
એકસટર્નલ કમર્સિઅલ બોરોઈંગ્સ (ઈસીબી) માટેની ભારતની માગમાં ગયા નાણાં વર્ષમાં જંગી વધારો થયાનું જોવા મળ્યું હતું. રિઝર્વ બેન્કના આંકડા પર નજર નાખવામાં આવતા જણાય છે કે, ૨૦૧૮-૧૯માં ઈસીબી માટેનું રજિસ્ટ્રેશન ૪૫ ટકા વધીને ૪૧.૯૨ અબજ ડોલર રહ્યું હતું, જે પાછલા નાણાં વર્ષમાં ૨૮.૮૭ અબજ ડોલર રહ્યું હતું. જો કે આ પહેલા નાણાં વર્ષ ૨૦૧૪-૧૫થી ત્રણ વર્ષ સુધી ઈસીબી રજિસ્ટ્રેશનમાં સતત ઘટાડો નોંધાયો હતો.
૨૦૧૪-૧૫માં ૧૪ ટકા ઘટીને ૨૮.૩૮ અબજ ડોલર, ૨૦૧૫-૧૬માં પણ ૧૪ ટકા ઘટી ૨૪.૩૭ અબજ ડોલર તથા ૨૦૧૬-૧૭માં ૧૦ ટકા ઘટીને ઈસીબી રજિસ્ટ્રેશન ૨૧.૯૮ અબજ ડોલર રહ્યું હતું. જો કે ત્યારબાદ નાણાં વર્ષ ૨૦૧૭-૧૮થી સ્થિતિમાં બદલાવ આવ્યો છે અને આ વર્ષમાં રજિસ્ટ્રેશન ૩૧ ટકા વધી ૨૮.૮૭ અબજ ડોલર રહ્યું હતું અને ગયા નાણાં વર્ષમાં તેમાં ૪૫ ટકા વધારો થયો છે.
ઈસીબીમાં થઈ રહેલો જંગી વધારો દેશના નીતિવિષયકો ઉપરાંત રિઝર્વ બેન્ક માટે ચિંતાનો વિષય બની રહ્યો છે અને બનવો જોઈએ. આ અગાઉ પણ વર્તમાન દાયકાના પ્રારંભિક વર્ષોમાં ભારત સહિત એશિયાની અનેક નબળી રેટિંગ સાથેની કંપનીઓ વિદેશમાંથી મોટી રકમનું ભંડોળ ઊભું કરી શકી હતી.
ઈસીબીની ઓફરો ઓવરસબસ્ક્રાઈબ્ડ થતી હોવાનું પણ જોવા મળ્યું હતું જેના પરથી એશિયન બોન્ડસમાં નાણાં ઈન્વેસ્ટ કરવાની રોકાણકારોની રુચીનો અંદાજ મળી શકે છે. ભારતની સરખામણીએ વૈશ્વિક બજારમાં લિક્વિડિટી ભરપૂર હોવાનું પણ આના પરથી પૂરવાર થઈ રહ્યું છે. ઉદારીકરણની નીતિ બાદ વિદેશી મૂડી ભેગી કરવાની ભારતની તરસ વધી ગઈ હોવાના પણ આના પરથી સંકેત મળે છે.
વિદેશી હૂંડિયામણ ભેગું કરવાની દોડમાં ઘરઆંગણેથી તથા વિદેશમાંથી નાણાં ઉછીના મેળવવામાં રહેલા જોખમોને અવગણવામાં આવી રહ્યા છે. ઈક્વિટીમાં રોકાણકારોને કંપની તેની કામગીરી પ્રમાણે વળતર ચૂકવાતી હોય છે પરંતુ બોન્ડના રૂપમાં ઉછીના લીધેલા નાણાં પર નાણાં ધિરનારને તો વળતર ચૂકવવું જ પડે છે પછી કંપનીએ કમાણી કરી હોય કે ન હોય. જેની સીધી અસર દેશના વિદેશી અનામત હૂંડિયામણ પર પડે છે. એમાં ય જો વ્યાજ દરમાં વધારો થાય તો આ બોજ એકદમ વધી જાય છે.
ઘરઆંગણે વ્યાજ દરમાં વધારો, લિક્વિડિટીની ખેંચ તથા કોર્પોરેટ બોન્ડ બજારમાં મંદ પ્રવૃતિ તથા બેન્કિંગ ક્ષેત્ર પર દબાણને કારણે નાણાંની આવશ્યકતા પૂરી કરવા કંપનીઓને ઈસીબી તરફ નજર દોડાવવાની ફરજ પડે છે. જો કે તાજેતરના એક અભ્યાસમાં ઈસીબીની સરેરાશ પાકતી મુદત દિવસોદિવસ ઘટતી જાય છે.
નાણાં વર્ષ ૨૦૧૪-૧૫માં ઈસીબીની સરેરાશ પાકતી મુદત ૬.૫૦ વર્ષ હતી તે હાલમાં ઘટીને સરેરાશ ૫.૨૨ વર્ષ આવી ગઈ છે. ૨૦૧૮-૧૯માં કુલ ૧૦૧૨ અરજીઓમાંથી માત્ર ૧૭ અરજીઓ જ એવી હતી જેમાં દરેકે ૫૦ કરોડ ડોલરથી વધુના ઈસીબી માટે પરવાનગી મંગાઈ હતી. આનો અર્થ કુલ અરજદારના બે ટકાથી ઓછા અરજદારોએ ઈસીબીની કુલ રકમમાંથી ૪૩ ટકા રકમ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
જાન્યુઆરી ૨૦૧૯માં રિઝર્વ બેન્કે ઈસીબીની અરજીઓ મંજુર કરવા માટેની માર્ગદર્શિકા હળવી કરી છે, જેમાં પાત્ર બોરોઅરોની યાદીનું વિસ્તરણ, દરેક પ્રકારના અરજદારો માટે બોરોઈંગ્સની મર્યાદા જે હાલમાં ૫૦ કરોડ ડોલર છે તે વધારીને ૭૫ કરોડ ડોલર તથા આવા પ્રકારના બોરોઈંગ્સ માટેની પાકતી મુદતમાં ઘટાડાનો સમાવેશ થાય છે. અગાઉ પાકતી મુદતનો સમયગાળો નાણાં શા માટે અને કેટલા નાણાં ઉછીના લેવામાં આવે છે તેના આધારે ત્રણ વર્ષ, પાંચ વર્ષ અને ૧૦ વર્ષનો હતો.
હવે આ સમયગાળો ઘટાડીને ત્રણ તથા પાંચ વર્ષ કરાયો છે. આને કારણે ભારતના બોરોઅરો ઈસીબી રુટ મારફત નાણાં ઊભા કરવા તરફ વધુ આકર્ષાયા છે. પોતાની નાણાંકીય જરૂરિયાતો પાર પાડવા ભારતીય કંપનીઓને આ રુટ આકર્ષક જણાઈ રહ્યો હોવાનું અરજીની સંખ્યા પરથી સમજી શકાય છે. જો કે ભારતીય બેન્કો દ્વારા પૂરતા નાણાં નહીં અપાતા હોય તેને કારણે પણ કદાચ દેશની કંપનીઓએ વિદેશમાં નજર દોડાવવાની ફરજ પડી છે એમ પણ થઈ શકે છે. ગયા વર્ષમાં આઈએલએન્ડએફએસના પ્રકરણ બાદ આમપણ દેશમાં લિક્વિડિટીની ખેંચ ઊભી થઈ છે.
વ્યાજ મારફત આવક કરવા માગતા વિદેશી રોકાણકારોને ઈસીબીને કારણે લાભ થાય છે. પોતે જે બોન્ડ બહાર પાડતી નથી તેવા બોન્ડ પેટે સરકારે શું કામ બાંયધરી આપવી જોઈએ એવા કરાતા પ્રશ્નો સામે નીતિવિષયકો દલીલ કરે છે કે ચાલુ ખાતાની ખાધ જેમ જેમ વધતી જાય છે તેમ રૂપિયા પર દબાણ આવે છે અને રેટિંગ એજન્સીઓ દેશના રેટિંગ ઘટાડવાની વાટ જોઈને જ બેઠી હોય છે.
ઈસીબીમાં વધારો ભારત માટે જોખમી બની રહ્યો છે. ભારતના કુલ બહારી દેવામાં ઈસીબીનો હિસ્સો વધી રહ્યો છે. ૨૦૧૮ના સપ્ટેમ્બરમાં દેશના કુલ બહારી દેવામાં ઈસીબીનો હિસ્સો ૩૭ ટકા જેટલો રહ્યો હતો. હવે જ્યારે લોનની ચૂકવણીની મુદતનો ગાળો ટૂંકો થઈ ગયો છે ત્યારે ભારતની બહારી દેવાની રૂપરેખા ખરડાતા વાર નહીં લાગે કારણ કે નાણાં લીધાના ટૂંકા જ ગાળામાં તે પરત કરવાનું કઠીન બની રહે છે. આ ઉપરાંત ડોલર-રૂપિયાના વિનિમય દરમાં વોલેટિલિટી પણ જોખમી બની શકે છે.
છેલ્લા પાંચ વર્ષમાં ડોલર સામે રૂપિયાની કિંમતમાં દર વર્ષે ત્રણ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ટૂંકા ગાળાના ઈનફલોને પ્રોત્સાહન પૂરું પાડવાનો સીધો અર્થ ટૂંકા ગાળે આઉટફલોને આમંત્રણ આપવાનો છે. આઉટફલો માં વધારો બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટી ઊભી કરી શકે છે. આ હકીકતોને ધ્યાનમાં રાખીએ તો સરકારે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટને ભરવા માટે બહારી કરતાં આંતરિક સ્રોતોનો જેમ કે નિકાસ પ્રોત્સાહન અને આયાત પર કાબુ માટે નવા માર્ગો શોધવા રહ્યા અને આવા પગલાં ભવિષ્યમાં સલામત પૂરવાર થશે એમ કહીશું તો ખોટું નહીં ગણાય.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YIgJe9
via Latest Gujarati News
0 Comments