
મંત્રીએ કહ્યું, અભિનેતાની જીભ કાપી નાખો
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 13 મે, 2019, સોમવાર
અભિનેતા કમલ હાસને ગાંધીજીની હત્યા કરનારા નાથુરામ ગોડસેને પહેલો હિંદુ આતંકવાદી ગણાવ્યો હતો. એ નિવેદન મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. ભાજપ અને એઆઈએડીએમકેએ કમલ હાસનની ઝાટકણી કાઢી હતી. તમિલનાડુ કોંગ્રેસે કમલ હાસનને સમર્થન આપ્યું હતું.
તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હાસને એક ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે કહ્યું હતું : 'અહીં મુસ્લિમો ઉપસ્થિત છે એટલે આ નિવેદન નથી આપતો, પરંતુ ગાંધીજીની પ્રતિમા છે એટલે કહું છું કે દેશનો પ્રથમ હિંદુ આતંકવાદી નાથુરામ ગોડસે હતો.' કમલ હાસને કહ્યું હતું કે આતંકવાદની શરૃઆત ગાંધીજીની હત્યાથી થઈ હતી. મહાત્મા ગાંધીજીની હત્યા નાથુરામ ગોડસેએ કરી હતી.
આ નિવેદન પછી ભારે વિરોધ ઉઠયો હતો. તમિલનાડુ સરકારના મંત્રી અને એઆઈએડીએમકેના નેતા કેટી રાજેન્દ્ર બાલાજીએ આક્રમક નિવેદન આપતા કહ્યું હતું કે કમલ હાસનની જીભ કાપી નાખવી જોઈએ. આતંકવાદી હિંદુ કે મુસ્લિમ નથી હોતો. એ આતંકવાદી હોય છે. કમલ હાસને લઘુમતીઓના મત લેવા માટે આ નિવેદન આપ્યું છે અને તેની સજા મળવી જોઈએ.
બીજી તરફ તમિલનાડુ કોંગ્રેસ પ્રમુખ કે.એસ અલગારીએ પણ કમલ હાસનને સમર્થન આપતા વિવાદિત નિવેદન આપ્યું હતું. અલગારીએ કહ્યું હતું કે આરએસએસની કટ્ટર વિચારધારા એક રીતે આઈએસ જેવી છે.
કમલ હાસનના નિવેદન સાથે હું સહમત છું. આરએસએસ માને છે કે જે તેની વિચારધારાની અલગ છે તેનો નાશ કરો. આ વિવાદમાં ભાજપે પણ ઝંપલાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અને ભાજપના મહિલા નેતા નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કમલ હાસનને હત્યારા અને આતંકવાદી વચ્ચે જે ફરક હોય છે તે વિશે જ્ઞાાન નથી.
કમલ હાસને આ તફાવત સમજી લેવાની જરૃર છે. અભિનેતાને લઘુમતીઓના મત મેળવી લેવાની ઉતાવળ છે તે આ નિવેદનમાંથી સ્પષ્ટ જણાઈ આવે છે.
તમિલનાડુ ભાજપના અધ્યક્ષે પણ કમલ હાસનના નિવેદનને વખોડી કાઢતા કહ્યું હતું કે કમલ હાસન મત મેળવવાની કોશિશમાં દિમાગનું સંતુલન ખોઈ બેઠા છે અને એટલે જ આવો બકવાસ કરે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VxySxY
via Latest Gujarati News
0 Comments