
GST કાયદામાં નોંધણી નંબર લીધા બાદ ધંધાના બંધારણમાં કોઈ ફેરફાર થાય ત્યારે ઘણી બધી સાવચેતી દાખવીને અનેક કાર્યો કરવા પડે છે. આજના લેખમાં માલિકી પેઢીના માલિકનું દેહાંત થાય તે કિસ્સામાં કેવી રીતે કાયદા હેઠળની જોગવાઈનું પાલન કરવું પડે તે વિશે ચર્ચા કરવામાં આવી છે.
નોંધણીનો દાખલો
જ્યારે માલિકી પેઢીના પ્રોપરાયટરનું દેહાંત થાય છે એવા કિસ્સામાં GST કાયદાની કલમ ૨૯ પ્રમાણે નોંધણીનો દાખલો રદબાતલ કરાવવાની અરજી કરવી પડે. સ્વાભાવિક છે કે દેહાંત બાદ આવી અરજી વારસદારે કરવાની થાય. GST પોર્ટલ ઉપર નમૂનો REG ૧૬ ભરીને અરજીનો દાખલો ત્રીસ દિવસમાં રદ કરવાનો થાય.
વારસદાર દ્વારા ધંધાના અનુગામી
જ્યારે કોઈ વ્યક્તિ દેહાંત થયેલ માલિકી પેઢીના માલિકનો ધંધો વારસદાર તરીકે ચાલુ રાખે છે તેવા કિસ્સામાં સૌપ્રથમ આવા વ્યક્તિએ GST કાયદા હેઠળ નોંધણીનો દાખલો લેવો પડે છે. અરજી કરતી વખતે એવું કારણ દર્શાવવું જરૂરી છે કે નોંધણી નંબર કલમ ૨૨(૩) મુજબ અનુગામી તરીકે ધંધો ચાલુ રાખવાથી અરજી કરી રહ્યાં છે.
રદ્દીકરણ કાર્યવાહી
ખાસ નોંધવું કે જ્યારે માલિકી પેઢીનો ધંધો વારસદાર ચાલુ રાખે છે ત્યારે પેઢીનો નોંધણી દાખલો રદ કરાવતા પહેલા વારસદારે નવો નોંધણી નંબર લેવાની અરજી કરેલી હોવી જોઈએ. નોંધણી નંબર રદની અરજી કર્યા બાદ GST કાયાદાના અધિકારી તેનો નિકાલ અરજી કર્યા તારીખથી ત્રીસ દિવસમાં કરશે અને નમૂનો GST REG-૧૯ માં આદેશ પસાર કરશે. આ આદેશ કરતાં પહેલાં જો કોઈ લેણું બાકી રહેતું હશે અથવા કોઈ પત્રક ભરવાનું બાકી રહ્યું હશે, તે તમામ જવાબદારી અદા કરવાની રહેશે અને ત્યારબાદ જ નોંધણી નંબર રદ કરશે.
માલિકી પેઢીની વણવપરાયેલી વેરાશાખ
જ્યારે કોઈ વ્યક્તિ GST નો નોંધણી નંબર રદ કરાવે છે તેવા કિસ્સામાં GST પોર્ટલ ઉપર વણવપરાયેલ ઈલેક્ટ્રોનીક ક્રેડીટ લેજરમાં બાકી રહેતી તમામ વેરાશાખ જતી કરવાની થાય તથા વણવેચાયેલ આખર માલમાં સમાવેશ વેરાશાખ પણ પરત કરવી પડે. માલિકી પેઢીનો ધંધો જ્યારે સકશેશન દ્વારા વારસદાર ચાલુ રાખે છે તેવા કિસ્સામાં આવી કોઈ વેરાશાખ જતી કરવી પડતી નથી. અને વારસદાર તેને ભોગવી શકે છે. નિયમ ૪૧ની જોગવાઈ પ્રમાણે માલિકી પેઢીનો નોંધણી નંબર રદ કરાવતા પહેલા વારસદારે પત્રક GST ITC ૦૨ ભરીને આવી વેરાશાખનો દાવો લેવાનો છે તેમ બતાવવું પડે.
માલિકી પેઢીના ધંધાની જવાબદારીઓ
GST કાયદાની કલમ ૮૫ તથા કલમ ૯૩માં વિશિષ્ટ સંજોગોમાં વેરો, વ્યાજ અને દંડ ભરવાની GST કાયદા હેઠળ વિશિષ્ટ જોગવાઈ કરેલ છે. જ્યારે માલિકી પેઢીનો ધંધો વારસદાર ચાલુ રાખતો નથી તેવા સંજોગોમાં કલમ ૯૩ (૧) (બી) મુજબ મૃતઃપ્રાય પામેલ વ્યક્તિની મિલકતમાંથી બાકી રહેલ વેરો વ્યાજ અને દંડ કાનૂની પ્રતિનિધિ પૂરી પાડવાની થાય.
અન્યથા કિસ્સામાં એટલે કે મૃતઃપ્રાય પામેલી વ્યક્તિનો ધંધો જ્યારે વારસદાર ચાલુ રાખે છે ત્યારે બાકી રહેલી GST કાયદા હેઠળની તમામ જવાબદારી કલમ ૯૩(૧)(એ) મુજબ આવા વારસદારે પૂરી પાડવાની રહેશે. ખાસ નોંધવું કે કલમ ૯૩ હેઠળ અદા કરવાની જવાબદારીની રકમ વ્યક્તિના દેહાંત પહેલા કે પછી નક્કી કરવામાં આવેલ હોઈ તેનાથી કોઈ ફેર પડતો નથી.
આ જોગવાઈ ખૂબ જ આકરી છે. ટેક્સેશન કાયદામાં એક પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે વ્યક્તિના મૃત્યુ બાદ ફેરઆકારણી અથવા રીવીઝનની કાર્યવાહી શરૂ ના કરી શકાય. કલમ ૯૩ની જોગવાઈ પ્રમાણે સરકારને કોઈપણ જાતની બાકી રકમ જે મૃત્યુ બાદ પણ નક્કી થયેલ હોય, કોઈપણ કાર્યવાહિ હેઠળ, તે વસુલ કરવા માટે છુટો દોર મળે છે.
ટ્રાન્સફર ઓફ બીઝનેશ એટલે કે જ્યારે માલિકી પેઢીનો ધંધો વારસદાર ચાલુ રાખે છે તેવા કિસ્સામાં કલમ ૮૫ પ્રમાણે પણ બાકી રહેતી જવાબદારી માટે જોગવાઈ કરવામાં આવી છે. જેના અનુસંધાને એમ ફલિત થાય છે કે જે વ્યક્તિને ધંધો ટ્રાન્સફર કરવામાં આવે છે તે વ્યક્તિ તથા ટ્રાન્સફર કરનાર વ્યક્તિ સંયુક્ત રીતે બાકી નીકળતી રકમ ભરવા જવાબદાર રહેશે. આવી રકમ ધંધો ટ્રાન્સફર કર્યાની તારીખ પહેલાની નક્કી થયેલ હોય અથવા તો ત્યારબાદ નક્કી થયેલ હોય અને ભરવાની થાય તેને કલમ ૮૫ની જોગવાઈ લાગુ પડશે.
આમ, ખૂબ સાવચેતી દાખવીને GST કાયદા હેઠળ અનેક પત્રકો તથા વિગતો સરકારને પહોંચતી કરવી પડે છે. GST કાયદામાં કલમ ૧૨૫ હેઠળ જનરલ પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવેલ છે જે મુજબ GST કાયદાના કોઈપણ નિયમ અથવા કલમનું ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે રૂ. ૨૫૦૦૦/- સુધીનો દંડ લાદવાની સત્તા અધિકારીને આપેલ છે. ખાસ નોંધવું કે વેરાશાખ ટ્રાન્સફર કરવા માટેનું જે પત્રક ભરવાનું છે નમૂનો ITC ૦૨ તેને કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ પાસે પ્રમાણિત કરવાનું રહે છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HrksHa
via Latest Gujarati News
0 Comments