રાહુલ ગાંધી ભારતીય નાગરિકતા અંગે સ્પષ્ટતા કરે: ગૃહમંત્રાલયે નોટિસ ફટકારી


બ્રિટનની કંપની બેકોપ્સ લિ.ના રિટર્નમાં રાહુલ ગાંધીની નાગરિકતા બ્રિટિશ દર્શાવવામાં આવી હતી : સ્વામી 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે જ ભારતના ગૃહ મંત્રાલયે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને નોટિસ ફટકારી પંદર દિવસની અંદર પોતાની નાગરિકતા અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા અંગે પ્રશ્રો ઉઠાવતી ફરિયાદને પગલે ગૃહ મંત્રાલય દ્રારા આ નોટિસ ફટકારવામાં આવી છે. 

ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદને પગલે આ નોટિસ ફટકારવામાં આવી છે. સ્વામીની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૦૩માં બ્રિટનમાં બેકોપ્સ લિમિટેડ નામની કંપની રજિસ્ટર્ડ કરવામાં આપવામાં આવી હતી. આ કંપનીના ડાયરેક્ટરો પૈકી એક રાહુલ ગાંધી પણ હતાં. કોંગ્રેસ પ્રમુખને નોટિસ ફટકારવાથી વિવાદ થતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે લખનઉમાં જણાવ્યું છે કે આ એક સામાન્ય પ્રક્રિયા છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે બ્રિટિશ કંપની બેકોપ્સ લિમિટેડ દ્વારા ૧૦ ઓક્ટોબર, ૨૦૦૫ અને ૩૧, ઓક્ટોબર, ૨૦૦૬ના રોજ દાખલ કરવામાં આવેલ કંપનીના વાર્ષિક રિટર્નમાં ગાંધીની જન્મ તારીખ ૧૯ જૂન, ૧૯૭૦ દર્શાવવામાં આવી છે. અને તેમાં રાહુલ ગાંધીના નાગરિકતા બ્રિટિશ દર્શાવવામાં આવી છે.

રાહુલ ગાંધીને ફટકારવામાં આવેલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે તમને પંદર દિવસમાં સ્પષ્ટતા કરવી પડશે કે તમે બ્રિટનના નાગરિક છો કે ભારતના. આ અગાઉ નવેમ્બર, ૨૦૧૫માં પણ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની નાગરિકતાની તપાસ માટે સીબીઆઇ તપાસની માગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZLueej
via Latest Gujarati News

Post a Comment

0 Comments