'ચોકીદાર ચોર હૈ' વિવાદમાં સુપ્રીમે રાહુલનો 'ખેદ' શબ્દ માન્ય ન રાખ્યો, ત્રીજી વખત સોગંદનામુ આપવા આદેશ


અમે વધુ એક તક આપીએ છીએ પણ તેનો મતલબ એ નથી કે અમે માફીનો સ્વીકાર કરીએ છીએ : સુપ્રીમની ટકોર 

નવી દિલ્હી, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જાહેરમાં મીડિયા સમક્ષ કહ્યું હતું કે ચોકીદાર નરેન્દ્ર મોદી ચોર છે તેવુ સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે. રાહુલના આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે તેમની પાસેથી જવાબ માગ્યો છે.

ભાજપના નેતા મિનાક્ષી લેખીની અરજી બાદ સુપ્રીમ કોર્ટે રાહુલ પાસેથી જે જવાબ માગ્યો તેને લઇને પણ વિવાદ જારી છે. રાહુલે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે હું મારુ નિવેદન પરત લઉ છું અને આ અંગે ખેદ વ્યક્ત કરું છું. જોકે રાહુલ ગાંધીએ સતત બીજી વખત પોતાના જવાબમાં માત્ર ખેદ શબ્દનો જ ઉપયોગ કર્યો હતો જેને પગલે સુપ્રીમ કોર્ટે જવાબ અંગે સવાલો ઉઠાવ્યા છે. 

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાનીમાં ગઠીત બેંચે મંગળવારે રફાલ મુદ્દે થયેલી રિવ્યૂ પિટિશન અને રાહુલ ગાંધી સામેની કોર્ટની અવમાનના કેસની સુનાવણી સંયૂક્ત રીતે કરી હતી.

દરમિયાન સુપ્રીમ કોર્ટે રાહુલના જવાબ મુદ્દે ટકોર કરતા તેમના વકીલ અભિષેક સિંઘવીને જણાવ્યું હતું જ્યારે તમે કોઇ ભૂલ કરો છો ત્યારે તેને સ્વીકારવી જોઇએ, એક તરફ રાહુલ ગાંધી પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે અને બીજી તરફ એવું કહી રહ્યા છે કે મે આવુ કોઇ નિવેદન આપ્યું જ નથી.

તમે ખરેખર તમારા આ સોગંદનામામાં કહેવા શું માગો છો તેને લઇને અમે મુશ્કેલીમાં મુકાયા છીએ. બાદમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને વધુ એક તક આપી હતી અને આ મામલે યોગ્ય સોગંદનામુ દાખલ કરવા કહ્યું હતું. 

જોકે જ્યારે કોર્ટે જ્યારે સિંઘવીને સવાલ કર્યો હતો કે ખેદ વ્યક્ત કરવો એટલે શું, તો જવાબમાં સિંઘવીએ જણાવ્યું હતું કે મે ડિક્શનરીમાં તપાસ કરી છે અને ખેદ વ્યક્ત કરવાનો મતલબ માફી માગવા બરાબર જ છે, બન્ને સરખા છે.

જોકે સુપ્રીમ કોર્ટે આ દલીલોને માન્ય નહોતી રાખી અને જણાવ્યું હતું કે તમારો રાજકીય હેતુ તમારી પાસે રાખો અમારે તેની સાથે કઇ લેવાદેવા નથી. રાહુલ ગાંધીનો કહેવાનો હેતુ શું હતું તે અંગે સિંઘવી સમજાવી રહ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે આ નિવેદન કર્યું હતું અને સાથે જ મામલે વધુ વિગતવાર નવુ સોગંદનામુ દાખલ કરવા કહ્યું હતું. 

રફાલની રિવ્યૂ પિટિશનનો જવાબ આપવા સરકારને સુપ્રીમે સમય આપ્યો

રફાલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન થઇ છે, મંગળવારે આ અંગે જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે સરકારે જણાવ્યું હતું કે અમારે આ મામલે જવાબ આપવા માટે વધુ સમય જોઇએ છે. સુપ્રીમ કોર્ટે આ માગને માન્ય રાખી હતી, તેથી હવે આગામી છ મેના રોજ આ મામલે વધુ સુનાવણી કરવામાં આવશે.

સરકારની એવી દલીલ હતી કે જે પણ પુરાવા સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યા છે તે મંત્રાલયમાંથી લીક થયેલા છે માટે તેને માન્ય ન રાખવામાં આવે. જોકે સુપ્રીમે આ દલીલોને ફગાવી દીધી હતી અને પુરાવાને માન્ય રાખ્યા હતા. તેથી હવે આ મામલે સરકાર પોતે કેવી રીતે પોતાનો બચાવ કરવો તેને લઇને વધુ સમય માગી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UTtnEw
via Latest Gujarati News

Post a Comment

0 Comments