ભારતીય સેનાને હિમાલયમાં કદાવર પગલાં જોવા મળ્યાં : હિમમાનવ છે કે કેમ તેની તપાસ થશે!


મકાલુ બરુન નેશનલ પાર્કના જંગલમાં અગાઉ પણ હિમમાનવ મળ્યાંના દાવા થયા છે

નવી દિલ્હી, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

ભારતીય સેનાએ આજે ટ્વીટર પર હિમાલયમાં જોવા મળેલા કદાવર પગલાંની તસવીરો પોસ્ટ કરી હતી. સાથે સાથે લખ્યું હતું કે શું આ પગલા યેતી એટલે કે હિમમાનવના હશે? એ પછી ટ્વીટર પર તેની ચર્ચા શરૂ થઈ હતી. દરમિયાન ઈન્ડિયન આર્મીએ આપેલી વિગત પ્રમાણે આ પગલાં તેમને નેપાળમાં આવેલા મકાલુ બરુન નેશનલ પાર્કમાં જોવા મળ્યાં હતાં. નેપાળમાં આવેલું આ નેશનલ પાર્ક ૨૬ હજાર ફીટ ઊંચે બરફમાં પથરાયેલું છે. અગાઉ પણ ત્યાં વારંવાર હિમમાનવ જોવા મળ્યાંના દાવા થયા છે. પરંતુ એ માટેના નક્કર પૂરાવા મળ્યા નથી.

બરફમાં રહેતો કદાવર માનવ

લશ્કરે રજૂ કરેલી તસવીરમાં પગલાનું કદ ૩૨ ઈંચ બાય ૧૫ ઈંચનું હોવાનું કહેવાયું છે. એટલે કે સામાન્ય માણસના પગલાંની છાપ કરતાં એ કદ અઢી ગણુ થાય. હિમમાનવ વર્ષોથી રહસ્યનો વિષય રહ્યો છે. એવુ કહેવાય છે કે નેપાળમાં હિમાલયની ઊંચાઈ પર કદાવર માનવ રહે છે. તેના શરીર પર રૂંવાટી હોય છે, કદ આઠ-દસ ફીટ ઊંચુ હોય છે અને શરીરનો બાંધો ઘણો મોટો હોય છે. ખાસ્સી ઊંચાઈ પર અને બરફમાં જ આવા માનવો જોવા મળતા હોવાથી તેને હિમમાનવ અથવા યેતી કહેવામાં આવે છે.

એક્સપર્ટ તપાસ કરશે

ભારતીય લશ્કરના અધિકારીઓએ જણાવ્યુ હતું કે તેઓ આ તસવીરો યેતીના એક્સપર્ટને મોકલશે, જેથી વધુ અભ્યાસ થઈ શકે. ભારતીય લશ્કરના જવાનો પહાડી અભિયાન પર જઈ રહ્યા હતા ત્યારે તેમને મકાલુ બેઝ કેમ્પ ખાતે ૯મી એપ્રિલે આ પગલાં જોવા મળ્યાં હતા. 

મકાલુ એ હિમાલયમાં આવેલું જગતનું પાંચમાં નંબરનું સૌથી ઊંચુ શિખર છે. ઘણી વખત બરફમાં રીંછ કે એવા સજીવોને પણ યેતી માની લેવામાં આવતા હોય છે. 

હિમમાનવ જોયો હોવાનો દાવો કરનારા ઘણા લોકો છે, પરંતુ તેની હાજરી સાબિત કરતાં નક્કર પૂરાવા મળતા નથી. માટે હિમમાનવ છે કે નહીં, હિમાલયની ઊંચાઈ પર ખરેખર એવા રહસ્યમય માનવીઓ કે પ્રાણી રહે છે કે કેમ એ નક્કી થઈ શકતું નથી.

 બીજી તરફ સદીઓથી નેપાળના લોકગીતો-લોકકથામાં હિમમાનવનો ઉલ્લેખ આવે છે. લશ્કરની ટીમ હજુ પહાડ પર જ છે અને આગામી મહિને પર્વતારોહણ અભિયાન પુરું થશે પછી પરત આવશે. 

અગાઉ પણ દાવા થયા છે

હિમાલયનો આ વિસ્તાર યેતી માટે જાણીતો છે. અગાઉ પણ આ વિસ્તારમાં યેતીના દાવા થયા છે. જોકે સૌથી મજબૂત દાવો ૧૯૫૧માં થયો હતો. કેમ કે એ વખતે બ્રિટિશ પર્વતારોહક એરિક અર્લ શેપ્ટન અને તેમની ટીમને કદાવર પગલાં જોવા મળ્યાં હતા. એ ટીમ પાસે કેમેરો હોવાથી તુરંત તેના ફોટા પાડી લીધા હતા. એ ફોટા દુનિયાભરમાં પ્રસિદ્ધ થયા પછી હિમમાનવ વિશે ચર્ચાનો આરંભ થયો હતો.  અંગ્રેજીમાં બિગફૂટ કે પછી સ્નોમેન તરીકે ઓળખાતા યેતી નામાના પ્રાણીને જોયો હોવાનો દાવો કરનારા લોકોનો પાર નથી. કેમ કે એવો દાવો કરવાથી રાતોરાત વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળે છે. પરંતુ પછી તપાસ કરવામાં આવે તો ખબર પડે કે લગભગ તમામ દાવાઓ ખોટા હોય છે. એટલે રાતોરાત મળેલી પ્રસિદ્ધિ બદનામીમાં ફેરવાઈ જાય છે. એટલે જ ભારતીય લશ્કરે કોઈ દાવો કરવાને બદલે તસવીરો રજૂ કરી સવાલ કર્યો છે.

યેતી પર ૬ દાયકાનું સંશોધન

અમેરિકાના લેખક-સંશોધક ડેનિયલ ટેલર યેતીની શોધ કરવા માટે જિંદગીના ૬ દાયકા ખર્ચી ચૂક્યા છે. ૬૦ વર્ષમાં તેમણે હિમાલયનો ખૂણેખૂણો ફંફોસી નાખ્યો હતો. એ પછી પોતાના યેતીની શોધના અનુભવો પુસ્તક 'યેતી : ધ ઈકોલોજી ઓફ અ મિસ્ટરી'માં નોંધ્યા છે. આ પુસ્તકમાં ડેનિયલે એવો દાવો કર્યો છે કે હું ક્યારેય નજરોનજર હિમમાનવને જોઈ શક્યો નથી, પરંતુ હિમાલયમાં યેતી જેવું કંઈક તો છે જ! રસપ્રદ રીતે જ્યારે ડેનિયલ દાયકાઓ પહેલી વખત બરુન નદીના કાંઠે પથરાયેલા મકાલુ-બરુન નેશનલ પાર્કમાં ફર્યાં ત્યારે તેમને પણ આવા પગલાં જોવા મળ્યાં હતા. 

ટ્વીટર પર મજાક થઈ

લશ્કરની આ તસવીરોએ ટ્વીટર પર મનોરંજન પૂરું પાડયું હતું. જે વર્ગ હિમમાનવ નથી જ એવુ માને છે, તેમણે લશ્કરની ટ્વીટ પર જોક કરવાની શરૂઆત કરી હતી. બીજી તરફ ભારતના વડા પ્રધાન ટીવી પર આવીને જાહેરાત કરવાના બહુ શોખીન છે. માટે એવી ટ્વીટ પણ થઈ હતી કે આ પગલાં વિશે વધુ માહિતી ટૂંક સમયમાં વડા પ્રધાન ટીવી પર આવીને આપશે.

અગાઉના ૭૦ વર્ષ દરમિયાન કોઈ સરકાર યેતીનો પીછો નથી કરી શકી, પરંતુ અમારી સરકાર દરમિયાન લશ્કરે કઈ રીતે યેતીનું પગેરું મેળવ્યું એ ગુણગાન પણ વડા પ્રધાન ગાશે. તો વળી કેટલાક લોકોએ એમ પણ લખ્યું હતું કે આ શોધ અંગે કોઈ સવાલ કરશે તો તેને રાષ્ટ્રદ્રોહી કે દેશ વિરોધી જાહેર કરી દેવાશે, કેમ કે લશ્કરની કોઈ કાર્યવાહીના પૂરાવા માંગવાના ન હોય! 

લશ્કરે પોતાની ટ્વીટમાં બીસ્ટ (નરપશુ) શબ્દ વાપર્યો હતો. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી તરૂણ વિજય તેમાં કુદી પડયા હતા. તેમણે લશ્કરને ટ્વીટ દ્વારા કહ્યું હતું કે બીસ્ટને બદલે એ સજીવને સ્નોમેન (બરફનો માણસ - હિમ માનવ) કહેવો જોઈએ. ટૂંકમાં એ પગલાં જે સજીવના છે, તેને પણ માન આપવું જોઈએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UVy29i
via Latest Gujarati News

Post a Comment

0 Comments