ચીન-અમેરિકા વેપાર યુદ્ધ વકરશે તો વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર જોવાશે

નવી દિલ્હી,તા. 07  મે, 2019, મંગળવાર

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરને કારણે વૈશ્વિક વિકાસ મંદ પડશે અને તેનાથી કોર્પોરેટ કોન્ફીડેન્સ તથા કેપેકસ પર પ્રતિકૂળ અસર પડશે એમ ગ્લોબલ ઈકોનોમિકસ પર મોર્ગેન સ્ટેનલીના છેલ્લામાં છેલ્લા રિપોર્ટમાં જણાવાયું છે. ચીનની ૨૦૦ અબજ ડોલરની આયાત પર ડયૂટી જે હાલમાં ૧૦ ટકા છે તે વધારીને અમેરિકા જો ૨૫ ટકા કરશે તો, વૈશ્વિક વિકાસ પર તેની ૩૦થી ૪૦ બેઝિસ પોઈન્ટની નકારાત્મક અસર પડશે. 

ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધમાં થયેલા વધારાને ઈક્વિટી બજારોએ હજુ ડિસ્કાઉન્ટ કર્યો નથી, એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું. વેપાર યુદ્ધ વધવાના ભયે વૈશ્વિક ઈક્વિટી બજારો હાલમાં ભારે દબાણ હેઠળ છે. 

વૈશ્વિક વિકાસમાં અને વેપારમાં ઘટાડો ભારતના આર્થિક વિકાસ દર પર પણ અસર કરી શકે છે. વૈશ્વિક વિકાસ ઘટશે તો ભારતનો આર્થિક વિકાસ દર જે નાણાં વર્ષ ૨૦૧૯માં સાત ટકા નોંધાયો છે તે નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં ઘટીને ૬.૮૦ ટકા રહેવા ધારણાં છે, એમ નોમુરાના એક રિપોર્ટમાં જણાવાયું છે. 

વર્તમાન નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૭.૨૦ ટકા રહેવાની રિઝર્વ બેન્કે ધારણાં મૂકી છે જ્યારે આઈએમએફ દ્વારા ૭.૩૦ ટકાનો અંદાજ મુકાયો છે. ૨૦૧૯ના પ્રથમ ૬ મહિનામાં ભારતનો આર્થિક વિકાસ દર મંદ પડીને ૬.૨૦થી ૬.૩૦ ટકા રહેવાની અમારી ધારણાં છે જે ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળામાં ૬.૬૦ ટકા રહ્યો હતો, એમ  નોમુરાના રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું. દરમિયાન ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા જણાવાયું હતું કે, ચીન અને અમેરિકાએ તેમની વેપાર તાણને દૂર કરવી જોઈએ કારણ કે તેનાથી વૈશ્વિક અર્થતંત્ર સામે જોખમ ઊભા થશે.

ચીન અને અમેરિકા વચ્ચેની વેપાર તાણ વિશ્વભરના અર્થતંત્ર માટે જોખમી બની શકે છે માટે આ બન્ને દેશો પોતાની તાણનો સંતોષકારક રીતે ઉકેલ લાવે તેમ આઈએમએફ ઈચ્છી રહ્યું છે એમ તેના વડા ક્રિસ્ટાઈન લેગાર્ડે જણાવ્યું હતું.  

ટ્રેડવોર સમગ્ર વિશ્વ માટે ખરાબ : વોરેન બફેટ

યુએસ પ્રેસીડેન્ટ ટ્રમ્પ દ્વારા ફરી એકવાર ટ્રેડ વોર છેડવાની ચીમકી ઉચ્ચારાયા બાદ વિશ્વના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટે ટ્રમ્પની આ ચીમકી વાસ્તવિક બનશે તો તે સમગ્ર વિશ્વ માટે ખરાબ પરિબળ પૂરવાર થશે.આ મુદ્દો સલાહ-મસલત થકી સુલઝાવવો જરૂરી છે. અને તેમાંજ સૌનું ભલુ છે. ટેરિફના મુદ્દે ટ્રમ્પે પુન: ચીમકી ઉચ્ચારતા સમગ્ર વિશ્વના બજારોને એક આંચકો આવ્યો છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PSD05N
via Latest Gujarati News

Post a Comment

0 Comments