નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર
મોદી સરકારની બીજી મુદતમાં વીજ વિતરણ, કોલસાના પૂરવઠા અને થર્મલ પાવર ઉત્પાદન ક્ષેત્રે સુધારાને સરકાર પ્રાધાન્ય આપે તેવી માગ ઉઠી રહી છે.
વીજ વિતરણ ક્ષેત્રે સુધારા, અંતિમ છેડા સુધી વીજ જોડાણ તથા સ્માર્ટ મીટરિંગ પદ્ધતિનો સ્વીકાર કરવાથી વીજ ઉપક્રમોની નાણાંકીય તંદૂરસ્તી સુધારવામાં ટેકારૂપ બની રહેશે એમ વીજ ક્ષેત્રના આગેવાનો મત ધરાવી રહ્યા છે. ઉજવલ ડિસ્કોમ એસ્યૂરન્સ યોજના (ઉદય-૨) હેઠળ વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ્સ)ની સ્થિતિ સુધારવા સજ્જડ પગલાંની આવશ્યકતા રહેશે. ઉદય-૧માં રહી ગયેલી ઉણપો ઉદય-૨માં દૂર થવાની અપેક્ષા રખાઈ રહી છે.
ઉદય-૧માં ડિસ્કોમ્સની નાણાંકીય તંદૂરસ્તી સુધારવાના પગલાં લેવાયા હતા જ્યારે ઉદય-૨માં ટેકનોલોજીના દ્રષ્ટિકોણથી દરમિયાનગીરી કરવાનો સરકારનો હેતુ રહેશે એમ સરકારે તેની પ્રથમ મુદતના અંતિમ ગાળામાં જણાવ્યું હતું.
જો કે ઉદય-૧નો જે હેતુ હતો તે હજુ પાર પડયો નથી અને ડિસ્કોમ્સની નાણાંકીય હાલત સુધરી નહીં હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના અંતે વીજ ઉત્પાદક કંપનીઓને ડિસ્કોમ્સે રૂપિયા ૩૮૦૨૩ કરોડ ચૂકવવાના બાકી હતા, જે વાર્ષિક ધોરણે ૫૯.૮૦ ટકા વધુ છે. આમાંથી ૬૫ ટકા રકમ એવી છે જે ૬૦ દિવસ કરતા વધુ દિવસ માટે બાકી છે. વીજ ઉત્પાદક કંપનીઓ હાલમાં તાણ હેઠળ છે ત્યારે આ ચૂકવણી કરવાની બાકી છે.
પોતાની પ્રથમ મુદત દરમિયાન મોદી સરકારે દેશના દરેકે દરેક ઘરને વીજ જોડાણથી આવરી લેવાની મહત્વાકાંક્ષા યોજના ઘડી હતી અને તેમાં કામગીરી પણ જોવા મળી છે. જો કે વીજ જોડાણની સાથે હવે વીજ પૂરવઠો પણ થતો રહે તે જરૂરી હોવાનું વીજ ક્ષેત્રના એક આગેવાને જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HELdrK
via Latest Gujarati News
0 Comments