નવી દિલ્હી, તા. 1 મે 2019, બુધવાર
લોકસભાની ચૂંટણીના પહેલા ચાર તબક્કા દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના મામલે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. છઠ્ઠી મેના દિવસે યોજાનારા પાંચમા તબક્કાના મતદાન માટે પોલિંગ બૂથની અંદર માત્ર કેન્દ્રીય દળોની તૈનાતી જ થશે. મતલબ કે રાજ્યની પોલીસને પોલિંગ બૂથથી દૂર રાખવામાં આવશે.
પાછલા તબક્કાઓમાં થયેલી હિંસા બાદ ભાજપે ફરિયાદ કરી હતી કે કેન્દ્રીય દળોને હટાવીને રાજ્યની પોલીસને પોલિંગ બૂથ પર તૈનાત કરવામાં આવી રહી છે અને ચૂંટણીની પ્રક્રિયાના પ્રભાવિત કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે આ અંગે કાર્યવાહી કરતા પાંચમા તબક્કાના મતદાનમાં સો ટકા કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતીના આદેશ આપ્યાં છે. પોલિંગ બૂથની અંદર પશ્ચિમ બંગાળની પોલીસને જવાની પરવાનગી નહીં મળે. જોકે રાજ્યની પોલીસને પોલિંગ બૂથની આસપાસ રહેવાની છૂટ મળશે.
પાંચમા તબક્કાના મતદાન માટે હવે કેન્દ્રીય સુરક્ષા દળોની 578 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. બંગાળ પોલીસની જવાબદારી મતદારોની લાઇન, લૉ એન્ડ ઓર્ડર ઉપરાંત મતદાન સાથે સંકળાયેલી અન્ય વ્યવસ્થાઓને જોવાની રહેશે, આ ઉપરાંત 142 ક્વીક રિસ્પોન્સ ટીમને પણ રિઝર્વ રાખવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V7BGBB
via Latest Gujarati News
0 Comments