US-ચીન વચ્ચેના ટ્રેડવોરમાં ભારતીય રૂપિયો ધરાશયી થશે



અમેરિકા-ચીન વચ્ચે ટેરીફ વૃધ્ધિ અંગેની વાટાઘાટો પડી ભાંગતા આ બે દેશ વચ્ચે ફરી એક ટ્રેડવોરની શરૂઆત થઇ ચૂકી છે. અમેરિકા દ્વારા ભરાયેલા પગલા બાદ ચીન દ્વારા પણ અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ઊંચી ડયૂટી ઝીંકવામાં આવી છે. અને બંને દેશોનું વલણ જોતા આગામી સમયમાં આ મુદ્દે પ્રતિકૂળતાઓ વધુ પ્રબળ બને તેવા એંધાણ છે. 

નિષ્ણાંતોના મત મુજબ અમેરિકા ચીન વચ્ચેના ટ્રેડવોરના પગલે ભારતને નિકાસના મોરચે ફાયદો થશે. પરંતુ, નાણાંકીય નિષ્ણાંતોના મત મુજબ ટ્રેડવોરના મુદ્દે ઉદ્ભવેલી પ્રતિકૂળતાને કારણે સરવાળે તો ભારતીય રૂપિયાને સહન કરવાનો વારો આવશે. ટ્રેડવોરની પ્રતિકૂળતાને લઇને ચીનનું ચલણ નબળું પડશે, જેની સીધી અસર ભારતીય રૂપિયા પર પણ જોવાશે.

હૂંડિયામણ બજારના અભ્યાસી વર્ગના જણાવ્યા મુજબ વિતેલા સપ્તાહમાં જ ટ્રેડવોરની પ્રતિકૂળતાઓ પ્રબળ બનતા ભારતીય રૂપિયો ૭૦નું મહત્ત્વનું લેવલ ગુમાવીને ૭૦-૪૪ પર ઊતરી આવ્યો હતો. જો કે, ત્યાંથી એટલે કે આ સપાટીથી તે બાઉન્સ બેક થયો છે. પરંતુ, આગામી સમયમાં તે ફરી એકવાર ગબડશે તેવી સંપૂર્ણ સંભાવના છે.

ચીનના ચલણ અને ભારતીય રૂપિયા વચ્ચે આમ તો કોઈ સીધો સંબંધ નથી પણ ભૂતકાળમાં વૈશ્વિક કરન્સી બાસ્કેટમાં ડોલર સામે યુઆન તૂટે તે સમયે ભારતીય રૂપિયામાં પણ પીછેહઠ જોવાઈ છે. તેનું મુખ્ય કારણ છે ભારત-ચીન વચ્ચે નિકાસ બજારને લઇને જોવા મળતો હરિફાઈનો માહોલ.

ગત વર્ષે મધ્યભાગ દરમિયાન અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોરના મુદ્દાને લઇને પ્રતિકૂળતાઓ પ્રબળ બની તે વેળાએ એટલે કે તા. ૧૧ મેથી ૩૧ ઓક્ટોબર વચ્ચેના સમયગાળા દરમિયાન યુએસ ડોલર સામે ચીનના યુઆનમાં ૧૦ ટકાની ગિરાવટ જોવા મળી હતી.

બીજી તરફ આ અરસામાં ડોલર સામે રૂપિયાનું પણ મોટાપાયે પતન થયું હતું. તે વેળાએ એટલે કે ૧૧ ઓક્ટોબર-૨૦૧૮ના રોજ અમેરિકન ડોલર સામે રૂપિયો ધરાશયી થઇને ૭૪-૪૮ના ઐતિહાસિક તળિયે ઉતરી ગયો હતો.

નિષ્ણાંતોના મત મુજબ ભારતીય રૂપિયા અને ચીનના યુઆન વચ્ચે નિકાસના મુદ્દાને લઇને સીધો સંબંધ છે. ડોલર સામે યુઆન તુટે તો તેની અસર ભારતીય રૂપિયા પર પણ જોવાતી હોય છે. નિષ્ણાંતોના મત મુજબ આ બેઉ કરન્સીની પ્રતિક્રિયા સરખી જ જોવા મળે છે.

વિવિધ પ્રતિકળતાને લઇને ચીનના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થવા પામી છે. ત્યાં ઉત્પાદકીય પ્રવૃત્તિઓ રૂંધાયાની સાથોસાથ તરલતાની પ્રવાહિતાની પ્રતિકૂળતા પણ સર્જાવા પામી છે. તાજેતરમાં જાહેર થયેલ આંકડા મુજબ ગત એપ્રિલ માસમાં ચીનમાં રીટેલ વેચાણ વૃધ્ધિ પણ ૧૬ વર્ષના તળિયે ઉતરી આવી છે. તો બીજી તરફ રોકાણમાં પણ અનિશ્ચિતતાનો માહોલ ઉદ્ભવ્યો છે. આમ, વિવિધ મોરચે ચીનના અર્થતંત્ર પર દબાણ આવતા ત્યાંના સત્તાવાળાઓ સ્ટીમ્યુલ્સ પેકેજ જાહેર કરવા વિચારણા હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

ચાઇનામાં ઓટોમોબાઈલ વેચાણ એપ્રિલમાં ૧૪.૬% ઘટયું છે, જે સતત ૧૦ મી મહિનાના ઘટાડાને દર્શાવે છે. વધુમાં રિટેલ વેચાણમાં આશા કરતા પણ ઓછું વેચાણ થયું છે જે મુજબ હેડલાઈન નંબર ૭.૨%એ પહોંચ્યું છે. માર્ચના ૮.૭% અને આગાહી કરવામાં આવેલ ૮.૬%ની સરખામણીમાં ગ્રાહકો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે કેમ કે આથક આથક મંદી અને ટ્રેડ વોર વ્યાપેલ છે. ચીનમાં આ વર્ષના પ્રથમ ૪ મહિનામાં ફિક્સ્ડ એસેટ્સ ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ ઘટીને ૬.૧% થઇ ગઈ છે.

વિશ્લેષકો આ વર્ષે ફિક્સ્ડ એસેટ્સ ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ ૬.૩%થી વધીને ૬.૪% થશે તેવી આશા રાખી રહ્યા હતા. આ ઉપરાંત પ્રાઇવેટ ફિક્સ્ડ એસેટ્સ ઇન્વેસ્ટમેન્ટ આ સમયગાળા દરમિયાન ૫.૫% વધ્યો હતો જે જાન્યુઆરી - માર્ચની અવધિમાં ૬.૪%ની વૃદ્ધિ નોંધાઈ હતી. ચીનમાં કુલ રોકાણનું ૬૦% રોકાણ ખાનગી છે. 

ચીન પોતાના અર્થતંત્રની પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમી રહ્યું છે તે વેળાએ જ અમેરિકા સાતે ફરી ેકવાર ટ્રેડવોર છેડાતા અર્થતંત્ર વધુ દબાણમાં આવશે. જેના પગલે તેના ચલણ યુઆનમાં પીછેહઠ થશે. તેની સીધી અસર ભારતીય રૂપિયા પર પણ જોવા મળશે. આમ, આગામી બે-ત્રણ માસમાં રૂપિયો ફરી એકવાર તેની અગાઉની તળિયાની સપાટી તરફ પ્રયાણ કરે તેવી સંભાવના છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hq78To
via Latest Gujarati News

Post a Comment

0 Comments