મુંબઈમાં મતદારયાદીમાં નામ ન હોવાથી અનેક નાગરિકો મતદાનના હક્કથી રહ્યાં વંચિત


મુંબઈ, તા.૩૦ એપ્રિલ 2019, મંગળવાર

મુંબઈના અનેક વિસ્તારોમાં ૨૯મીએ મતદાન પાર પડયું ત્યારે એવું જોવા મળ્યું છે કે મતદારયાદીમાંથી તેમના નામ ગયેલાં હતાં. એથી ઊલટું તેમના જ પરિવારના સભ્યો કે જેઓ મૃત્યુ પામી ચૂક્યા છે, તેમના નામ યાદીમાં યથાવત્ હતાં. આથી અનેક લોકો મતદાનના પવિત્ર હક્કથી વંચિત રહ્યા હોવાની ઘટના મુંબઈના વિવિધ પરાંઓમાં બની છે. 

ઘાટકોપરના એક રહેવાસી અજય મોરેના જણાવ્યાનુસાર તેમના મતદારમંડળમાં જ આવા આશરે ૫૦ કિસ્સાં બન્યાં છે. મોરેના પિતા ગુજરી ગયા હોવા છતાં તેમનું નામ બાકાત કરાયું નથી તો અમુક નવા મતદારો હોવા છતાં તેમના નામ ઉમેરાયા નથી. તો સાથેજ મુલુંડમાં રહેતાં એક વ્યક્તિને પ્રકરણે પણ કંઈક એવું જ બન્યું છે, એમનું મતદાન ઓળખપત્રમાં જે સરનામું છે, તે સરનામે તેમને કોઈ સ્લીપ મળી નથી. ઉપરાંત તેમનું નામ બાકાત કરતાં ઘરના તમામ સભ્યોના નામ મતદારયાદીમાં જોવા મળ્યાં છે, એટલે સુધી કે તેમના માતાનું અવસાન થઈ ચૂક્યું હોવા છતાં તેમનું નામ મતદારયાદીમાં છે પરંતુ તેમનું નામ યાદીમાં જોવા મળ્યું નથી.  

ઈલેક્શન કમિટીના આવા છબરડાંને કારણે અનેક નાગરિકોને મતદાનના હક્કથી વંચિત રહેવું પડયું હોવાથી તેઓ ભારે પ્રમાણમાં ભડક્યા હતાં. જોકે કાંદિવલીના રહેવાસી  સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મતદારયાદીમાં થયેલી ભૂલો ઈલેક્શન કમિશનની કામગિરીની ખામી દર્શાવે છે. અનેકવાર મતદાનની ફરજ બજાવી ચૂક્યા હોવાથી અમારે વારંવાર મતદારયાદીમાં નામ જોવાની જરુર રહેવી ન જોઈએ.

આથી છેલ્લી ઘડીએ અમારું નામ ન નીકળતાં અમારો મતદાનનો હક્ક છિનવાઈ ગયો છે. કાયદાકીય રીતે આવું ચાલી શકે નહીં. કોઈ વ્યક્તિને પૂછ્યા વિના તેમનું નામ વૉટર્સ લિસ્ટમાંથી બાકાત કરવું એ ગુનાપાત્ર કાર્ય તરીકે નોંધવું જોઈએ.   

જોકે આ સંદર્ભે એક અધિકારીએ એવું જણાવ્યું હતું કે, મુંબઈમાં અમને મૃત વ્યક્તિના નામોની યાદી પાલિકા દ્વારા મળે છે. ત્યારબાદ અમે તેમના નામો યાદીમાંથી હટાવીએ છીએ. જોકે કોઈ નાગરિક શહેરની બહાર મૃત્યુ પામ્યો હોય તો તેના પરિવારજનોની ફરજ બને છે કે તેમણે અમને જાણ કરવી. જોકે અનેક લોકોના નામ બાકાત રહ્યા હોવા પ્રકરણે કોઈ ઉત્તર મળી શક્યો નથી.  



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J76wDg
via Latest Gujarati News

Post a Comment

0 Comments