
શ્રીલંકા હવે આંતરરાષ્ટ્રીય આતંકવાદની લપેટમાં આવી ગયું છે, ખતરો ટળ્યો નથી : વિક્રમાસિંઘે
નવી દિલ્હી, તા. 7 મે, 2019, મંગળવાર
શ્રીલંકાના વડા પ્રધાન રાનીલ વિક્રમેસિંઘેએ જણાવ્યું હતું કે ઇસ્ટર સન્ડે હુમલામાં જેટલા પણ આતંકીઓ સામેલ હતા તેથી કેટલાકને મારી નાખ્યા તો કેટલાકની ધરપકડ કરી લેવામાં આવી છે પણ કાર્યવાહી જવાબદાર દરેક સામે થઇ છે. સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે હજુ પણ શ્રીલંકામાં ખતરો ટળ્યો નથી અને ગમે ત્યારે આ જ પ્રકારનો આતંકી હુમલો પણ થઇ શકે છે. તેમણે જનતાને પોલીસને સુરક્ષામાં મદદ કરવાની અપીલ પણ કરી હતી.
ઇસ્ટર સન્ડેના રોજ શ્રીલંકાના કોલંબોમાં નવ આત્મઘાતી હુમલાખોરોએ આઠ વિસ્ફોટ કર્યા હતા, જેમાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી આઇએસએ સ્વીકારી હતી. જ્યારે બીજી તરફ હજુ પણ તપાસમાં વિસ્ફોટક સામગ્રી મળી રહી છે.
થોડા દિવસ પહેલા જ મસ્જિદના મેદાનમાથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી હતી, તે પહેલા પાઇપ બોમ્બ મળ્યા હતા. જ્યારે એક જ જગ્યાએ ૭૦ જેટલા બોમ્બ નિષ્ક્રિય કર્યા હતા. આ ઘટનાઓને ટાંકીને શ્રીલંકાના વડા પ્રધાને જણાવ્યું હતું કે હજુ પણ શ્રીલંકામાં મોટા હુમલાની ભીતી છે. શ્રીલંકાના વડા પ્રધાને આ ભય ત્યારે વ્યક્ત કર્યો હતો જ્યારે શ્રીલંકાના સૈન્ય વડા અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે શ્રીલંકા સુરક્ષીત છે અને કોઇ ખતરો નથી.
જોકે શ્રીલંકાના વડા પ્રધાને કહ્યું હતું કે શ્રીલંકા હાલ પણ સુરક્ષીત નથી કેમ કે હવે તે આંતરરાષ્ટ્રીય આતંકવાદની લપેટમાં આવી ગયું છે. અને ખતરો ટળ્યો નથી, હજુ પણ મોટા હુમલાની પુરી શક્યતાઓ છે. જોકે સાથે તેમણે ખાતરી આપી હતી કે આ ઇસ્ટર સન્ડે હુમલામાં જેટલા પણ આતંકીઓ હતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PRgQ3E
via Latest Gujarati News
0 Comments