
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.16 મે, 2019, ગુરૂવાર
ચૂંટણી પંચે ટ્વિટરને એક્ઝિટ પોલ સંબંધીત તમામ પોસ્ટ દૂર કરવા માટે કહ્યું છે. જાણવા મળ્યા મુજબ ચૂંટણી પંચને આ મામલે અમુક ફરિયાદો મળી હતી અને ત્યાર બાદ આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
જો કે કોના દ્વારા આ ફરિયાદો મોકલવામાં આવી હતી તે જાણવા નથી મળેલું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા પ્રમાણે, 'ચૂંટણી પંચ તરફથી કોઈ આદેશ જાહેર કરવામાં નથી આવેલો. તેમના સામે એક કેસ રજૂ થયો હતો પરંતુ વપરાશકર્તાએ પોતાની જાતે જ તે પોસ્ટ દૂર કરી હતી.' આ ઘટનાના એક દિવસ પહેલા જ ત્રણ મીડિયા હાઉસને કારણ દર્શાવો નોટિસ મોકલવામાં આવેલી હતી.
મીડિયા હાઉસે લોકસભા ચૂંટણીના અનુમાનિત પરિણામોને લઈને એક સર્વે પ્રકાશિત કર્યો હતો તેને પગલે નોટિસ મોકલવામાં આવેલી. રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટની કલમ ૧૨૬એ પ્રમાણે, ચૂંટણી દરમિયાન કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલને પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રકાશિત કે તેનો પ્રચાર ન કરી શકે.
ચૂંટણીનો સમય ગાળો પહેલા દિવસના મતદાનથી શરુ કરીને અંતિમ દિવસના મતદાન બાદના અડધા કલાક સુધીનો માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલના પ્રકાશનની મંજૂરી નથી હોતી. જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરે તો તેને જેલની સજા પણ થઈ શકે જેની અવધિ બે વર્ષ સુધીની હોઈ શકે છે. આ ઉપરાંત તેને દંડ કે જેલ સાથે દંડની સજા થઈ શકે છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનની તારીખ ૧૯મી મે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WbJphG
via Latest Gujarati News
0 Comments