સિક્કિમને ૨૫ વર્ષ પછી નવા મુખ્યપ્રધાન મળ્યા


ગંગટોક, તા. 27 મે, 2019, સોમવાર

૩૨ ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતી સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાને ૧૭, જ્યારે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટને ૧૫ બેઠકો મળી છે. આ રીતે રાજયના શાસનકર્તા સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટની હાર થતાં એના નેતા અને રાજયનાં મુખ્યપ્રધાન પવન ચેમલિંગના ૨૫ વર્ષના શાસનનો અંત આવ્યો છે.

સિક્કિમના ૨૫ વર્ષો સુધી મુખ્યપ્રધાન રહેલા પવન ચેમલિંગે આઝાદ ભારતના ઈતિહાસમાં સૌથી લાંબા સમય માટે મુખ્યપ્રધાન બની રહેવાનો વિક્રમ કર્યો છે. એમણે ૮૯૩૨ દિવસો સુધી  સિક્કિમ પર શાસન કર્યું છે.

ચૂંટણીમાં વિજેતા નિવડેલા પક્ષ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના નેતા ગોલેયે મુખ્યપ્રધાનપદના શપથ લીધા પછી તૂર્ત રાજયના સરકારી કર્મચારીઓ માટે પાંચ દિવસના સપ્તાહની ઘોષણા કરી છે. અગાઉ, ફક્ત બીજા શનિવારે જ સરકારી રજા રહેતી હતી.

રાજય સરકાર કરકસરનો કાર્યક્રમ જાહેર કરશે. મારા સહિત કોઈપ્રધાન લકઝરી વાહનોનો ઉપયોગ કરશે નહિ, એમ એમણે શપથવિધિ પછી પત્રકારોને જણાવ્યું. એમના પ્રધાનમંડળમાં એમના ઉપરાંત અન્ય ૧૧ સાથી પ્રધાનો છે. જેમની બેઠક પણ શપથવિધિ પછી યોજવામાં આવી હતી.

નવા મુખ્યપ્રધાન ગોલેયે કહ્યું કે પોતે ઘેરથી રાજયનું વહીવટીકાર્ય કરશે. એમણે અગાઉ કહ્યું હતું કે મુખ્યપ્રધાન માટે ઓફિસ- કમ- નિવાસ સ્થાન બની રહેલી મિન્ટોકગેન્ગ બિલ્ડિંગને કેન્સર હોસ્પિટલમાં બદલી કરાશે.

નોંધવું રહ્યું કે સિક્કિમ ક્રાંતિકારી મોરચાના પ્રમુખ ગોલેયે હજી ધારાસભ્યપદે ચૂંટાવાનું બાકી છે. તેઓ રાજયમાં લોકસભા ચૂંટણી સાથે યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન  જેલની સજા ભોગવતા હોવાથી ઊભા રહી શક્યા નહોતા.

બન્યું એવું કે અગાઉની પવન ચેમલિંગ સરકારમાં ૧૯૯૪-૧૯૯૯ દરમિયાન પ્રધાન રહી ચૂકેલા ગોલેય સામે ભંડોળમાં ઉચાપતનો આક્ષેપ થયો હતો. મામલો અદાલતે પહોંચતા ગોલેય ગુન્હેગાર ઠરતાં એમને એક વર્ષની સજા કરાઈ હતી. ગોલેય પાંચ વાર ધારાસભ્યપદે ચૂંટણી આવ્યા છે અને ત્રણ વાર પ્રધાન બન્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Qs2VBo
via Latest Gujarati News

Post a Comment

0 Comments