રોકાણકારોમાં ઉદભવેલો ભય ભારતીય શેરબજારનું પ્રીમિયમ વેલ્યુએશન વ્યાજબી છે ખરું ?



લોકસભાની ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે અને ફરી એકવાર સ્થિર સરકાર રચાવાના પ્રબળ આશાવાદ પાછળ ૨૦૧૯ના કેલેન્ડર વર્ષના પ્રારંભથી જ વિદેશી રોકાણકારો દ્વારા ભારતમાં મોટા પાયે રોકાણ કરતા વર્ષના પ્રારંભિક તબક્કામાં શેરબજાર તેજીના લાલચોળ રંગે રગાયું હતું. જેમાં મુંબઈ શેરબજાર સેન્સેક્સે ૩૯૪૮૭.૪૫ અને એનએસઇ નિફ્ટીએ ૧૧૮૫૬.૧૫ની ઐતિહાસિક ટોચ હાંસલ કરી હતી. તે વખતે સર્જીકલ સ્ટ્રાઇક મુદ્દાનો પણ બજારની તેજીને ટેકો સાંપડયો હતો.

પરંતુ મે માસના પ્રારંભની સાથે જ બજારની તેજીની ચાલ રૂંધાઈ જવા પામી છે. લોકસભાની ચૂટંણીમાં મોદીના વડપણ હેઠળ એનડીએ ગઠબંધનના વિજયની શક્યતા સાથે ભારતના બજારમાં આવેલી નવેસરની મજબૂતાઈ સામે હવે પડકાર ઊભો થયો છે. રાજકીય રીતે બદલાતી સ્થિતિ સાથે વિવિધ રોકાણકારોમાં એવો ભય ઊભો થઈ રહ્યો છે.

આર્થિક નરમાઈ, કોર્પોરેટ અર્નિંગનો નબળો દેખાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો અમેરિકા- ચીન વેપારયુદ્ધ જેવા પરિબળો વચ્ચે ભારતના બજારનું પ્રિમિયમ વેલ્યુએશન વાજબી છે કે નહીં ? ચૂંટણીના રિઝલ્ટની અનિશ્ચિતતાની બજાર પર સ્પષ્ટ આસર દેખાય છે. કારણ કે મે માસમાં બજારમાં જોવાયેલો ઘટાડો ફેબુ્રઆરી પછીની સૌથી લાંબી પીછેહઠ છે.

એનડીએ પુનઃ સત્તા પર પરત આવશે તેવી ધારણાથી પહેલી માર્ચથી બજારમાં તેજી ચાલુ થઈ હતી જો કે, હવે રોકાણકારો નફો બૂક કરી રહ્યા છે. માર્ચ પછીથી વિદેશી ફંડોએ રૂા. ૫૪,૦૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. જે જાન્યુઆરી પછીના રૂા. ૬૯,૦૦૦ કરોડના કુલ નાણાંપ્રવાહના ૭૮ ટકા છે. જો કે, હાલ વિદેશી ફંડોનો રસ પણ ઘટી રહ્યો છે. છેલ્લા પંદરેક દિવસમાં તેમણે રૂા. ૫૦૦૦ કરોડથી વધુની વેચવાલી કરી છે. અમેરિકા- ચીન વચ્ચે વેપાર યુદ્ધ પણ બજારમાં ઘટાડાના ટ્રેન્ડનું ટ્રિગર બન્યું હતું.

અમેરિકા- ચીન ટ્રેડવોરથી વિશ્વભરના બજારમાં કરેક્શન આવ્યું છે. જો ચીન તેના ચલણનું અવમૂલ્યન કરશે તો તેનાથી ભારત સામે પણ જોખમ ઉભું થશે, કારણ કે ચીનની નિકાસ વધુ સસ્તી થશે અને ભારતની પ્રોડક્ટસની સ્પર્ધાત્મકતામાં ઘટાડો થશે.

ક્રૂડ અને રૂપિયાના મોરચે પણ સાનુકૂળ સ્થિતિ નથી. ૭૦ના સ્તરે રૂપિયો કમ્ફર્ટેબલ નથી અને ઇરાન સામે પ્રતિબંધથી તેમાં વધુ ઘટાડો થશે તો તેનાથી વધુ અસર થશે. ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલદીઠ ૧૦ ડોલરના વધારાથી ભારતની ચાલુ ખાતાની ખાધમાં ૦.૪ ટકાનો વધારો થાય છે. ક્રૂડ ઓઇલના ભાવ ૨૦૧૯માં આશરે ૪૦ ટકા વધ્યા છે.

ચોથા ક્વાર્ટરના કન્ઝ્યુમર કંપનીઓના રિઝલ્ટથી પણ એવી ચિંતા જન્મી છે કે, આર્થિક નરમાઈ તીવ્ર બની રહી છે. કન્ઝ્યુમર અને ઓટો કંપનીઓના રિઝલ્ટ નિરાશાજનક રહ્યા છે. જો અર્થતંત્ર ધીમું પડી રહ્યું હોય તો બજારનું હાલનું ૧૮.૫ ગણું વેલ્યુએશન મોંઘુ છે તેમ બજારના એનાલીસ્ટોનું માનવું છે.

ચીન-અમેરિકા વચ્ચેની ટ્રેડ વોરને કારણે ભારત સહિત ઊભરતી બજારોમાં ચીનના માલનું ડમ્પિંગ થવા ઉપરાંત અમેરિકા ખાતેથી વિદેશી ઈન્વેસ્ટમેન્ટના ફલોઝ નબળો પડવાની શકયતા રહેલી છે એમ ઈન્ડિયા રેટિંગ અને રિસર્ચ (ઈન્ડ-રા) દ્વારા જણાવાયું છે.  આ અગાઉ પણ ચીને આવી ટેન્ડેન્સી બતાવી છે અને ભારત સહિતની અનેક બજારોમાં પોતાના પ્રોડકટસ ઠાલવ્યા હતા.

અમેરિકા તથા ચીન વચ્ચેની વેપાર તાણથી ચીનને તેના માલની નિકાસ  ઊભરતી બજારો તરફ વાળવા ફરજ પાડશે એમ ઈન્ડ-રાએ તેના એક નિવેદનમાં જણાવ્યું છે. આને કારણે ભારતમાં માગ-પૂરવઠાનું ગણિત ખાસ કરીને ઈલેકટ્રોનિક ગુડસ, આયર્ન અને સ્ટીલ તથા ઓર્ગેનિક કેમિકલ્સ જેવા પ્રોડકટસની બજારમાં ખલેલ ઊભી કરે તેવી શકયતા છે. 

૨૦૧૮માં ચીનની નિકાસ અમેરિકાની કુલ આયાતના ૧૮ ટકા જેટલી રહી છે, જે અમેરિકાના જીડીપીના ૨.૩૪ ટકા જેટલી થવા જાય છે. અમેરિકાના જીડીપીના કદ સાથે  ચીનની આયાતના નોંધપાત્ર હિસ્સાની સરખામણી કરીએ તો, નીચી આયાત અથવા આયાતી માલસામાનના ખર્ચમાં વધારો અમેરિકામાં ફુગાવાજન્ય દબાણને વેગ આપી શકે છે.

આને પરિણામે, અમેરિકાની ક્રેડિટ માર્કેટની યીલ્ડસમાં વધારો થઈ શકે છે, જે વળતામાં ડિસ્કાઉન્ટ રેટસમાં વધારો કરાવી શકે અને અમેરિકાના રોકાણકારોને આર્બિટ્રેજની તક ઘટાડશે અને તેની અસરરૂપે ભારત સહિતની ઊભરતી બજારોમાં ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટમેન્ટ નબળું પડી શકે છે.

અમેરિકામાં ચીનની નિકાસમાં ઘટાડો ચીનના ચલણ યુઆન પર દબાણ લાવી શકે છે. ચીન જો યુઆનનું ડિવેલ્યુએશન કરશે તો ભારતે સ્પર્ધામાં ટકી રહેવા ભારતીય રૂપિયામાં ઘસારાને ગતિ આપવી પડશે અન્યથા ભારત નિકાસ બજારમાં સ્પર્ધાત્મક નહીં રહી શકે, એમ પણ નિવેદનમાં જણાવાયું છે.  

ભારતીય અર્થતંત્ર માટે ક્રૂડનો મુદ્દો ચિંતાનો વિષય છે. જો ક્રૂડ ૭૦- ૭૫ ડોલર પ્રતિ બેરલની સપાટીની અંદર ટકેલું રહે તો પણ બજારને મોટી ચિંતા નથી પરંતુ જો તે ૭૫ ડોલરને પાર કરી ગયું તો બજારને ફરી ક્રૂડને લઈને ચિંતા સતાવશે. ચાલુ કેલેન્ડરમાં ક્રૂડના ભાવ ૪૦ ટકા જેટલા મજબૂત બન્યા છે બ્રેન્ટ ક્રૂડે ગયા ઓક્ટોબરમાં ૮૭ ડોલરની ટોચ દર્શાવી હતી. જ્યાંથી તે ગગડીને ૫૦ ડોલર જેવા મળ્યું હતું.

સ્થાનિક સ્તરે જોવા મળતી ચિંતાઓમાં એનબીએફસી સેક્ટરને લઈ લિક્વિડીટીનો પ્રશ્ન ફરી ગંભીર બન્યો છે. બે- એક કંપનીઓએ બજારમાં નાણાં પ્રવાહિતાની તંગીને કારણે બોન્ડ ઇશ્યુ લાવવાનું મોકૂફ રાખ્યું છે. ગયા સપ્ટેમ્બરમાં આઇએલ એન્ડ એફએસ કાંડ બાદ બજારમાં લિક્વિડીટીની સમસ્યા ઉભી થઈ હતી જેને પગલે એનબીએફસી શેર્સના ભાવમાં તીવ્ર ઘટાડો પણ જોવા મળ્યો છે. 

આરબીઆઇએ બજારમાં લિક્વીડીટી જળવાઈ રહે તે માટે હાથ ધરેલા પ્રયાસો બાદ સ્થિતિ થોડી સુધરી હતી. જો કે, તે ફરી ગંભીર બની છે. બજાર માટે એક પોઝિટીવ કારણ ભારત અને સાઉથ કોરિયાને કરન્સી મેનીપ્યુલેટરની યાદીમાંથી બહાર કાઢવા માટે યુ.એસ. તરફથી ચાલી રહેલી વિચારણા છે. જો કે એકથી વધુ નેગેટિવ પરિબળો સામે આવી એકાદ પોઝિટીવ બાબત બજારને ખાસ સહાયરૂપ થાય તેવુ નથી જણાતું.

અર્થતંત્રમાં નરમાઈ છે અને કંપનીઓના નફામાં હજુ વધારો થયો નથી, પરંતુ કેટલાક ક્ષેત્રોના શેરો પ્રીમિયમ વેલ્યુએશનને ટ્રેડ થાય છે. ઓટો, એનબીએફસી, કન્ઝ્યુમર, સિમેન્ટ, રિટેલ ઓઇલ એન્ડ ગેસ, ટેકનોલોજી અને જાહેર ક્ષેત્રની બેન્કો હાલમાં તેમના દસ વર્ષના પ્રાઇસ ટુ અર્નિંગ (પી.ઇ) રેશિયોની સરખામણીમાં પ્રિમિયમે ટ્રેડ થાય છે. આ તમામ ક્ષેત્રમાં નરમાઈ હોવા છતાં શેરોના વેલ્યુએશન ઉંચા છે.

બજારના જાણકારોના મત મુજબ તીવ્ર વેલ્યુએશનને કારણે જો બજારમાં વેચવાલી આવશે તો તેમના પર જોખમ ઉભું થઈ શકે છે. ઓટો ક્ષેત્રે ૧૮.૮ ગણા PE એ ટ્રેડ થાય છે. જે તેના ૧૬.૯ ગણાના છેલ્લા દસ વર્ષના પીઇ વેલ્યુએશન કરતાં ૧૧ ટકા પ્રિમિયમ છે. 

આની સરખામણીમાં છેલ્લા છ મહિનાથી આ ક્ષેત્રના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે. ટેકનોલોજી શેરો હાલમાં ૨૦.૭ ગણા પીઇ ટ્રેડ થાય છે, જે ૧૬.૫ ગણા સરેરાશ વેલ્યુએશન કરતા ૨૫ ટકા પ્રિમિયમ છે. નિફ્ટી માટે ૨૦૧૯- ૨૦ના અંદાજિત ઇપીએસનું ૧૯ ગણું વેલ્યુએશન બજારને સપોર્ટ આપતું નથી. આ મુદ્દાને લઈને સરકારની રચના થઈ ગયા બાદ પણ ૨૦૧૯ના બાકીના સમયગાળામા વોલેટાલિટી રહેશે.

આમ, શેરબજારની તેજી માટે માત્ર સ્થિર સરકાર હોય તે જરૂરી નથી. અન્ય પરિબળો પણ બજારની તેજી માટે જવાબદાર બનતા હોય છે. જો કે, હાલ તો લોકસભાની ચૂંટણીમાં પણ હાલના સત્તાધારી પક્ષને સ્પષ્ટ બહુમતી મળે તો આશાવાદ પર પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે. બીજી તરફ બજારની તેજીને સ્પર્શતા પરિબળો તો નબળા જ હોવાથી બજારની તેજીની ચાલમાં રૂકાવટ આવી છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YvVgF4
via Latest Gujarati News

Post a Comment

0 Comments