હની ટ્રેપમાં ફસાઈને સૈન્યની ગુપ્ત માહિતી પાક.ને આપતા જવાનની ધરપકડ


પાકે. જવાનને ઓનલાઈન હનીટ્રેપમાં ફસાવ્યો હતો

નવી દિલ્હી, તા.16 મે, 2019, ગુરૂવાર

હની ટ્રેપમાં ફસાયેલા જવાનની ભારતીય સુરક્ષા એજન્સીઓએ ધરપકડ કરી હતી. જવાને ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને લિક કરી હોવાના આરોપ હેઠળ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ ઓનલાઈન હની ટ્રેપ બિછાવીને ભારતીય જવાનને તેમાં ફસાવ્યો હતો. મધ્યપ્રદેશ સ્થિત ઈન્ફ્રેન્ટ્રી બટાલિયનમાં તૈનાત જવાન સૈન્યમાં ક્લાર્કના પદે હતો. તેનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું, પરંતુ ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી), મિલિટરી ઈન્ટેલિજન્સ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શકમંદ સૈનિક સામે કાર્યવાહી કરી હતી.

ઈન્ડિયન આર્મીમાં ક્લાર્કના પદે તૈનાત આ જવાનને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ ઓનલાઈન ચેટ-મેસેજિંગ એપની મદદથી આબાદ હની ટ્રેપમાં ફસાવ્યો હતો. તે ભારતની માહિતી પાકિસ્તાનને આપતા ઝડપાઈ ગયો હતો. તેની સામે પુરાવા એકઠાં કર્યા પછી ભારતની સુરક્ષા એજન્સીઓ તેની ધરપકડ કરી હતી.સંવેદનશીલ માહિતી લીક કરતા જવાનની મોબાઈલ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી અને તેનો ડેટા ચેક કરવામાં આવ્યો હતો.

અગાઉ પણ ભારતીય સૈન્યના અમુક જવાનો પાકિસ્તાન અને ચીને બિછાવેલી હની ટ્રેપમાં ફસાયા હોવાના બનાવો બન્યા હતા. તે પછી ભારતની ગુપ્તચર એજન્સી સૈન્યના જવાનો અને તેની ગતિવિધિ ઉપર નજર રાખે છે. મધ્યપ્રદેશની ઝડપાયેલા આ જવાને કેવા પ્રકારની માહિતી કોને આપી છે તે દિશામાં તપાસ હાથ ધરીને ઈન્ટેલિજન્સ એજન્સીએ અન્ય કોઈની સંડોવણી હોવાની દિશામાં પણ તપાસ હાથ ધરી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M2COTh
via Latest Gujarati News

Post a Comment

0 Comments