વ્યાજ ખર્ચમાં સતત વધારો થતાં ભારતીય કંપનીઓના નેટ પ્રોફિટ પર નોંધપાત્ર દબાણ

મુંબઈ, તા. 30  મે, 2019, ગુરૂવાર

ત્રણ વર્ષ સુધી સ્થિર રહ્યા બાદ કોર્પોરેટ અર્નિંગ્સ પર ધિરાણ ખર્ચનો ભાર જોવા મળી રહ્યો છે. દેશની નાણાંકીય, ઓઈલ અને ગેસ સિવાયની ટોચની લિસ્ટેડ કંપનીઓના ધિરાણ પરના વ્યાજ ખર્ચમાં ગયા નાણાં વર્ષના પાછલા ૬ મહિનામાં વાર્ષિક ધોરણે ૧૫.૨૦ ટકા વધારો થયો છે. નેટ વેચાણ અને કાર્યકારી નફામાં  વૃદ્ધિ કરતા પણ ધિરાણ ખર્ચમાં વધુ વધારો નોંધાયો છે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે. કંપનીના વ્યાજ ખર્ચમાં આ વધારો છેલ્લા સાડાત્રણ વર્ષમાં સૌથી ઝડપી રહ્યો છે.

નાણાં વર્ષ ૨૦૧૯ના પાછલા ૬ મહિનામાં કંપનીઓના સંયુકત કાર્યકારી નફામાં અથવા ઈબીડીટામાં વાર્ષિક ધોરણે ૫.૯૦ ટકા ઘટાડો નોૅધાયો છે, જે છેલ્લા સાડાત્રણ વર્ષમાં સૌથી નબળું  પ્રદર્શન છે. આજ ગાળામાં સમીક્ષા હેઠળની કંપનીઓના નેટ વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૧ ટકા વૃદ્ધિ જોવા મળી છે. 

કાર્યકારી નફામાં વૃદ્ધિ થયા વગર વ્યાજ ખર્ચમાં થયેલા વધારાથી કંપનીઓના નેટ પ્રોફિટ પર દબાણ આવ્યું છે. સમીક્ષા હેઠળની કંપનીઓનો સંયુકત નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે ૩.૫૦ ટકા ઘટયો હતો. 

દેશની નાણાંકીય, ઓઈલ અને ગેસ સિવાયની ટોચની ૧૨૦૨ લિસ્ટેડ કંપનીઓના નાણાં વર્ષ ૨૦૧૯ના પાછલા ૬ મહિનાના પરિણામોની કરાયેલી સમીક્ષાને આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો છે. 

ઘરેલું બજારમાં છેલ્લા એક વર્ષથી જોવાઈ રહેલી લિક્વિડિટીની તાણને કારણે વ્યાજ દરમાં થયેલા વધારા અને કંપનીઓ દ્વારા લોન્સ લેવાની માત્રામાં થયેલા વૃદ્ધિને કારણે વ્યાજ ખર્ચમાં વધારો થયો હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

મંદ માગને કારણે કંપનીઓના વેચાણ પર અસર પડતા કેશ ફલોઝ અટકી પડયો હતો જેને કારણે વર્કિંગ કેપિટલની આવશ્યકતા પૂરી કરવા કંપનીઓએ બહારથી નાણાં મેળવવાની ફરજ પડી હતી, એમ પણ એનાલિસ્ટે ઉમેર્યું હતું. આમ વ્યાજ ખર્ચમાં વધારો થવાનું કારણ વધુ પડતા ધિરાણ અને ઊંચા વ્યાજ દરો હોવાનું જણાયું છે. 

નાણાં વર્ષ ૨૦૧૯ના પાછલા ૬ મહિનામાં કંપનીઓનું સંયુકત બોરોઈંગ્સ વાર્ષિક ધોરણે ૧૩.૩૦ ટકા વધુ રહ્યું હતું જે નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ના પાછલા ૬ મહિનામાં ૩.૩૦ ટકા નીચું રહ્યું હતું. આ કંપનીઓના બાકી પડેલા દેવાની ચૂકવણીનો આંક વધીને રૂપિયા ૧૨.૭૦ ટ્રિલિયન રહ્યો હતો જે વર્ષ પહેલા રૂપિયા ૧૧.૨૦ ટ્રિલિયન રહ્યો હતો.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HLeYqC
via Latest Gujarati News

Post a Comment

0 Comments