IPLની ટ્રોફી એનાયત કરવા અંગે વિવાદ, એડલજીએ બોર્ડના પ્રમુખની ઝાટકણી કાઢી

નવી દિલ્હી, તા.૧૬

ઈન્ડિયન પ્રીમિયર લીગના એવોર્ડ સમારંભમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવા અંગે બીસીસીઆઇના કાર્યકારી પ્રમુખ સી.કે. ખન્ના અને કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના સભ્ય એવા ડાયના એડલજી વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ હતી. ડાયના સ્વહસ્તે આઇપીએલની ટ્રોફી વિજેતાને આપવા ઈચ્છતા હતા. જોકે, બીસીસીઆઇના કાર્યકારી પ્રમુખ આઇપીએલ ફાઈનલમાં ઉપસ્થિત  હોવાથી ટ્રોફી એનાયત કરવાની જવાબદારી તેમને સોંપાઈ હતી. જ્યારે ડાયનાને તક મળી નહતી. આ બાબતથી નારાજ ડાયનાએ બોર્ડના પ્રમુખ સી.કે. ખન્નાની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે, સી.કે. ખન્ના અગાઉ બોર્ડના પ્રમુખ તરીકેના પ્રોટોકોલની ઉપેક્ષા કરી ચૂક્યા છે. 

ડાયનાએ ઉલ્લેખ કર્યો કે, અગાઉ જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં વન ડે સિરીઝનો આખરી મુકાબલો ખેલાયો હતો. આ દરમિયાન અમારી મિટિંગ યોજાઈ હતી. તે સમયે ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમાં ટ્રોફી કોણ એનાયત કરશે તેની ચર્ચા થઈ હતી. તે સમયે મેં દલીલ કરી હતી કે, બોર્ડના પ્રમુખને ટ્રોફી એનાયત કરવાનો અધિકાર છે. જોકે ખન્નાએ પ્રોટોકોલની અવગણના કરી હતી અને તેમની નિષ્ક્રિયતાને કારણે સ્ટેટ એસોસિએશનના હોદ્દેદારે ટ્રોફી આપી હતી. હવે જ્યારે આઇપીએલની ફાઈનલ હતી, ત્યારે ટ્રોફી એનાયત કરવાની જવાબદારી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના સભ્યને મળવી જોઈએ. કારણ કે બોર્ડના પ્રમુખ સી.કે.ખન્ના તો તેમના પ્રોટોકોલની ઉપેક્ષા જાતે જ કરી ચૂક્યા હતા. 

ટ્રોફી વિવાદ અંગે ડાયનાએ ઉમેર્યું કે, જો સીઓએના વડા વિનોદ રાય ફાઈનલના ઈનામ વિતરણ પ્રસંગે ઉપસ્થિત હોત તો તેમને હાથે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવવી જોઈએ. જો તે ન હોય તો મારી અને સીઓએના અન્ય સભ્ય લેફ્ટ.જનરલ રવિ થોડ્ગેના હસ્તે વિજેતાને ટ્રોફી એનાયત કરવામાં આવવી જોઈએ. જોકે સીઓએના સભ્ય રવિ થોડ્ગેએ જ બીસીસીઆઇના પ્રમુખને ટ્રોફી એનાયત કરવાની જવાબદારી સોંપી હતી. 

સી.કે. ખન્નાના બેવડા ધોરણો અપનાવે છે 

ભૂતપૂર્વ ક્રિકેટર અને સીઓએના સભ્ય એવા ડાયનાએ સી.કે.ખન્ના પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ મૂકતાં કહ્યું હતુ કે, ભારત-ઓસ્ટ્રેલિયા સિરિઝની મેચ દિલ્હીમાં રમાઈ ત્યારે સી.કે. ખન્ના ઉપસ્થિત હતા, છતાં તેમને ટ્રોફી બોર્ડના પ્રમુખે એનાયત કરવાની હોય છે, તે પ્રોટોકોલ યાદ ન આવ્યો. જેના કારણે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રજત શર્માએ ટ્રોફી એનાયત કરી હતી. હવે જ્યારે આઇપીએલની ટ્રોફી એનાયત કરવાની વાત આવી ત્યારે સી.કે.ખન્નાએ વર્ષ ૨૦૧૭નો એક ઈ-મેલ રજુ કરીને દાવો કર્યો કે, ટ્રોફી આપવાનો અધિકાર તો માત્ર બોર્ડના પ્રમુખને જ  છે. જ્યારે દિલ્હીમાં રમાયેલી વન ડેમાં તેઓએ બોર્ડના પ્રમુખના પ્રોટોકોલની અવગણના કરીને દિલ્હીના સ્ટેટ એસોસિએશનના હોદ્દેદારને ટ્રોફી આપવા દીધી, તે અંગે ખુલાસો માંગતા અનેક ઈ-મેલ બોર્ડના કાર્યકારી સેક્રેટરીએ તેમને કર્યા છે, છતાં તેઓ કોઈ જવાબ જ આપતાં નથી.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HuXZaN
via Latest Gujarati News

Post a Comment

0 Comments