નવી દિલ્હી, તા. 1 મે 2019, બુધવાર
પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આજે યૂ.એન. વૈશ્વિક આતંકવાદી જાહેર કરી શકે છે. ઘણાં લાંબા સમયથી ભારત આ મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાના પ્રયાસોમાં લાગ્યું હતું પરંતુ ચીન વારંવાર પોતાનો વીટો પાવર વાપરીને એમાં ટાંગ અડાવતું હતું, હવે ચીન મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા રાજી થઇ ગયું છે અને તે પોતાનો વીટો દૂર કરવા તૈયાર છે.
તાજેતરમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ તરફથી યૂ.એન,ની સુરક્ષા પરિષદમાં સંયુક્ત રીતે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ પછી ચીન પર ચારે તરફથી ભારે દબાણ થઇ રહ્યું હતું. ભારત છેલ્લા એક દાયકાથી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાના પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ ચીન ચાર વખત એમાં અડચણ ઊભી કરી ચૂક્યું હતું. પુલવામા હુમલા બાદ ભારતે મસૂદ અઝહરના મુદ્દે દબાણ વધારી દીધું હતું.
એવું પહેલી વખત બનશે કે જમ્મુ-કાશ્મીરમાં કોઇ આતંકવાદી હુમલાના કારણે કોઇ આતંકવાદીને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં આવશે. અગાઉ મુંબઇ હુમલા બાદ હાફિઝ સઇદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V7BCBR
via Latest Gujarati News
0 Comments