વર્લ્ડ કપમાં રોહિત, ધવન અને કોહલી પર ભારતીય બેટીંગનો મદાર

નવી દિલ્હી, તા.૧૬

ઈંગ્લેન્ડમાં તારીખ ૩૦મી મે થી શરૃ થઈ રહેલા વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા માટેના પ્રબળ દાવેદારોમાં યજમાન ટીમની સાથે ભારતનો પણ સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાના ધુરંધર બેટ્સમેનોનો ખૌફ દુનિયાભરના બોલરોમાં જોવા મળી રહ્યો છે. જોકે, ભારતીય ટીમની બેટીંગ લાઈનઅપ ટોપથ્રી બેટ્સમેનો પર આધારિત છે. ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનની બાદ વન ડાઉન મેદાન પર ઉતરતા કેપ્ટન કોહલીના દેખાવ પર મુખ્યત્વે ભારતના મિશન વર્લ્ડકપનો મદાર રહેશે. 

ચાર વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા-ન્યુઝિલેન્ડમાં સંયુક્ત રીતે રમાયેલા આઇસીસી વર્લ્ડકપમાં ભારતને સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડયો હતો. જે પછી ટીમ ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જબરજસ્ત દેખાવ કર્યો છે. છેલ્લા ચાર વર્ષમાં ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેનો કરતાં મીડલ ઓર્ડરના બેટસમેનોએ ૬,૦૩૦ રન વધુ ફટકાર્યા છે. 

ભારતના ટોપ થ્રી બેટ્સમેનોએ છેલ્લા ચાર વર્ષમાં કુલ મળીને ૪૫ સદી ફટકારી છે. જ્યારે મીડલ ઓર્ડરના બેટ્સમેનોના નામે આ સમયગાળામાં માત્ર છ જ સદી નોંધાઈ છે. મીડલ ઓર્ડરના બેટસમેનોની ૩૫ અડધી સદીઓની તુલનામાં ટોપ ઓર્ડરના બેટસમેનોની અડધી સદીની સંખ્યા ૬૭ છે. ટૂંકમાં ભારતની મજબૂત બેટીંગ લાઈનઅપનો આધારસ્તંભ રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી જ રહેશે. 

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ટીમની સફળતા મોટાભાગે ટોપ ઓર્ડરના બેટ્સમેનો પર આધારિત બની ગઈ છે. ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલીનું જબરજસ્ત ફોર્મ બાજી પલ્ટી નાંખવા માટે સક્ષમ છે. 

ચાર વર્ષમાં ટોપ ઓર્ડરમાં ૧૪ બેટ્સમેનો અજમાવ્યા

ગત વર્લ્ડકપ બાદ ભારત ૮૬ વન ડે રમ્યું છે, જેમાંથી ૫૬માં ટીમ ઈન્ડિયાએ વિજય મેળવ્યો છે. જ્યારે ૨૭માં તેને હારનો સામનો કરવો પડયો છે. બે મેચ ટાઈ થઈ હતી અને એક મેચમાં પરિણામ આવ્યું નહતુ. ભારતે આ સમયગાળામાં કુલ ૧૪ બેટ્સમેનોને ટોપ ઓર્ડરમાં અજમાવ્યા હતા, જેમણે કુલ ૧૩,૦૫૫ રન ફટકાર્યા હતા. જ્યારે મીડલ ઓર્ડરમાં કુલ ૨૪ બેટ્સમેનોને તક મળી હતી, જેમણે કુલ મળીને ૭૦૨૫ રન નોંધાવ્યા હતા.

રોહિત, ધવન અને કોહલીનો દબદબો 

છેલ્લા ચાર વર્ષમાં ભારતના ટોપ ઓર્ડરમાં શ્રેષ્ઠ દેખાવ કરવામાં રોહિત, ધવન અને કોહલીનો દબદબો જોવા મળ્યો છે. આ ત્રણેય બેટ્સમેનોએ ૧,૦૦૦થી વધુ રન ફટકાર્યા છે. કોહલીએ ચાર વર્ષમાં વન ડાઉન બેટીંગમાં ઉતરીને ૮૩.૭૬ ની સરેરાશથી ૪,૨૭૨ રન ફટકાર્યા છે, જેમાં ૧૯ સદી અને ૧૬ અડધી સદી સામેલ છે. રોહિતે આ  જ સમયગાળામાં ૭૧ મેચમાં ૬૧.૧૨ની સરેરાશથી  ૩૭૯૦ રન ફટકાર્યા છે. જ્યારે ધવને ૬૭ મેચમાં ૪૫.૨૦ની સરેરાશથી ૨,૮૪૮ રન કર્યા છે. લોકેશ રાહુલ છેલ્લા ચાર વર્ષમાં માત્ર નવ જ મેચમાં ટોપ ઓર્ડરમાં ઉતર્યો છે અને તેણે એક સદી અને બે અડધી સદીની મદદથી ૩૧૦ રન ફટકાર્યા છે. લોકેશને ચોથા ક્રમે બેટીંગમાં ઉતારવા માટેનો દાવેદાર માનવામાં આવે છે. જોકે તેણે છેલ્લા ચાર વર્ષમાં મીડલ ઓર્ડરમાં પાંચ વખત બેટીંગમાં ઉતરીને ૩૩ જ રન કર્યા છે. 

ભારતીય મીડલ ઓર્ડરનો મદાર ધોની પર રહેશે

વર્લ્ડકપમાં ભારતીય મીડલ ઓર્ડરનો મદાર ધોની પર રહેશે. બેટીંગમાં ચોથા થી સાતમા ક્રમ સુધી ઉતરતા બેટ્સમેનોમાં છેલ્લા ચાર વર્ષમાં સાતત્યભર્યો દેખાવ એકમાત્ર ધોનીએ કર્યો છે. ધોનીએ ચાર વર્ષમાં ૭૯ મેચોમાં ૪૪.૪૬ની સરેરાશથી ૨૦૦૧ રન ફટકાર્યા છે. તેના સિવાય મીડલ ઓર્ડરમાં છેલ્લા ચાર વર્ષમાં ૧૦૦૦થી વધુ રન ફટકારનારો અન્ય એકમાત્ર બેટ્સમેન કેદાર જાધવ છે. જેણે એક સદી અને ૧૩ અડધી સદી નોંધાવી છે. કેદારે ૫૮ મેચમાં ૧,૧૫૪ રન કર્યા છે. આ દરમિયાન હાર્દિક પંડયાએ ૪૧ મેચમાં ૬૪૧, દિનેશ કાર્તિકે ૧૯ મેચમાં ૩૮૧ અને રવિન્દ્ર જાડેજાએ ૧૮ મેચમાં ૧૭૨ રન કર્યા છે. 

૮૬માંથી ૫૬ વન ડેમાં ભારતની જીત

વર્ષ ૨૦૧૫ના વર્લ્ડકપ બાદ ભારત અત્યાર સુધી કુલ ૮૬ વન ડે મેચ રમ્યું છે, જેમાંથી ૫૬માં ભારતની જીત થઈ છે, જ્યારે ભારતે ૨૭ મેચો ગુમાવી છે અને બે મેચ ટાઈ થઈ છે, તેમજ એક મેચ પડતી મૂકાઈ છે. ભારત આ સમયગાળાં ઈંગ્લેન્ડની ભૂમિ પર ૮ મેચ રમ્યું છે અને તેમાંથી ૪ જીત્યું છે અને ૪ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડયો છે. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VEqDAl
via Latest Gujarati News

Post a Comment

0 Comments