અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મુદ્દે ફરીથી વધેલી તંગદિલી વૈશ્વિક અર્થતંત્ર માટે ખતરો


ટ્રમ્પની ધમકી છતાં ચીન 9 અને 10મેના રોજ વોશિંગ્ટનમાં 11મા રાઉન્ડની મંત્રણામાં ભાગ લેશે

(પીટીઆઇ) પેરિસ, તા. 7 મે, 2019, મંગળવાર

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મુદ્દે ફરીથી વધેલી તંગદિલી વૈશ્વિક અર્થતંત્ર માટે ખતરો છે તેમ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઇએમએફ)ના વડાએ જણાવ્યું છે. 

પેરિસમાં એક કોન્ફરન્સમાં ક્રિસ્ટિન લેગાર્ડે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે એમા કોઇ શંકા નથી કે અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલ તંગદિલી વૈશ્વિક અર્થતંત્ર માટે ખતરો છે. 

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની ચીનની વસ્તુઓ પર ડયુટી વધારવાની ધમકીને પગલે વૈશ્વિક શેરબજારોમાં કડાકો બોલાઇ ગયો છે. પેરિસ ફોરમ ઇવેન્ટમાં ફ્રાન્સના ઇકોનોમી પ્રધાન બુ્રનો લી મેરીએ ચેતવણી આપી છે કે વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચેની લડાઇથી સમગ્ર વિશ્વને નુકસાન થશે. 

તેમણે જણાવ્યું હતું કે અમે ચીન તથા અમેરિકા વચ્ચેની મંત્રણા પર ખૂબ જ બારીકાઇથી નજર રાખી રહ્યાં છે. તેમણે બંને દેશોને અપીલ કરી હતી કે તેમણે એવા કોઇ નિર્ણય ન લેવા જોઇએ જેનાથી વૈશ્વિક અર્થતંત્રને નુકસાન થાય.

બીજી તરફ ચીને આજે ફરી એક વખત જણાવ્યું છે કે ટ્રમ્પે ડયુટી વધારવાની ધમકી આપી હોવા છતાં તે વોશિંગ્ટનમાં ચાલુ સપ્તાહમાં યોજાનાર મંત્રણામાં ભાગ લેશે. ચીનના વાણિજય મંત્રાલયે જાહેરાત કરી છે કે ચીનના નાયબ વડાપ્રધાન લિ ૯ અને ૧૦ના મેના રોજ અમેરિકાની મુલાકાત લેશે અને મંત્રણાના ૧૧મા રાઉન્ડમાં ભાગ લેશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LsBpVv
via Latest Gujarati News

Post a Comment

0 Comments