ભોપાલ, તા. 7 મે 2019, મંગળવાર
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ભોપાલની બેઠક પરના જંગ પર તમામની નજરો ટકેલી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ સામે ભાજપે માલેગાંવ વિસ્ફોટોના આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મેદાનમાં ઉતાર્યાં છે. હિન્દુત્વ અને કથિત હિન્દુ ટેરર જેવા મુદ્દાઓ પર કોંગ્રેસને ઘેરી રહેલા ભાજપને મ્હાત આપવા દિગ્વિજય સિંહે હવે રીતસરની ધૂણી ધખાવી છે.
ભોપાલમાં કમ્પ્યુટર બાબાની આગેવાનીમાં દિગ્વિજય સિંહના સમર્થનમાં સાધુઓ યજ્ઞ કરી રહ્યાં છે. દિગ્વિજય સિંહ પોતાની પત્ની અને કમ્પ્યુટર બાબા સાથે પૂજા સ્થળે પહોંચ્યાં જ્યાં પહેલેથી સેંકડો સાધુઓ પૂજામાં લાગ્યાં હતાં. કોંગ્રેસના આ પગલાંને સાધ્વી પ્રજ્ઞાના હિન્દુત્વ સામે કાઉન્ટર એટેક તરીકે જોવામાં આવી રહ્યું છે. દિગ્વિજય સિંહે પોતાના પત્ની સાથે સાધુઓની હાજરીમાં પૂજાપાઠ અને હવન કર્યાં. ત્યાં સાધુઓ માટે ધૂણીસ્થળ બનાવવામાં આવ્યું હતું જ્યાં સાધુ-સંતો હઠયોગ સહિતની યોગમુદ્રાઓમાં જોવા મળ્યાં.
પૂજાસ્થળે દિગ્વિજય સિંહની જીત માટે હજારો સંતોનો હઠયોગ એવું બોર્ડ પણ મારવામાં આવ્યું છે. ભોપાલની ચૂંટણી હવે જાણે કે હિન્દુત્વ પુરવાર કરવાની લડાઇ બની ગઇ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VkIDiN
via Latest Gujarati News
0 Comments