
દેશના ઝવેરીબજારોમાં તાજેતરમાં ભાવ આંચકા પચાવી ઝડપી વધી આવ્યાના નિર્દેશો મળ્યા છે. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ તાજેતરમાં ઉંચા ગયા હતા. ઉપરાંત ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ પણ વધી આવતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગયાનું જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળી તાજેતરમાં ઔંશદીઠ ૧૩૦૦ ડોલરની સપાટીને આંબી ગયા હતા. ઉપરાંત કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચામાં રૂ.૭૦ પાર કરી રૂ.૭૦.૫૦ સુધી પહોંચ્યા હતા. આના છાંટા ઝવેરીબજારો પર તાજેતરમાં ઉડયા છે. લગ્નસરાની મોસમ વચ્ચે બજારમાં માગ રહી છે. જોકે ચુંટણીના માહોલમાં રોકડ રકમની હેરફેર પર નિયંત્રણો હોતાં ઝવેરીબજારમાં તેના કારણે વેપારોને અસર પર પડી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના જીએસટી વગર ઉંચામાં ૯૯.૫૦ના રૂ.૩૨૨૫૦ તથા ૯૯.૯૦ના ભાવ ઉંચામાં રૂ.૩૨૪૦૦ સુધી પહોંચ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ વધી ઉંચામાં રૂ.૩૩ હજારને આંબી ગયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઉંચામાં ઔંશના ૧૩૦૦ ડોલરની ઉપર ગયા હતા.
સોના પાછળ વિશ્વબજારમાં ચાંદીના ભાવ પણ એક તબક્કે ઉંચામાં ઔંશના ૧૫ ડોલર નજીક પહોંચ્યા હતા. આના પગલે મુંબઈ બજારમાં ચાંદીના ભાવ વધી કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭ હજારની ઉપર ગયા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ વધી ઉંચામાં રૂ.૩૮ હજાર પાંચસો સુધી પહોંચ્યા હતા.
જોકે વિશ્વબજારમાં સપ્તાહના અંત ભાગમાં સોનાના ભાવ ઉંચેથી નીચા આવતાં તેની પાછળ ચાંદીના વૈશ્વિક ભાવ પણ ઉંચેથી ઘટયાના સમાચાર મળ્યા હતા અને તેના પગલે ઘરઆંગણાના ઝવેરીબજારમાં પણ ભાવ ઉંચા ગયા પછી સપ્તાહના અંત ભાગમાં ઉંચેથી નીચા આવ્યા હતા.
ચાંદીના ભાવ મુંબઈ બજારમાં સપ્તાહના અંતે ફરી ઘટી કિલોના જીએસટી વગર રૂ.૩૭ હજારની અંદર તથા જીએસટી સાથે રૂ.૩૮ હજારની અંદર બોલાતા થયા હતા. સોનાના ભાવ જીએસટી સાથે ઉંચેથી નીચા ઉતરી સપ્તાહના અંત ભાગમાં ૧૦ ગ્રામના રૂ.૩૩ હજારની અંદર બોલાવા માંડયાના નિર્દેશો મળ્યા હતા.
વૈશ્વિક સ્તરે ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર યુધ્ધમાં તાજેતરમાં વિરામ રહ્યા પછી ફરી ટેરીફ વોર શરૂ થતાં વૈશ્વિક સ્તરે બજારના ખેલાડીઓમાં અજંપો વધ્યાના સમાચાર હતા. ૨૦૧૮માં અમેરિકા તથા ચીન વચ્ચે ટેરીફ યુધ્ધ ઉગ્ર બન્યા પછી ૨૦૧૯ના આરંભમાં આ બંને મહાકાય દેશો વચ્ચે વેપાર યુધ્ધના પ્રશ્ને સમજૂતી શોધી કાઢવા મિટિંગનો દોર શરૂ થયો હતો. આ મિટિંગોનો દોર બંને દેશોમાં આશરે ચાર મહિના ચાલ્યો હતો તેમ છતાં મતભેદો દૂર ન થતાં ફરી ટેરીફ વોર તાજેતરમાં શરૂ થયાના નિર્દેશો મળ્યા હતા.
અમેરિકાએ ચીનની ચીજો પર ટેરીફ વધાર્યા પછી ચીને વળતો હુમલો કરી અમેરિકાની ચીજો પર ટેરીફમાં વૃધ્ધિની જાહેરાત કરતાં વૈશ્વિક સ્તરે અર્થતંત્રને અસર પડવાની ગણતરી જાણકારો બતાવતા થયા હતા અને તેના પગલે અનિશ્ચિતતાના માહોલમાં સોનામાં તાજેતરમાં સેફ હેવન સ્વરૂપની ફંડોની ખરીદી વધ્યાના વાવડ મળ્યા હતા. આના પગલે સોનાના વૈશ્વિક ભાવ વધી ઉંચામાં ૧૩૦૦ ડોલર ઉપર ગયા હતા.
જોકે ત્યાર પછી ઉછાળો ઉભરા જેવો નિવડતાં ભાવ ફરી ઝડપથી નીચા આવ્યા છે. શુક્રવારે મોડી સાંજે સોનાના વૈશ્વિક ભાવ ઘટી ૧૨૭૫ ડોલર તથા ચાંદીના ભાવ ઘટી ૧૪.૪૧થી ૧૪.૪૨ ડોલર બોલાયાના નિર્દેશો મળ્યા હતા. આની અસરે ઘર આંગણાના ઝવેરીબજારોમાં પણ વધ્યા મથાળે ભાવ ફરી દબાણ હેઠળ આવ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. કરન્સી બજારમાં પણ ડોલરના ભાવ રૂપિયા સામે ઉંચેથી પાછા નીચા ઉતરતાં તેની અસર પણ સોના- ચાંદીના સ્થાનિક બજાર ભાવ પર દેખાઈ હતી.
સોના- ચાંદી ઉપરાંત વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ વધ્યા પછી નીચી ઉતરતાં પ્લેટીનમના ભાવ વધ્યા મથાળેથી ગબડી ૮૧૮થી ૮૧૯ ડોલર તથા પેલેડીયમના ભાવ ઘટી ઔંશના ૧૩૧૬ થી ૧૩૧૭ ડોલર બોલાઈ રહ્યા હતા. દરમિયાન, ભારતમાં ચુંટણીના માહોલમાં સરકાર દ્વારા સલામતી બંદોબસ્ત વધારાતાં તથા ચુંટણી પંચે મોટી રોકડ રકમની હેરફેર પર અંકુશો લાદયા હોવાથી એક બાજુ ઝવેરીબજારમાં વેપારને ફટકો પડયો છે. ત્યારે બીજી બાજુ દેશમાં આવતો દાણચોરીનો પુરવઠો પણ ઘટયો હોવાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.
જોકે દેશમાં એક બાજુ દાણચોરીના સોનાની આવકો ઘટી છે ત્યારે બીજી બાજુ ઘરઆંગણે સોનાની સત્તાવાર આયાતમાં ખાસ્સી વૃધ્ધિ થતાં વેપાર ખાધ વધી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દેશમાં આ વર્ષે માર્ચ મહિનામાં સોનાની સત્તાવાર આયાત આશરે ૩૧થી ૩૨ ટકા વધ્યા પછી એપ્રિલમાં આવી સત્તાવાર આયાતમાં ૫૫થી ૫૬ ટકાની વૃધ્ધિ નોંધાઈ છે. આમ બિનસત્તાવાર પુરવઠો ઘટવા સામે સત્તાવાર પુરવઠો વધતાં બજારમાં માલની છત જળવાઈ રહી છે.
વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ ઉછળતાં તેની અસર પણ સોનાના ભાવ પર વૈશ્વિક સ્તરે તાજેતરમાં દેખાઈ હતી. બ્રેન્ટ ક્રુડના ભાવ વધી તાજેતરમાં બેરલના ૭૩ ડોલરની ઉપર ગયા હતા. અમેરિકા અને ઈરાન વચ્ચે તનાવ વધ્યો છે. આની અસર ક્રુડતેલ પર પડી છે.
દરમિયાન, દેશમાં હવે ઝવેરીબજારની નજર ચોમાસા પર પણ રહી છે. આ વર્ષે કેરળમાં વરસાદનો આરંભ ૪ અથવા ૬ઠ્ઠી જૂનથી શરૂ થઈ જવાની શક્યતા તાજેતરમાં બતાવાઈ છે. જોકે ચોમાસા પર અલનીનોની આંશીક અસર પણ દેખાવાની શક્યતા બતાવાઈ છે. દેશમાં જ્યારે ચોમાસું સારું નિવડે છે ત્યારે ઝવેરીબજારમાં ગ્રામિણ માગમાં ખાસ્સી વૃધ્ધિ થતી હોય છે અને જે વર્ષ ચોમાસું નબળું જાય છે તે વર્ષમાં સોના-ચાંદીમાં ગ્રામિણ ક્ષેત્રની માગ ઘટતી હોય છે.
આમ ઝવેરીબજાર માટે ચોમાસાની પ્રગતી મહત્ત્વનું પરીબળ બની રહેતી હોય છે. દરમિયાન, ચુંટણી હવે પુરી થઈ છે અને ચુંટણીના પરીણામો પર બજારના ખેલાડીઓની હવે નજર રહી છે. કરન્સી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ચુંટણી પછી કરન્સી બજારમાં રૂપિયો નબળો પડશે તથા ડોલરના ભાવ ઉંચા જશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.
બુલિયન બિટ્સ
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YDd5St
via Latest Gujarati News
0 Comments