કરતી હોય છે.ઉપલબ્ધ માહિતી મુજબ નાણા મંત્રાલય દ્વારા ગત સપ્તાહથી બજેટ માટેની કામગીરી હાથ ધરી દીધી છે. હવે આજથી શરૂ થયેલા નવા સપ્તાહમાં નાણામંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વિવિધ ઇન્ડસ્ટ્રી સાથે બેઠક યોજાશે. જેમાં સૌથી મહત્ત્વની બેઠક ૨૨મેના રોજની છે.

આ દિવસે નાણાં મંત્રાલય અને ઓટો ઇન્ડસ્ટ્રી વચ્ચે બેઠક યોજાશે. હાલ દેશનો ઓટો ઉદ્યોગ મંદીમાં ગરકાવ થઇ ગયો છે. ત્યારે આ બેઠકમાં આ ઉદ્યોગને જીવનદાન આપવા માટે મોટાપાયે ચર્ચા-વિચારણા થશે. આ ઉપરાંત અન્ય ઊદ્યોગો સાથેની બેઠકમાં જે તે ઉદ્યોગની સ્થિતિનો તાગ મેળવવામાં આવશે.ત્યારબાદ, તા. ૨૪ મેના રોજ નાણામંત્રાલય અને ફિક્કી સાથે બેઠક યોજાશે તે પછી તા. ૨૭ મેના રોજ સીઆઈઆઈ સાથે બેઠક યોજાશે. આમ, આગામી તા. ૪ જૂન સુધી નાણામંત્રાલય વિવિધ ઉદ્યોગો અને ઔદ્યોગિક સંસ્થાઓ સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નો સાંભળશે અને મહત્ત્વના ડેટા બજેટની તૈયારીમાં ઉપયોગમાં લેવાશે.

ઉદ્યોગોના વર્તુળોના જણાવ્યા મુજબ આગામી પૂર્ણ બજેટમાં તેઓ કસ્ટમ ડયૂટી અને ડાયરેક્ટ ટેક્સમાં ફેરફાર થાય તેમ ઇચ્છી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ છે જીએસટી. જીએસટીના અમલ બાદ મોટાભાગના ઇનડાયરેક્ટ ટેક્સ બજેટના દાયરામાંથી બહાર આવી ગયા છે. તે કારણથી ઊદ્યોગો ડાયરેક્ ટેક્સમાં બદલાવ આવશે તેમ માની રહ્યા છે.

નિષ્ણાંતોના મત મુજબ અગાઉ ઇન્ટરીમ બજેટ બાદ હવે જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ થનાર હોઈ ટેક્સ સંબંધીત ખાસ કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hq1EIe
via Latest Gujarati News

Post a Comment

0 Comments