મોદીની વિરુદ્ધ લડી રહેલા તેજબહાદુરનું ફોર્મ રદ થવાની શક્યતા


વારાણસી, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

વારાણસી લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજ બહાદુર યાદવને ચૂંટણી પંચે નોટિસ મોકલી છે. બીએસએફમાંથી બરતરફ કરાયેલા જવાન તેજ બહાદુર યાદવે અગાઉ અપક્ષ અને પછી સપાના ચૂંટણી ચિહ્ન પર નોમિનેશન દાખલ કર્યુ હતું. 

પ્રથમ વખતના નોમિનેશનમાં તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને કારણે તેમને સેનામાંથી બરતરફ કરવામાં આવ્યા હતાં પણ બીજા નોમિનેશનમાં તેમણે આ અંગેની માહિતી આપી ન હતી. 

મંગળવારે ફોર્મની ચકાસણી પછી જિલ્લા ચૂંટણી કાર્યાલયે તેજ બહાદુરને નોટિસ જારી કરી ૧ મે સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે જો તેજ બહાદુર યાદવ પ્રમાણ નહીં આપે તો તેમનું ફોર્મ રદ કરવામાં આવી શકે છે. 

ચૂંટણી પંચે ફટકારેલી નોટિસ મુજબ તેજ બહાદુરે ૨૪ એપ્રિલે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ હતું. તે સમયે તેમણે સોગંદનામામાં જણાવ્યું હતું કે તેમને ભ્રષ્ટાચારને કારણે નોકરીમાંથછી દૂર કરવામા આવ્યા હતાં. જો કે ૨૯ એપ્રિલે જ્યારે તેણે સપામાંથી ફોર્મ ભર્યુ તો તેમણે આ અંગેની કોલમમાં ના લખ્યું હતું. જેનો અર્થ થાય છે કે તેમને ભ્રષ્ટાચારને કારણે નોકરીમાંથી હટાવવામાં આવ્યા ન હતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZNpGE4
via Latest Gujarati News

Post a Comment

0 Comments